સત્યઘટના: "અમે એની વાતમાં માથું નથી મારતા..."

News18 Gujarati
Updated: December 25, 2018, 7:35 AM IST
સત્યઘટના:
પ્રતિકાત્મક તસવીર

દુર્લક્ષ સેવવાની આપણને કુટેવ પડતી જાય છે. બધું એની મેળે થાળે પડી જશે એવી ગેરસમજ હંમેશા ન રાખવી

  • Share this:
ઉપરોક્ત ઊક્તિ પરિવારમાં બોલચાલની ભાષામાં ખૂબ ઝડપથી પ્રચલિત થઈ ચૂકી છે. સૌ પ્રથમ પરિવાર કે પરિજન શબ્દને આપણે સારી રીતે સમજવો પડશે. જો આ શબ્દને સમજી લઈશું તો ઘણી મુશ્કેલી ટળી જશે. આપણી ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ છે. પ્રત્યેક શબ્દને ખૂબ સમજી-વિચારીને ભાષાવ્યવહહારમાં સ્થાન આપ્યું છે. “પરિજન” કે “પરિવાર” આ શબ્દને જો છૂટો પાડીશો તો આ પ્રમાણે થશે “પરિ” અને “જન” અથવા “પરિ” અને “વાર” જો ગુજરાતી ભાષાનો જોડણીકોષ તપાસો તો “પરિ” શબ્દનો અર્થ ચારેય તરફનું અથવા સર્વ પ્રકારે સંકળાયેલું એમ થાય છે. એવો જે સભ્ય જે આપણી સાથે સર્વ પ્રકારે સંકળાયેલો છે તેને “પરિજન” અથવા “પરિવાર”નો સભ્ય એમ કહેવામાં આવે છે.

આ પરિજન સુખ-દુઃખમાં સાથે હોય, જીવનના મહત્ત્વના નિર્ણય લેતી વખતે સાથે હોય, દિલની વાત એની આગળ જ થાય, ક્યારેક ગુસ્સો પણ એની જ સમક્ષ ઠલવાય અને પરિવારના સભ્યો એકબીજાનું ધ્યાન પણ ખૂબ જ રાખે, દરકાર રાખે. પરિવારના સભ્યોના મનોભાવ સમજી જવાય ત્યારે એમ સમજવું હવે પારિવારીક વર્તુળ સંપૂર્ણ થઈ ગયું છે.

પરિવારના સભ્યો વચ્ચે જો દિલની વાતો ન થાય તો શું થાય ? તેની સમજ આપતી એક સત્યઘટનાનું સ્મરણ મને થાય છે. આ ઝડપી જીવન આપણને ક્યાં લઈ જશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

બપોરે લગભગ 2.00 કલાકે એક સજ્જનનો ફોન આવ્યો. કહે, “શાસ્ત્રીજી હું અને મારી પત્ની તમને મળવા આવીએ છીએ, મારા સુપુત્રની જન્મકુંડળીનો અભ્યાસ કરાવવો છે.” નિયત સમયે એ પતિ-પત્ની આવી પહોંચ્યા. થોડી ઔપચારિક વાત-ચિત પછી મેં કહ્યું, “લાવો જન્મકુંડળી તેનો અભ્યાસ કરી લઈએ.” એમના સુપુત્રના જન્મકુંડળીના કેટલાક ગ્રહો ખૂબ મજબૂત હતા વળી, નક્ષત્ર પણ સાનુકૂળ હતા. મેં કહ્યું, “દિકરો તો ખૂબ સારી જગ્યાએ ગોઠવાઈ ગયો છે.” મેં કહ્યું, “કહો શું પ્રશ્ન છે ?” પિતા એકદમ કહે, “શાસ્ત્રીજી જન્મકુંડળી જોઈને તમે જ કહો અમને શું પ્રશ્ન હશે...? મેં તેમને કહ્યું, “મહાશય ! તમે ડોક્ટર પાસે જાવ છો તો શું એમ કહો છો કે, શોધી કાઢો સાહેબ મારા શરીરમાં ક્યાં રોગ છે ? અને મને શેની પીડા છે ? જવાબમાં પેલા ભાઈ હસવા લાગ્યા. ઠીક છે, મેં કહ્યું, “ભાઈ દિકરાના લગ્નનો પ્રશ્ન લઈ તમે મારી પાસે આવ્યા એમ લાગે છે.” મારી વાત સાથે પતિ-પત્ની બેઉ સંમત થયા. એમના ચહેરા ઉપર જાણે કોઈ ચમત્કાર જોયો હોય તેવા ભાવ સ્પષ્ટ હું જોઈ શકતો હતો.

