Home /News /dharm-bhakti /

નિષ્ફળતાથી જીવનમાં ક્યારેય હારવું ન જોઈએ, પ્રયત્ન કરવાથી અવશ્ય સફળતા મળશે

નિષ્ફળતાથી જીવનમાં ક્યારેય હારવું ન જોઈએ, પ્રયત્ન કરવાથી અવશ્ય સફળતા મળશે

અથાગ પ્રયત્ન કરવો તો ઝળહળતી સફળતા પ્રાપ્ત થશે

ભગવાન સ્વામિનારાયણ પણ સમજાવવા માંગે છે કે આ મનુષ્યદેહેને ગમે તેટલી નિષ્ફળતા મળે પણ સતત વિચાર રાખવો ‘I can do it’ અને અથાગ પ્રયત્ન કરવો તો ઝળહળતી સફળતા પ્રાપ્ત થશે.

  તપન ભાવસાર/અમદાવાદ: નાનકડી કીડી પોતાના કરતાં વધારે એવો અનાજનો દાણો લઈને જાય છે. જ્યારે કીડી દીવાલ પર ચઢે છે ત્યારે ઘણી વખત પડી જાય છે છતાં કીડી પોતાની નિષ્ફળતાથી હાર માનતી નથી. ફરીવાર અનાજનો દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના વજન કરતાં મોટા અનાજનાં દાણાંને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, જેમકે ક્યાંક ખાડા-ટેકરામાં પડવું અથવા તો ક્યાંક અથડાઈ જવું. છતાં પણ અનાજનાં દાણાને છોડતી નથી. આમ કીડી અંતિમ મંઝિલ સુધી ઝઝુમે છે. તો શા માટે આપણે થોડા પ્રયત્નોમાં મળતી નિષ્ફળતાથી હિંમત હરી લીધેલું કાર્ય પડતું મુકીએ છીએ? નિષ્ફળતાથી જ સફળતા તરફ જવાય છે. જો નાનકડી કીડી ઝઝુમવાનો જુસ્સો ધરાવે તો આપણે શા માટે હતાશ થવું જોઈએ? શા માટે થોડા પ્રયત્નોમાં મળેલી નિષ્ફળતાથી હિંમત હારી હાથમાં લીધેલું કાર્ય પડતું મુકીએ છીએ?

  “કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી
  નન્હીં સી ચીંટી જબ દાના લેકર ચલતી હૈ
  ચઢતી દીવારોં સે સો બાર ફિસલતી હૈ
  કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.”

  આલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે – ‘A failure is a man who has blundered but is not capable of cashing in on the experience’ અર્થાત્ નિષ્ફળતામાંથી જ સફળ થવાની રીત અને રસ્તો મળે છે.

  વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાઓથી ભરપુર હતું. તેઓને ગણિત વિષયમાં સૂઝ ન હોવાને કારણે સેસ્કોટ સ્કુલનાં પ્રિન્સિપાલ અવારનવાર ટોક્યા કરે ઘણી વાર મારે પણ ખરા. આનાથી કંટાળીને તોઓ બ્રિટનમાં ગયા ત્યાં પણ તેમના મૂર્ખપણાએ સાથ ન છોડ્યો. તે સ્કુલ પણ ચર્ચિલે મૂકી. ત્યારબાદ હેરોમાં તેઓ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. તેમને સેન્ડહર્સ્ટ મિલિટરી કોલેજમાં પ્રવેશ પરીક્ષામાં પણ બે વાર નિષ્ફળતા મળી. ત્રીજા પ્રયાસે માંડ પાસ થયાં. આમ, વારંવાર નિષ્ફળ થયા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને બ્રિટનના વડાપ્રધાન બન્યા.

  વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું આક્રંદ કરે છે ત્યારે માનવું જોઈએ કે ભવિષ્યમાં તેના ચહેરા પર સફળતાની મુસ્કાન જરૂર આવશે. ક્યારેક સફળ થવા માટે નિષ્ફળતાની ટપલી જરૂરી છે.

  અરૂણીમા સિન્હા જે ભારતનું ગૌરવ છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલાક વિચિત્ર તત્વો દ્વારા થયેલ મશ્કરીના કારણે અરૂણીમા સિન્હા ચાલુ ટ્રેનમાંથી પડી જાય છે અને બીજી ટ્રેન આવતાં તેના પગ પરથી પસાર થાય છે ત્યારે તેનો એક પગ અડધો કપાઈ જાય છે. હોસ્પિટલમાં સર્જરી બાદ અરૂણીમા સિન્હા પોતાનો કપાયેલો પગ જોઈને દુઃખી થવાની જગ્યાએ સફળતાનાં સર્વોચ્ચ શિખરો સર કરવાનાં સપના સાધે છે. પોતે તો નેશનલ વોલીબોલ પ્લેયર હતા પરંતુ આ દુર્ઘટનાથી વોલીબોલમાં ભવિષ્ય ઉત્કૃષ્ટ ન જણાતા કંઈક નવી સફળતાં પ્રાપ્ત કરવાંના સંકલ્પો સિદ્ધ કરવા સખત અને સતત પ્રયત્ન શરૂ કર્યા. અને એક પગ ન હોવા છતાં પણ વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરી પોતાની ખ્યાતિ અને ભારતના ગૌરવને પણ ઉચ્ચ શિખરે સ્થાપિત કરી દીધું.

  આ પણ વાંચો: કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રીને 100 વર્ષ પૂર્ણ થતા કર્યું પુસ્તક વિમોચન, જુઓ તસવીરો

  નિષ્ફળતાના અનેક ઝંઝાવાતોનો જેને સામી છાતીએ સામનો કર્યો છે તે વ્યક્તિને જરૂરથી સફળતા વરી છે. ઓગણીસમી સદીના નવલકથાકાર સર વોલ્ટેર સ્કોટને મૂર્ખ શિરોમણિનું બિરૂદ મળ્યું હતું. તેમને એક મહિના માટે મૂર્ખની ટોપી પહેરવી પડી હતી! સતત નિષ્ફળતાનો સામનો કર્યા પછી તેમણે ‘ઈવાનહો’ નામની નવલકથા લખી જે ખૂબ વખણાઈ.

  ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૩ માં કહે છે : “મનુષ્ય દેહે કરીને ન થાય તેવુ શું છે? નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય જ” ભગવાન સ્વામિનારાયણ પણ સમજાવવા માંગે છે કે આ મનુષ્યદેહેને ગમે તેટલી નિષ્ફળતા મળે પણ સતત વિચાર રાખવો ‘I can do it’ અને અથાગ પ્રયત્ન કરવો તો ઝળહળતી સફળતા પ્રાપ્ત થશે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન બેનમૂન ઉદાહરણ છે જીવનમાં ડગલે ને પગલે ઘણી નિષ્ફળતા મળી હોવા છતાં પ્રયત્ન છોડ્યો નથી. પછી તે દિલ્હીનું અક્ષરધામ હોય કે જેમા ૩૩-૩૩ વર્ષો સુધી જમીન માટે પ્રયત્ન કર્યા હોય કે પછી લંડન અને L.A(એલ.એ) નું મંદિર હોય જેમા પણ ઘણા વર્ષો સુધી પ્રયત્નો કર્યા હોય માત્ર જમીન મેળવવા માટે. પ્રમુખસ્વામી મહારાજની દરેક સફળતાની પાછળ તેમનો અથાગ પરિશ્રમ જોવા મળે છે. એટલે જ કહે છે ને કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી. તેઓ જરૂર સફળતાને પામે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: BAPS, BAPS Article, Baps pramukh swamis maharaj

  આગામી સમાચાર