Home /News /dharm-bhakti /

'આપણે આધુનિક બન્યા પણ સુસંસ્કૃત નહિ', ઉપનિષદમાં અંકાયેલ માનવનું ચિત્ર

'આપણે આધુનિક બન્યા પણ સુસંસ્કૃત નહિ', ઉપનિષદમાં અંકાયેલ માનવનું ચિત્ર

ઉપનિષદમાં અંકાયેલ માનવનું ચિત્ર - પ્રતિકાત્મક તસવીર

ન્યૂયોર્કનાં ઉપનગર બ્રોક્સમાં એક પ્રાણીસંગ્રહાલય આવેલું છે. તેમાં જુદાં-જુદાં પ્રકારનાં હિંસક પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે.

  યજ્ઞદીપસિંહ ઝાલા - BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય

  ન્યૂયોર્કનાં ઉપનગર બ્રોક્સમાં એક પ્રાણીસંગ્રહાલય આવેલું છે. તેમાં જુદાં-જુદાં પ્રકારનાં હિંસક પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. જે તે પ્રાણીના પાંજરા પાસે તક્તી પર તે પ્રાણીની ઓળખાણ પણ મુકાઈ છે. આ બધાં પ્રાણીઓને જોતો જોતો દર્શક જ્યારે પ્રાણીસંગ્રહાલયમાંથી બહાર નીકળે ત્યારે એક ઓરડામાં પૂર્ણ કદનો અરીસો ગોઠવેલો છે. અરીસો જોતાં જ સહેજે વ્યક્તિ તેની આગળ ઊભો રહી પોતાનું રૂપ જોવા માંડે ત્યારે અરીસાની નીચે લખેલું વાક્ય નજરે ચડે છે. અને તે શરમિંદો બની જાય છે. તે લખાણ-“Now you are looking at one of the most ferocious animals in the world the only animal that kills its own kind”

  આધુનિક માનવનું ચિત્ર કેવું વિચિત્ર છે તે ઉપરોક્ત વિગત પરથી સમજી શકાય.

  પ્રથમ પથ્થરયુગમાં ગિરિગુહામાં રહી જીવન ગુજારતા આદિમાનવને સંસ્કૃતિ જેવું કાંઈ હતું જ નહિ. તે વખતે તેનું લડવાનું તો ચાલુ જ હતું ધીમે-ધીમે શસ્ત્રો આધુનિક બનતા ગયાં. આજે ગિરિગુહામાંથી ગગનગુહા(સ્પેસકોલોની) સુધી માનવ પહોંચ્યો પણ લડવાનું તો ચાલુ જ છે. એટલે જ કનૈયાલાલ મુનશીએ કહ્યું છે,“We are modern; but not civilized – આપણે આધુનિક બન્યા પણ સુસંસ્કૃત નહિ.”

  એક માતા પોતાના બાળકને શાળામાં દાખલ કરવા માટે આચાર્ય પાસે ગઈ આચાર્યે બાળકની ઉંમર પૂછી ત્યારે તેણે કહ્યું: ત્રણ વર્ષ! આચાર્ય આ સાંભળી બોલ્યા: શ્રીમતીજી! તમે બાળકને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં મોડા પડ્યાં છો. અમારે ત્યાં બે વર્ષથી બાળકને ભણાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે. અહીં તો બે વર્ષથી ઘડતરની વાત થઈ. પણ ભારતીય શાસ્ત્રોએ તો ગર્ભથી ઘડતરની શરૂઆત કરવાની વાત કહી છે. હીરામાં ચમક બહારથી નાખવામાં નથી આવતી પણ પહેલ પાડી હીરામાંથી જ તેને બહાર કાઢી હીરાને પાણીદાર બનાવાય છે. તેમ મનુષ્યને પણ પહેલ પાડી પાણીદાર કરવાનો છે. ઉપનિષદ્ માં આવા પાણીદાર યુવાન મનુષ્યની વાત કરતાં કહ્યું છે. ‘युवा स्यात् साधु युवाध्यायकः। आशिष्ठो द्रढिष्ठो बलिष्ठः।’

  युवास्यात् साधुः મનુષ્ય યુવાન હોય અને તે સાધુ સ્વભાવનો એટલેકે સર્વનું ભલું કરવામાં પ્રયત્નશીલ હોય કારણ કે મનુષ્યની સુખ-સમૃદ્ધિનું મૂળ તેનું ચારિત્ર્ય છે. પ્રહલાદે શીલનું દાન કર્યું તો તમામ ગુણ સંપત્તિ વિદાય લેવા માંડેલી. એટલે ચારિત્ર્યયુક્ત યુવાન જ પૂર્ણતા પામેલો કહેવાય.

  વળી કહ્યું युवाध्यायकः।  તે યુવાન અધ્યયનશીલ હોવો જોઈએ No mood strike પાડે તેવો નહી પરીક્ષામાં ચોરીઓ કરે તેવો નહીં, 35% પાસ થાય તેવો નહીં.

  ઉપનિષદ્ આગળ જણાવે છે. आशिष्ठः એટલે નીરોગી અને તેથી આશા-ઉત્સાહથી ભરપૂર તે आशिष्ठः।

  બ્લેઝ પાસ્કલે 16 વર્ષે ભૂમિતિ પર પુસ્તક લખી નાખેલું અને 19 વર્ષે એંડિંગ મશીન વિશ્વને ભેટ આપ્યું. સંત જ્ઞાનેશ્વરે 16માં વર્ષે જ્ઞાનેશ્વરી ગીતા રચેલી. આઈન્સ્ટાઇને 27 વર્ષે સાક્ષેપવાદનો સિદ્ધાંત આપ્યો. જેમ્સ વોટે પોતાના 33માં વર્ષે વરાળ એન્જીનની ભેટ આપેલી. સરોજીની નાયડુએ 16મે વર્ષે 1000 પંક્તિના કાવ્યની રચના કરેલી.

  આવી આશાવંત યુવાનીનો ઉપનિષદે પૂર્ણ માનવનાં ભાગરૂપે ગણાવી છે.

  ત્યારબાદ ઉપનિષદ્ કહે છે. द्रढिष्ठः એટલે કે માનવી તન મનથી આત્મવિશ્વાસ વાળો હોવો જોઈએ. આજે મનુષ્યે આત્મવિશ્વાસ ખોઈ નાખ્યો છે. તમાકું જેવી તુચ્છ વસ્તુ છોડવા માટે પણ મન સાથે મોરચો માંડી ન શકે તેટલો તે માય કાંગલો જીવનમાં બીજુ શું કરવાનો?

  અંતે ઉપનિષદ્ જણાવે છે. बलिष्ठः એટલે કે અંદરથી બળવાન नायमात्मा बलहीनेन लभ्य:। જેનામાં આત્મિક તાકાત નથી તેનાથી પરમાત્મા પામી શકાતા નથી. માનવ માટે તો એવું પણ કહેવાયું છે કે, “આ પૃથ્વી ધનથી ભરેલી છે. તે ગમે ત્યાં જાય પણ પાટુ મારીને પૈસા પેદા કરી શકે છે.”

  તો આ હતું ઉપનિષદ્ માં અંકાયેલ આદર્શ માનવનું ચિત્ર પણ આવો માણસ તૈયાર કરે કોણ? આજે તો વિશ્વમાં ચારે બાજું હતાશા – નિરાશા જ ફરી વળી છે. ત્યારે માર્ક ટ્વેઈને કહ્યું છે કે, “India is a cultural millionaire in fact we are mere paupers” ભારત એ સાંસ્કૃતિક કુબેર છે. જ્યારે આ બાબતે અન્ય દેશો સાવ કંગાલ છે.

  આ ભારત એટલે પ્રમુખસ્વામી મહારાજ જેવા સંત પ્રમુખસ્વામી મહારાજ એટલે ‘ચીથરે વીંટેલું રતન’ જેમણે આખું જીવન ભગવાં વસ્ત્રમાં રહી માનવસમાજની સેવા કરી છે. જેઓ સ્વયં નવયુવાનને પણ શરમાવે તેવા તરવરાટથી 17,000 ગામોમાં વિચરણ, 2,50,000 પધરામણીઓ, 7,00,000 થી વધુ પત્રો, 1,000 મંદિરો, 1,000 સંતો બનાવ્યા છે. સનાતન ધર્મને દિગંતમાં પ્રસરાવ્યો છે. જેઓ ઉપનિષદમાં દર્શાવેલ મનુષ્ય ચિત્રનું પ્રતિબિંબ છે. તો આવો ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એવા સંત અને શાસ્ત્રોમાંથી પ્રેરણા લઈ ઉપનિષદે આંકેલા માનવનાં ચિત્રને પૂર્ણતા નો ઓથ આપીએ.
  Published by:kiran mehta
  First published:

  Tags: BAPS Article, BAPS Mahant Swami Maharaj, Baps pramukh swamis maharaj, BAPS Swaminarayan Sanstha, BAPS Swaminarayan Sanstha satsang lekhmala

  આગામી સમાચાર