માસિક દુર્ગાષ્ટમીના દિવસે માં દુર્ગાને યાદ કરવામાં આવે છે. શુક્લ પક્ષની આઠમના દિવસે માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે, તેમજ સાંજે પૂજા અને વ્રત પણ રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ભક્ત વ્રત કરે છે, તેના તમામ કષ્ટ દૂર થાય છે અને તેના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. દુર્ગાષ્ટમી આવતી કાલે અષાઢ માસના શુક્લ પક્ષની આઠમ એટલે કે, 17 જુલાઈ 2021 શનિવારના રોજ છે અને તે આવતીકાલે બપોરે 2.41ના રોજ પૂર્ણ થશે.
દુર્ગાષ્ટમીનો ઈતિહાસ અને તેનું મહત્વ
એક સમયની વાત છે, જયારે દુષ્ટ રાક્ષસ મહિસાસુર દેવી-દેવતાઓને કષ્ટ આપતો હતો. આ દુષ્ટ રાક્ષસના પ્રકોપથી તમામ દેવતાઓ ભયભીત થઈને ભગવાન શિવની સહાયતા લેવા માટે કૈલાશ પર્વત પર જતા રહ્યા હતા. શુક્લ પક્ષની આઠમના રોજ ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માએ માં દુર્ગાને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ બધા જ દેવતાઓએ માં દુર્ગાને હથિયાર અર્પણ કાર્ય અને માં દુર્ગાએ રાક્ષસ સાથે ભીષણ યુદ્ધ કરીને રાક્ષસનો નાશ કર્યો હતો. રાક્ષસનો નાશ થતા ત્રણેય લોકમાં હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી તથા માં દુર્ગાનો આભાર માન્યો અને તેમની પૂજા કરી હતી. આ દિવસને દુર્ગાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
દુર્ગાષ્ટમીની પૂજા વિધિ
સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને માં દુર્ગાના ફોટાને સજાવો. ફોટા સામે અખંડ દીવો પ્રગટાવો. માં દુર્ગાને ગુલાબી ફૂલ, કેળા અને શ્રીફળ અર્પણ કરો.
માં દુર્ગાને મહાગૌરી પણ કહેવામાં આવે છે. માં મહાગૌરીને ધૂપ કરીને, ઘંટ અને શંખ નાદ કરીને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે માટીના કુંડામાં જવ વાવવામાં આવે છે અને સમૃદ્ધિના પ્રતીક તરીકે આ જવને ઉગાડવામાં આવે છે.
આ દિવસે ઘરને ખાલી ન મુકી શકાય. વ્રત કરનાર વ્યક્તિએ સૂર્યોદયથી લઈને સાંજ સુધી કંઈપણ પ્રકારનું ભોજન ગ્રહણ કરવાનું રહેતું નથી. સાંજે એકવાર પૂજા કરવામાં આવે છે અને સૂર્યાસ્ત બાદ આ વ્રત પૂર્ણ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર