જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જીલ્લાના સુપ્રસિધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આઠમના દિવસે વહેલી સવારથી જ શામળાજી મદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. અહીં ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન ગદાધર કાળીયા ઠાકોરનો ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે છે. આ પંચામૃતમાં ઘી, દૂધ, દહીં, માખણ અને સાકર જેવી સામગ્રી મિક્સ કરીને અભિષેક કરવામાં આવશે, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરી પોતાને ધન્ય અનુભવશે.
દેશભરમાં કાળીયા ઠાકોરથી જાણીતા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ગદાધર વિષ્ણુ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વને ઉજવવા શામળીયાના હજારો ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે. અહીં મટકી ફોડ, શોભાયાત્રા સહિત ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ વર્તાઈ રહયો છે. તો જોઈએ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનો પૂરો કાર્યક્રમ.