માટે, સાથે સાથે મેં એમ પણ કહ્યું, “એક જ્યોતિષાચાર્ય તરીકે હું કોઈ ચમત્કાર કરી તમને આંજી નાંખવા તત્પર નથી બેઠો અને ફરી કોઈ વખત આ પ્રકારની માનસિકતા કેળવી કોઈ જ્યોતિષી પાસે જતા પણ નહીં. કારણ કે, ચમત્કાર જોવાની ઇચ્છા જ વ્યક્તિને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી દે છે. જ્યોતિષશાસ્ત્ર યોગ્ય દિશા-દર્શન મેળવી પોતાની સમસ્યાનો ઉકેલ શોધવાનું શાસ્ત્ર છે.”

તેમનો દિકરો એક સારી કંપનીમાં જનરલ મેનેજર હતો. લગભગ 32 વર્ષનો થઈ ચૂક્યો હતો. દિકરાનો સારો પગાર હતો, ઘરમાં સુખ-સગવડના બધાં જ સાધનો હતા પણ કોઈ દિકરી તેમના દિકરાને લગ્ન માટે હા જ નહોતી પાડતી. જન્મકુંડળીના ગ્રહોનો અભ્યાસ કરી તેમના દિકરાના અનુસંધાનમાં કેટલીક વાત કરી જેની સાથે તેઓ સંમત થયા. થોડા સમય પછી મેં ફરી જન્મકુંડળીનો અભ્યાસ શરૂ કર્યો અને કહ્યું, “તમને વાંધો ન હોય તો તમે તમારા દિકરાને સાથે લઈને આવજો, એ વધુ યોગ્ય રહેશે.” પતિ-પત્ની એકી અવાજે એકદમ ઝડપથી બોલી ઊઠ્યા, “ના... ના... એ.. આ બધામાં માનતો જ નથી. અમે તો તેની જાણબહાર છાના-માના આવ્યા છીએ. એ જાણશે તો અમારી ઉપર ખૂબ ગુસ્સે થશે.” મેં કહ્યું, “તે ગુસ્સે જ થાય ને... તમે ચમત્કારની વાતો કરી હશે એટલે આજનો યુવાન દૂર જ ભાગે. આ કોઈ જાદુ નથી, આ શાસ્ત્રોક્ત બાબતો છે વળી, યુગો પહેલા ઋષિમુનિઓએ પ્રખર અભ્યાસ કરી આ શાસ્ત્રનું નિર્માણ કર્યું છે.“પેલા પતિ-પત્ની છેવટે બે હાથ જોડી કહેવા લાગ્યા, “શાસ્ત્રીજી હવે દિકરાને સાથે લાવવાની વાત માંડીવાળો અને અમને જ આપ કહો. અમે સર્વપ્રકારના ઉપાય કરવા માટે તૈયાર છીએ.” પતિ-પત્નીને મારામાં શ્રદ્ધા બેસી ચૂકી હતી એમ કહેવા કરતા એમ કહીશ કે, જ્યોતિષશાસ્ત્ર ખરેખર સત્ય છે તે વાતની પ્રતીતિ તેમને ચોક્કસ થઈ ચૂકી હતી. મેં તેમની વિનંતી માન્ય રાખી અને વાત આગળ ધપાવી. જન્મકુંડળીના ગ્રહોનો અભ્યાસ કરી તેમને કહ્યું, “આજથી પાંચેક વર્ષ પહેલા તમારા દિકરાને કોઈ બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થયો હતો એમ જણાય છે.” તેમણે કહ્યું, “ના. મારો દિકરો આ બધી વાતોથી યોજનો દૂર છે. અમે ક્યારેય આ પ્રકારના સંકેતો તેના તરફથી મેળવ્યા નથી. એક માતા-પિતા તરીકે છેલ્લા બે વર્ષથી અમે તેને અમારા તરફથી ખુલ્લી છૂટ આપી છે. અમે તેને કહ્યું છે કે તારા જીવનમાં કોઈ યુવતી હોય તો તું અમને નિઃસંકોચ કહે અમે તને લગ્ન કરાવી આપીશું. પણ, તે ના કહે છે. એવું કાંઈ એના જીવનમાં છે જ નહીં.”

માતા-પિતાએ આમ ભારપૂર્વક મારી વાતને નકારી એટલે મેં બહુ દલીલ ન કરી. મેં કહ્યું, “હવે સાંભળો, તમારા દિકરાને પ્રેમ થયો હતો તેવું ગ્રહો સ્પષ્ટ જણાવે છે અને પ્રેમ કોઈક કારણોસર નિષ્ફળ જવાથી દિકરાને આઘાત લાગ્યો છે. એ તેમાંથી બહાર નથી આવી શકતો. દિકરો ડિપ્રેશનમાં છે અને એ પરણવા નથી માંગતો તેવું જણાય છે.” એ દંપતી કહે, સારૂ ત્યારે અમે આ બાબતની ચર્ચા વખત જોઈને અમારા દિકરા સાથે કરીશું અને પછી ફરી અમે તમારી પાસે આવીશું.

ચાર દિવસ પછી એ દંપતિ પુનઃ આવ્યા. એમણે જે વાત કરી તે જાણી હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. પ્રસ્તુત લેખના પ્રારંભમાં મેં પરિવારની વ્યાખ્યા કરી – પરિજનની વ્યાખ્યા કરી તે વ્યાખ્યા આપણે સૌએ યાદ રાખવી ઘટે. બિનજરૂરી દુર્લક્ષ સેવવાની કુટેવ આપણામાં ઘર કરી ગઈ છે. બસ “Ignore” કરવું આ મંત્ર બનાવી લીધો છે કેટલાક પરિવારે. ક્યાં ધ્યાન આપવું ? અને ક્યાં દુર્લક્ષ સેવવું ? તેનું સંતુલન કેળવવું પડશે આપણે. હવે આગળ આપ વાંચશો એટલે મારી વાત તમને બરાબ્બર સમજાઈ જશે.

માતા-પિતાએ પુનઃ આવી પોતાની વાત શરૂ કરી, જે સાંભળીને મને અત્યંત આશ્ચર્ય થયું. માતા એ ખૂબ કરૂણ સ્વરે વાત માંડતા કહ્યું, “શાસ્ત્રીજી, અહીંથી જ્યારે અમે અમારા ઘરે પરત ફર્યા ત્યારબાદ મેં મારી દિકરી સાથે વાત કરી. મારી દિકરીએ કહ્યું, “મમ્મી એક વખત મોડી રાત્રે લગભગ રાત્રે 2.00 થી 3.00 વાગ્યાની આસપાસ પાણી પીવા ઊઠી ત્યારે ભાઈ કોઈકની સાથે પથારીમાં સૂતા સૂતા ફોન ઉપર વાત કરતો હતો. વળી, એ ખૂબ રડતો હતો. રડતાં-રડતાં કોઈકની સાથે અંગ્રેજીમાં એ વાત કરતો હતો. પણ, આ વાતને ઘણો વખત થઈ ગયો.” આ પછીનું વાક્ય જ્યારે માતાએ કહ્યું એ સાંભળીને હું તો ચોંકી જ ગયો. માતા બોલ્યા, “મારી દિકરીએ મને બીજા દિવસે સવારે આ વિશે ધ્યાન દોર્યું હતું. પણ મને એમ કે, આ સમય રહેતા બરાબર થઈ જશે.”

“એક જુવાન સમજદાર દિકરો રાત્રે ડૂસકા ભરીને રડતો હોય એને તમે કેવી રીતે અવગણી શકો ?” પેલા બેનને મેં સ્હેજ ટકોર કરી. વાતનું મૂળ પકડાઈ ગયું હતું. કુંડળી સાથે આ વાત બરાબર મેળ ખાતી હતી. માતા-પિતાને આ અંગે થોડા સાવધ થવા જણાવ્યું અને તેમને શાસ્ત્રોક્ત મંત્ર પણ આપ્યો અને બીજો એક સાત્ત્વિક પૂજાનું માર્ગદર્શન પણ આપ્યું. વળી, સાથે સાથે એ પણ સૂચના આપી કે આ પૂજાવિધિની સાથે સાથે હવે બીજું એક કાર્ય તમે કરો. તમે તમારા દિકરાને કોઈ સારા મનોચિકિત્સક પાસે પણ લઈ જઈ શકો છો.

આ એક માનસિક આઘાત છે. જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર દૂષિત હોય ત્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. તમે એક તરફ ગ્રહોનું બળ મેળવવા મેં આપ્યા છે તે મંત્રોચ્ચાર અને ઉપાય કરો અને સાથે સાથે મનોચિકિત્સકનો સંપર્ક પણ કરો. મારી વાતમાં તેમનું મન બેઠું અને હસતા ચહેરે વિદાય થયા.

દુર્લક્ષ સેવવાની આપણને કુટેવ પડતી જાય છે. બધું એની મેળે થાળે પડી જશે એવી ગેરસમજ હંમેશા ન રાખવી. સમસ્યાનું નિરાકરણ યોગ્ય સમયે નહીં લાવીએ તો ચોક્કસ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. એક વાત આપને જણાવી દઉં કે લગભગ છ-સાત મહિના પછી પેલા માતા-પિતા ફરીથી મારી પાસે આવ્યા અને હવે જ્યારે આવ્યા ત્યારે તેમના હાથમાં મને આપવા માટે નિમંત્રણ પત્રિકા હતી. ઈશ્વરની કૃપા થઈ ગઈ.

આ લેખકના અંગત વિચાર છે, જેની સાથે News18 ગુજરાતીને કોઈ લેવા નથી.

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય ) (મો) 706 999 8609
ઈ-મેલઃ harisahitya@gmail.com
First published: December 24, 2018, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading