BAPS: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ

News18 Gujarati
Updated: July 15, 2019, 10:47 PM IST
BAPS: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક આધ્યાત્મિક સંતવિભૂતિઓના દિવ્ય આશીર્વાદનો એક અવિસ્મરણીય અધ્યાય છે

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક આધ્યાત્મિક સંતવિભૂતિઓના દિવ્ય આશીર્વાદનો એક અવિસ્મરણીય અધ્યાય છે

  • Share this:
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક આધ્યાત્મિક સંતવિભૂતિઓના દિવ્ય આશીર્વાદનો એક અવિસ્મરણીય અધ્યાય છે. એ વિરલ સંતવિભૂતિઓમાં ગુજરાતના મહાન સંતવર્ય બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને ઇતિહાસ હંમેશાં વંદન કરતો રહેશે.

ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એટલે નિમ્ન જાતિઓના ઉદ્ધારથી લઈને વૈદિક સંસ્કૃતિના સનાતન સંદેશને પ્રસરાવવા માટે જીવન સમર્પિત કરનાર એક વિરલ સંતવિભૂતિ. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજી બન્યા. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અધ્યાત્મ પરંપરાના પ્રખર વક્તા અને અજોડ વ્યક્તિત્વને કારણે ખૂબ નાની વયમાં સૌનાં દિલ જીતી લીધાં. સને ૧૯૦૭માં ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ ભારતીય સંસ્કૃતિના સનાતન અધ્યાત્મ જ્ઞાનને પ્રસરાવવા તેમણે રૂઢિગત વરતાલ સંસ્થા છોડીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. અસહ્ય કષ્ટોની કાંટાળી કેડી પર ચાલીને તેમણે ભારતીય અધ્યાત્મના ઇતિહાસમાં એક નૂતન ક્રાંતિ કરી.

એક તરફ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભારતીય અધ્યાત્મના ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહ્યા હતા, યોગાનુયોગ એ જ સમયે ભારતીય આઝાદીના સંગ્રામને શ્રી અરવિંદ અને લોકમાન્ય તિલકના અનુગામી તરીકે મહાત્મા ગાંધીજીનું નેતૃત્વ મળી રહ્યું હતું. ગાંધીજીના નિવાસને કારણે સ્વરાજ્યની રાષ્ટ્રિય ક્રાંતિના કેન્દ્ર તરીકે અમદાવાદ અને ગુજરાત ઊભરી રહ્યાં હતાં. અને સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના કાર્યક્ષેત્રનું મુખ્યકેન્દ્ર પણ અમદાવાદ હતું. આથી અનેક સ્વાતંત્ર્યવીરોને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આધ્યાત્મિક છત્રછાયાનો સહજ લાભ પ્રાપ્ત થયો હતો. શાસ્ત્રીજી મહારાજે સિંચેલાં આધ્યાત્મિક મૂલ્યો એ સ્વાતંત્ર્યવીરો માટે સૌથી મોટું પ્રેરક બળ બની રહ્યાં હતાં.

આ પણ વાંચો - BAPS: ક્ષમા પારિવારિક પ્રશ્નોની જડીબુટ્ટી

ગાંધીજીને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ
Loading...

ભારતીય આઝાદીની અમર કહાનીમાં મહાત્મા ગાંધીજીએ કરેલી દાંડીયાત્રાનો એક સુવર્ણ અધ્યાય હતો. અહિંસક લડતની આ વિરલ યાત્રામાં મહાત્મા ગાંધીજીને અનેક મહાપુરુષોના આશિષ પણ મળ્યા હતા. એવી એક વિશિષ્ટ ઘટના એટલે દાંડીયાત્રાના પ્રારંભમાં જ અમદાવાદ પાસે નવાગામ મુકામે મહાત્મા ગાંધીજી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું મિલન.

ગાંધીજીએ શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને વચનસિદ્ધ પ્રતિભા વિશે સાંભળ્યું હતું. સને ૧૯૩૦ની ૧૩ માર્ચે, ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચની યાત્રાને નવાગામમાં(ખેડા) વિરામ આપ્યો ત્યારે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને તેમનું મિલન થયું હતું. આ પ્રસંગે દર્શનથી પ્રભાવિત થતાં ગાંધીજીએ આશીર્વાદ માગતાં કહ્યું હતું કે 'સ્વામીજી! આપ આશીર્વાદ આપો તો અમારું કાર્ય સફળ થાય.' ત્યારે શાસ્ત્રીજી મહારાજે એ વખતે કહ્યું : 'તમારા પ્રયાસથી દેશને સ્વરાજ્ય મળશે. તે માટે અમારા આ યોગીજી મહારાજ આજથી માળા ફેરવશે.'આવા મહાન સંતોની પ્રાર્થનામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ગાંધીજી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ખૂબ પ્રસન્ન થયા અને નમસ્કાર કર્યા. અનેઆ દિવસથી લઈને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નિત્ય પ્રાર્થના અને માળા કરી હતી.

સરદાર વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પટેલના પ્રેરણામૂર્તિ

ભારતની લોખંડી પ્રતિભા ગણાતા અને અખંડિત ભારતનું સ્વપ્ન સાકાર કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના બંધુ શ્રી વિઠ્ઠલભાઈ, અને તેમના પિતાશ્રી ઝવેરભાઈ - આ પરિવારના ગુરુપદે સ્વામી શાસ્ત્રીજી મહારાજ હતા.ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અનન્ય પ્રદાન આપનારી આ બંધુબેલડીને જ્યારે વકિલાતના અભ્યાસ માટે વિલાયત જવાનું થયું ત્યારે તેમના પિતાશ્રી ઝવેરભાઈ પોતાના બંને પુત્રોને લઈને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેવા માટે ખાસ બોચાસણ આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજને પ્રણામ કરીને બંને ભાઈઓએ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ માગ્યા ત્યારે પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતા સ્વામીજીએ કહ્યું હતું કે 'આ બે તો હિંદુસ્તાનના હીરા છે અને દેશના મોટા નેતા થશે...' અને સરદાર વલ્લભભાઈના માથે આશીર્વાદ મૂકીને કહ્યું હતું કે 'આ તો ભારતનો બેતાજ બાદશાહ થશે...' અને ખરેખર, શાસ્ત્રીજી મહારાજના આશબ્દો સાકાર થયા ત્યારે સૌને એની મહત્તા સમજાઈ. વકીલાતનો અભ્યાસ કરીને ભારત આવ્યા ત્યાર પછી પણ સરદાર પ્રસંગોપાત્‌ શાસ્ત્રીજી મહારાજનાં દર્શને આવીને પ્રેરણા પ્રાપ્ત કરતા હતા. શાસ્ત્રીજી મહારાજના ધારાશાસ્ત્રી તરીકે પણ સરદારે સેવા આપી હતી. સરદારના નિઃસ્પૃહી, નિશ્ચલ અને નિષ્કલંક વ્યક્તિત્વમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદનો દિવ્ય પ્રભાવ પથરાયો હતો.

મજૂર મહાજન પ્રવૃત્તિને અને તેના નેતૃત્વને સ્વામીશ્રીના આશીર્વાદ સ્વતંત્રતાની ચળવળના એક ભાગરૂપે ગાંધીજીએ આરંભેલી પ્રવૃત્તિ એટલે મજૂર મહાજન. મજૂર મહાજનના આંદોલનનું નેતૃત્વ સંભાળનાર અને સ્વતંત્રતા ચળવળના એક અગ્રેસર શ્રી ગુલઝારીલાલ નંદાજીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થઈને તેમને ગુરુપદે સ્થાપ્યા હતા. અને એટલે જ સમયે સમયે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ અને તેમનું માર્ગદર્શન નંદાજી માટે પ્રેરણાબળ બની રહ્યું હતું. તેમના જ શબ્દોમાં શાસ્ત્રીજી મહારાજ સાથેના તેમના સ્વાનુભવો સાંભળીએઃ

''૧૯૪૨માં 'ભારત છોડો આંદોલન'માં જેલમાં ગયો ત્યારે પૂજ્ય સ્વામીશ્રીને મળીને ગયેલો. સ્વામીશ્રીએ તે વખતે કહેલું કે તમે જાઓ, અમે તમારી સાથે જ છીએ. જેલમાં માંદગી વખતે સત્સંગિજીવન વાંચી ગયો. શિક્ષાપત્રી, વચનામૃત, સ્વામીની વાતોમાં જે લખ્યું છે તે બધાં શાસ્ત્રોનો સાર અને નિચોડ છે, એમ મને લાગ્યું. લગભગ છેલ્લા સોએક વર્ષથી લોકોને ધર્મ ઉપર લાગણી ઓછી થતી જણાઈ છે. સાધુઓ ખાવા-પીવામાં જ મસ્ત હોય છે. એમાં પડવા જેવું નથી એવી માન્યતા. ભણેલાઓની ધર્મ તરફ ગ્લાનિ, લોકસેવા એ જ ધર્મ - એવી સામાન્ય માન્યતા પ્રવર્તતી હતી. એ સ્થિતિમાં મેં અહીં સદાચાર ઉપર શબ્દે શબ્દે ભાર મૂકેલો જોયો.... વચનામૃતનાં ઉપદેશવચન વગેરે અધ્યાત્મ પુસ્તકોના ઉપદેશ કરતાં ઊંચામાં ઊંચી કોટિનાં છે.

પૂજ્ય શાસ્ત્રીજી મહારાજમાં અજબ આકર્ષણ શક્તિ અને પ્રેમ હતાં. મારામાં રજોગુણ પ્રધાન. કંઈ કામ ન થાય તો ચિંતા રહ્યા કરે. સ્વભાવ મૂકાય નહીં. સ્વાર્થ મૂકીને ચળવળમાં જોડાયો. અહંકારમાંથી ક્રોધ, ઈર્ષ્યા વગેરે થાય તે લઈને સ્વામીજી પાસે આવીને બેસું. મને તેઓ પારખી જાય. બીજાને વાત કરતા હોય પણ મારા મનનું સમાધાન કરવા માટે જ જાણે વાત ન કરતા હોય તેમ મને લાગતું. આપણને જોઈને જ અંતર્યામીરૂપે કેમેરાની માફક આપણા મનના વિચારો ઝડપી લઈ વાતો કરે તેમ સ્પષ્ટ જણાય. તેથી શાંતિ શાંતિ થઈ જાય. સ્વામીશ્રી પૂરેપૂરા અંતર્યામી અને સર્વજ્ઞ છે તેવો અનુભવ મને અસંખ્યવાર અને કાયમ થયો હતો.

જેલની અંદર મારી શારીરિક ઘણી વિકટ પરિસ્થિતિમાં એમની સ્મૃતિથી મારી રક્ષા થતી એમ હું અનુભવતો. જેલમાંથી પાછા આવ્યા બાદ તેમને સીધો જ મળવા અટલાદરા ગયો. ત્યાં ન મળ્યા એટલે સાંકરદા જવા નીકળ્યો ત્યારે રસ્તામાં જ રણોલી સ્ટેશને ભેટો થઈ ગયો. મેં કહ્યું કે મારે હવે પાછુ ઘેર જવું નથી. મને તેમણે ખૂબ સમજાવી આશ્વાસન આપી ઘેર જવા આજ્ઞા આપી જણાવ્યું કે અમે તમારી સાથે જ છીએ.

સ્વામીશ્રીના પ્રસંગમાં આવતો ગયો તેમ કુદરતી રીતે જઅંગ બદલાઈ ગયું. કોણ જાણે ક્યારે તે થયું ? તે કેમ થયું ? તેની આજે પણ કંઈ સમજ પડતી નથી.''
ગુજરાત કોલેજના પ્રખર ગણિતશાસ્ત્રી અને આઝાદીની ચળવળના અગ્રેસર પ્રોફેસર જેઠાલાલની પ્રેરણામૂર્તિ પણ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ હતા. આઝાદીના સંગ્રામના એક અવિસ્મરણીય સૂત્રધાર વસોના રાજવી દરબાર ગોપાળદાસના વ્યસની જીવનનું પરિવર્તન કરીને તેમને આધ્યાત્મિક પ્રેરણા આપવાનું શ્રેય પણ શાસ્ત્રીજી મહારાજને જ જાય છે. સરદાર વલ્લભભાઈના સહકર્મી અને ગુજરાતની વિદ્યાનગરી વલ્લભવિદ્યાનગરના સંસ્થાપક ડૉ. ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ પણ આઝાદીના એક સમર્પિત લોકનેતા હતા. તેઓ લખે છે : ''પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તો બાળબ્રહ્મચારી હતા, બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. બાળપણથી એમના તરફથી જે સંસ્કાર મળ્યા છે, તે સંસ્કારની અસર જીવનભર રહી છે.'' સ્વતંત્રતાના ઇતિહાસમાં અવિસ્મરણીય યોગદાન આપનાર અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠી શેઠ ચીમનલાલ ગિરધરદાસ(જેમના નામ પરથી અમદાવાદમાં સી.જી. રોડ પ્રખ્યાત છે) અને મંગળદાસ ગિરધરદાસના પ્રેરણામૂર્તિ પણ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ હતા. રવિશંકર મહારાજ, ગુલઝારીલાલ નંદા, પ્રૉ. જેઠાલાલ સહિત અનેક સ્વાતંત્ર્ય વીરોને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રેરક આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા હતા.
આવા અગ્રેસર નેતાઓથી લઈને અનેક સ્વાતંત્ર સૈનિકોના જીવન ઘડતરમાં અમૂલ્ય પ્રદાન આપનારા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું એક અવિસ્મરણીય પ્રદાન એટલે વિશ્વવંદનીય સંતવિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. અક્ષરધામ જેવા અનેક સાંસ્કૃતિક સંકુલોના સર્જક, ૧૬૨ જેટલી માનવ ઉત્કર્ષની સેવાપ્રવૃત્તિઓના પ્રેરણામૂર્તિ, ૯૧૦૦ બાળ-યુવા સત્સંગકેન્દ્રો દ્વારા લાખો બાળકો-યુવાનોનું જીવનઘડતર કરનારા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે આરંભેલી રાષ્ટ્રસેવાની જ્યોતિને જનજન સુધી વિસ્તારી રહ્યા છે. તેઓના નેતૃત્વ હેઠળ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૫૫,૦૦૦ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સતત સેવામય રહે છે.

રાષ્ટ્રસેવામાં સમર્પિત થનારા આ વિશ્વવંદનીય મહાપુરુષોના પગલે પગલે ચાલીને, ચાલો, તેમને સાચી ભાવાંજલિ અર્પણ કરીએ.
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...