ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી કુમકુમ મંદિરમાં સત્સંગ સભા યોજાશે

ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી કુમકુમ મંદિરમાં સત્સંગ સભા યોજાશે

જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે -સાધુ પ્રેમવત્સલદાસજી

 • Share this:
  16 જુલાઈને મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં રાત્રે – 1.32 વાગ્યા થી 4.30 વાગ્યા સુધી સત્સંગ સભા યોજાશે. આ પ્રસંગે ધુન, ભજન, કીર્તન, સંતવાણી, યુવાનોની ધર્મ ગ્રંથો ઉપર પ્રશ્નોત્તરી આદિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગેચંદ્રગ્રહણ શા માટે ? એ વિષય ઉપર પ્રેમવત્સદાસજી સ્વામી વિવેચન કરશે. અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

  આપણા હિન્દુ શાસ્ત્રોમાં બે પ્રકારના ગ્રહણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક સૂર્ય ગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ. આ બંને ગ્રહણ દરેક માણસોએ પાળવાના હોય છે. આ ગ્રહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તે પાળવા માટે કયાં - કયાં પ્રકારના વિધિ અને નિષેધ છે તેનો વિસ્તાર વાસુદેવ મહાત્મય ગ્રંથમાં બહુ જ સ્પષ્ટીકરણ સાથે દર્શાવેલ છે. જયારે - જયારે સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જ જાઈએ. તેવી આજ્ઞા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમા કરેલી છે.

  ચંદ્રગ્રહણ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના શ્લોક 86 અને 87 માં કહયું છે કે, સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે સૌ કોઈએ બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.

  આ પણ વાંચો - ગુરૂ પૂર્ણિમા 2019: 16 જુલાઈએ ગુરૂ પૂજનમાં આ 4 મંત્ર કરવાનું ના ભૂલતા

  ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે. ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું, પરંતુ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે.માટે જે ગ્રહણનો સૂતકી હોય તેને જે અડે ને તેના સંસર્ગમાં આવે તો ભક્ત હોય તે પણ તેમાંથી ઉતરી જાય છે.ગ્રહણનું સૂતક એવું ખરાબ છે, તેમ સામે ગ્રહણ સમયે જે દાન કરવામાં આવે છે તેનાં જેવું કોઈ ઉત્તમ દાન નથી.

  - ચંદ્રગ્રહણમાં ગ્રહણ સમય પહેલા ત્રણ પ્રહર પહેલા (9 કલાક) પહેલા વેધ બેસી જાય છે, આ સમય દરમિયાન જમાય નહી.

  - ચાલુ ગ્રહણ સમયે એક જ સ્થાને બેસીને ભગવાનના મંત્રની ધૂન અને કથા - કીર્તનાદિ કરવું.

  - સૂર્યગ્રહણ - ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડ્યું હોય તો તે ત્યાગવું.

  - અથાણાં, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ, તેલમાં તળેલી વાનગીઓ, માટીથી બનેલું પાણી ભરવાનું માટલું વગેરેમાં તલ અને દર્ભ (દાભડો) નાખવાથી તેને ગ્રહણ લાગતું નથી, પવિત્ર રહે છે.

  - શણ, ઊન, દર્ભ, રેશમ - આ પૈકી કોઈપણ વસ્તુનું વણેલું કાપડ, ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણ્યાં છે. સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન થઈ ન શકે.

  - સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ મુકાઈ રહ્યા પછી સ્નાન ન કરનારો પુરુષ ફરી બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે, માટે ગ્રહણને અંતે પહેરેલા તથા ઓઢેલાં વસ્ત્રો સહિત શુદ્ધિ સ્નાન અવશ્ય કરવું.

  - ગ્રહણ-મોક્ષનું સ્નાન ઠંડા જળથી કરવું તે શ્રેષ્ઠ છે. કૂવો, તળાવ, ઝરણું, મહાસરોવર, નદી, મહા નદી ને સમુદ્ર - આટલા નાં જળ પૂર્વ-પૂર્વ અપેક્ષાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.(સત્સંગીજીવન : ૫/૧૯/૭૦/૯૪).

  - ગ્રહણ મુકાઈ રહ્યા પછી સર્વે મનુષ્યોએ વસ્ત્રસહિત સ્નાન કરવું જે ગૃહસ્થાશ્રમમાં રહયા હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.

  - સૂર્ય- ચંદ્ર ગ્રહણના વેધમાં જા કોઈ માણસ જમ્યો હોય તો તે ત્રણ દિવસ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.
  Published by:Ashish Goyal
  First published: