BAPS: જિંદગી, બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ ?

News18 Gujarati
Updated: July 10, 2019, 9:32 PM IST
BAPS: જિંદગી, બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ ?
શ્રી પ્રમુખ સ્વામી મહારાજ (ફાઈલ ફોટો)

બ્રહ્માનંદજી લખી ગયા : 'દો દિનકા જગમેં મેલા, સબ ચલા ચલી કા ખેલા!' આ જીવતર બે દી'નું છે, એટલે જ નિષ્કુળાનંદ સ્વામી તેને 'બાળપણાની રમત' સાથે સાંકળવાની ના પાડે છે.

  • Share this:
લેખક: સાધુ વિવેકપ્રિયદાસ

ચકલી નાની ને ફૈડકો મોટો ! આ ગુજરાતી કહેવતના મૂળમાં છે માણસની 'બણગાંપતિ' થવાની વૃત્તિ ! પોતાનાં નાનાં કામો અને રાઈ જેવડી સિદ્ધિઓને એન્લાર્જ કરવાની અને સર્વત્ર સંભળાવ્યા કરવાની એમને સહજ આદત હોય છે. અને બીજાની પહાડ જેવડી સિદ્ધિ એટલે એમને મન કચરાના ડૂચા ! માનવ મનનું ઊંડાણ કેટલું અકળ છે !

એક વિદ્યાર્થીએ કહેલું : 'છેલ્લે વાંચી લઈએ એટલે આપણે રાજા !'

એક ડ્રાઇવર બોલેલો : 'ગાડી પર બેઠા, એટલે એક તો આપણી આગળ કોઈ જાવો નો જોઈં ! ને એંસીથી ઓછી સ્પીડ થાવી નો જોઈં !'

એક ઉદ્યોગપતિએ પેટ છૂટી વાત કરી : 'ધંધાની ગળાકાપ હરીફાઈ હોય ત્યાં કો'કનાં ગળાં કાપવાંય પડે !' - તમે આ ત્રણેનાં પરિણામો કેવાં ધારો છો ? વિદ્યાર્થી 'રાજા'માંથી 'રંક' થઈને રડ્યો !, ડ્રાઇવરે એકનો પ્રાણ લીધો ને પોતાની કિડની ને કાન ખોયાં ! ઉદ્યોગપતિ જેલના પાથરણાની દોરીઓ ગણે છે.

જેમને દરેક વાત 'ડાબા હાથનો ખેલ' ને 'રમત' મનાય છે, એને ખરાખરીના ખેલ ખેલનાર ખેલાડીની સામે ખડો કરી દેવો જોઈએ. રમત માત્ર રમવા માટે છે કે જીતવા માટે ? છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમતા ખેલાડીઓના પ્રાણની વ્યાકુળતા, જીત માટેનું ઝનૂન, દેશના લોકોને શું મોં બતાવીશું - ની શરમ અને દિગ્વિજય થયા પહેલાં પહેલી ને છેલ્લી વખત રમી નાખતા હોય તેવી ઝિંદાદિલી ! મિત્રો, 'રમત' ખરેખર રમત નથી !ફૂટબૉલની જ્ઞાતિમાં ગણાય એવી મર્દાના અમેરિકન રમત છે : રગ્બી ! ચીલ જેવી ઝડપ, પશુ જેવી બર્બરતા, વ્રજ જેવાં શરીર, આખલા જેવી શક્તિ - આ રમતનો પ્રાણ છે. એક ખેલાડી પર બીજી ટીમના છ-આઠ ખેલાડીઓ 'તૂટી પડે' છે, ત્યારે જોનારના શ્વાસ ઘડીક બંધ થઈ જાય છે, ને નીચે દબાયેલો ખેલાડી ચિત્કારોમાંથી બહાર આવે છે, ત્યારે હાથ કે મોં સૂજેલા હોય છે ! ક્યારેક હાંસડી ભાંગી હોય છે ને ક્યારેક એને 'રક'માંથી પસાર થવું પડે છે કે પછી 'મોલ'માંથી ! 'રક' નો અર્થ છે ફક્ત એક પગ છુંદાય અને 'મોલ'નો અર્થ છે બંને પગને પ્લાસ્ટર સાથે લટકાવીને પખવાડિયું હૉસ્પિટલમાં રહેવાનું ! તમે સાચું જ સમજ્યા છો, તૂટી જવાની તૈયારી ન હોય તો રગ્બી રમી શકાતી નથી, માત્ર 'ફૂલ રેકેટ' રમાય ! અને આ જીવતર પણ એક ખેલ ગણી શકાય ? બ્રહ્માનંદજી લખી ગયા : 'દો દિનકા જગમેં મેલા, સબ ચલા ચલી કા ખેલા!' આ જીવતર બે દી'નું છે, એટલે જ નિષ્કુળાનંદ સ્વામી તેને 'બાળપણાની રમત' સાથે સાંકળવાની ના પાડે છે. ખરા ખાંડાંના ખેલ જેમ કબ્બડીથી માંડીને રગ્બી સુધીના ખેલજગતમાં છે, તેવા જ ખાંડાંના ખેલ આપણા અભ્યાસકાળથી માંડીને અંતકાળ સુધીના છે. શું રમતનો કોઈ ધર્મ નથી ? રમત શું બેદરકારી છે ? રમત એ ઉત્સવ અને આનંદધર્મી છે, તો સાથે સાથે આત્મનિયમન અને કડક અનુશાસન પણ નથી ? જિંદગી સાથે પણ આ જ શબ્દો રમત રમી જાય છે. આયખું એક જ વાર મળે છે પણ જે આત્મનિયમન અને અનુશાસનમાં રહે તેને જ એ ફળે છે.

ડૉ. રાધાકૃષ્ણને કહેલું : 'યાતના જેવી કોઈ યુનિવર્સિટી નથી, કારણ કે દુઃખ તમને ઘડે છે. પીડા તમને પરિપક્વ બનાવે છે.'

પૈસાના અભાવમાં બૂટ-ચંપલ પણ લકઝરી ગણાય એવી કારમી ગરીબીમાં ઊછરેલા વેદાંત કેસરી વિવેકાનંદજીની વાણી જુઓ : 'સુખ કરતાં દુઃખ તમને વધારે શીખવે છે. ધન કરતાં દરિદ્રતા અને પ્રશંસા કરતાં નિંદાના આઘાતોએ મહાપુરુષોની જિંદગીને વધુ રોનક આપી છે.'

ભગતજીને ઝેરનાં ટીમણ ભેટમાં મળ્યાં હતાં. શાસ્ત્રીજી મહારાજના ઉઘાડે બરડે સળગતા કોલસાનાં તગારાં ઠલવાયાં હતાં ! યોગીજી મહારાજે વર્ષો સુધી અપમાન-માર અને ટોકણીના, છીણી ને ઘણ જેવા ઘા શરીર ને મન પર સહી લીધા હતા. અને છતાં બ્રહ્માનંદી હાસ્યવિલાસ એ મુખારવિંદો પર સદાય લીંપાયેલો રહ્યા કરતો. એ શક્તિ હતી આત્મનિયમન અને કડક અનુશાસનની ! બાકી મજબૂરીથી 'કર્યાં કરમ ભોગવનાર' ક્યાં ઓછા છે ?

શ્રીહરિએ આત્મનિયમનને 'ધર્મ'નું નામ આપ્યું અને ભક્તિને આનંદ અને મજા માની હતી ! ગઢડામાં આત્મારામ નામના સુરતી દરજીએ એક સુંદર ડગલી શ્રીજીને ભેટ ધરી. એ પહેરીને શ્રીહરિ તૈયાર થયા હતા. આજે વજેસિંહ ઠાકોરનું ભાવનગરથી આમંત્રણ હતું. રૂપાભાઈએ ડગલી પર અત્તર છાંટ્યું, પણ મહારાજે ઘણો અણગમો બતાવ્યો. રાજાભાઈ કહે : 'મહારાજ, કપડાં પર અત્તર-ફૂલેલ છાંટવું એ તો રિવાજ છે.'

મહારાજ તીક્ષ્ણ સ્વરે બોલ્યા : 'અંતર ગોબરું હોય ને વિકારના પરસેવાથી મન ને શરીર ગંધાતાં હોય તેને ઢાંકવાનો આ રિવાજ છે ! રાજાભાઈ, ભક્તિ અને ધર્મથી જીવતા શીખો, તો અંતરમાંથી અત્તરને ભુલાવે તેવી સુગંધ નીકળ્યા કરશે !'
હા, 'બે દી'ના ખેલ'ની વાત મૂકી, ૫૦, ૬૦, ૭૦ વર્ષની વાસ્તવિકતા પર આવીએ.. જિંદગીના આ ખરાખરીના ખેલમાં જે ધર્મ-ભક્તિની ક્રાંતિ-જ્યોતને ઉઠાવી લેશે, એ પોતાના લાંબામાં લાંબા આયુષ્યને કે ટૂંકામાં ટૂંકી આવરદાને પણ ઝળાંહળાં કરી શકશે, પણ માત્ર બણગાંઓના આધારે જીવનારાઓને પૂછવાનું કે જિંદગી જમણા હાથમાં ઉઠાવેલી ધર્મ-ભક્તિની ક્રાંતિ-જ્યોત છે ? કે 'ડાબા હાથનો ખેલ ?' જે માત્ર ફૈડકો મોટો રાખવામાં જ માને છે, એની સાઇઝ ચકલી જેવી જ રહી જાય છે. હંસો મોતી ચરતા રહે છે, ને ચકલી મરેલા વાંદા વીણવામાં જ ચક્કર કાપતી રહે છે.
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर