'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલુ', સંત હૃદય નવનીત સમાના

પ્રમુખ સ્વામિ મહારાજ - બીએપીએસ

સ્વાર્થ વિના બુદ્ધિજીવી લોકોનું હિત કરનારા, શાંતચિત, ઉદારહૃદય, લોકોને ભવસાગરથી પાર ઉતારનાર સંત આ જગતમાં વસે છે, એથી મોટું આ જગતનું કયું સદ્ભાગ્ય હોઈ શકે?

 • Share this:
  નિધિ હિરાણી - BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય

  “બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ છે. બીજાના ભલામાં આપણું ભલું છે.” પ્રમુખસ્વામી મહારાજ પોતાનું આખું જીવન આ પ્રમાણે વર્ત્યા છે. આધ્યાત્મિક જીવન સામાન્યતઃ અંતર્મુખી હોય છે. પરંતુ, આપણી સંસ્કૃતિ કંઈક જુદી જ છે કે જે ભગવાનના સાક્ષાત્કાર સાથે સંકળાયેલા હોવા છતાં જનસેવા અવરોધતી નથી.

  જેમ ચંદનનું લાકડું પોતે બળી સુવાસ ફેલાવે છે. વૃક્ષ પણ પથ્થર મારનારને ફળ આપે છે. તેવી જ રીતે સંત પણ પોતાનું ભૂંડું કરનારનું હિત ઈચ્છે છે. વારંવાર અપમાન થાય,  તિરસ્કાર થાય, છતાં તેમનો દયા ભાવ ઓછો થતો નથી. તેઓ સામેવાળાની  મદદે પહોંચી જાય છે. દીન લોકોના  પણ  દુઃખે દુઃખી થઈ  સહાયતા કરનાર સંન્યાસ પરંપરામાં આ અજોડ અને આદર્શ સંત  હતા પ્રમુખસ્વામી મહારાજ.

  મહાપુરુષોની જીવન ભાવના 'સેવા એટલે માત્ર સેવા જ’ તેમાં તેઓને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં કે પ્રસિદ્ધિનો આશય નહીં, લોકો સુખી થાય અને ભગવાન રાજી થાય એ જ ઉદ્દેશ્ય. આ ઉદ્દેશ્યને જીવન બનાવનાર હતા પ્રમુખસ્વામી મહારાજ.

  “દીન દુખીયા તણી, કુટીયા મહીં, નિવસતા નમ્રતાના નિધિ”

  કેવળ ને કેવળ ભક્તો માટે પોતાનું આયખું સમર્પિત કરી ભક્તોને રાજી કર્યા છે. તેમાં તેમણે નથી જોયા રાત દિવસ કે નથી સાચવ્યા આરામ કે ભોજનનો સમય કે નથી જોયો ભીડો. તેમના કરુણા પ્રવાહને જાતિ  કે પ્રાંતની સરહદો નથી.

  પ્રમુખસ્વામી મહારાજ એ કમળપુષ્પદલ સામાન્ય મૃદુ હૃદયના પુરુષ હતા. જેના હૃદયમાં જીવ પ્રાણીમાત્રનું ભલું કરવાનું જ રટણ રટાતું હતું.

  સને ૧૯૮૭ના કપરા દુષ્કાળમાં રાજકોટ નજીક રતનપુર ગામમાં એક સરકારી ઢોરવાડામાં પાંચેક હજાર વાછરડા રાખવામાં આવ્યા હતા. સ્વામીશ્રી ત્યાં ગયા ત્યારે તેમણે ભૂખે ટળવળતાં, હાડપિંજર જેવા બની ગયેલા હજારો વાછરડાં જોયા. વાછરડાઓને બે ત્રણ દિવસથી ખાવા જ મળ્યું નહોતું. તેથી વાછરડાઓ સ્વામીશ્રી તરફ ઘસી આવ્યા. પ્રમુખસ્વામી મહારાજ આ દૃશ્ય જોતાં જ દ્રવી ઉઠ્યા અને દૃશ્ય નીરખતાં મૌન નેત્રો આસુંથી છલકાઈ ગયા.

  ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજ રતનપુરથી ગોંડલ આવ્યા. ગોંડલના સ્થાનિક સંતને કહ્યું કે, 'રતનપુરમાં જે રીતે વાછરડાં પાછળ દોડતા હતા, તે હું જોઈ જ ન શક્યો, અત્યારે ને અત્યારે જ આપણે ઘાસના ખટારા ત્યાં મોકલાવી દઇએ’.

  અને પછી આ સમય દરમિયાન જ એક સર્જાયો અવિસ્મરણીય અધ્યાય

  ભૂખથી તરફડતાં, મરતાં પોતાના ઢોરને જોઈને, એમને વેંચી દેવા તૈયાર થયેલા અનેક પશુ માલિકોના કકળતા આત્માના અવાજને સ્વામીશ્રીએ સાંભળ્યો. પ્રમુખસ્વામી મહારાજે સૌને કહ્યું,  “ના ના ઢોર વેચવાનો વિચાર જ કરતા નહીં. સંસ્થાએ આયોજન કર્યું છે. ગામમાં પણ જેટલા ને આવો વિચાર હોય એને વાત કરતો કે ઢોર વેચે નહીં, અમને સાચવ આપજો. અમે સાચવીને તેમને પાછા આપીશું. ઢોરને અમારા કેમ્પમાં મૂકી જ જજો. તમારે ખેડૂતોને તો ઢોર એટલે પ્રાણ!” સામેના વ્યક્તિની અંતર ઊર્મિઓને સમજીને સેવા કરી શકે એવા પુરુષ કેટલા?પ્રમુખસ્વામી મહારાજના આ કરુણાના પરિણામ રૂપે જ BAPS સ્વામિનારાયણ સંસ્થાની વૈજ્ઞાનિક ઢબે સ્થપાયેલી પશુ શિબિરો તેમજ વિશાળ પાયા પર અનેકવિધ દુષ્કાળ રાહત કાર્યો ધબકતા રહ્યાં. વર્ષ પછી પશુઓને સશક્ત અને તાજાં-માજાં કરીને પ્રમુખસ્વામી મહારાજે પાછા આપ્યા, ત્યારે પશુ માલિકો ગદગદ  થઈ ગયા. વારઢેરા ગામના પ્રવિણસિંહ તો પોતાના તાજા-માજા પશુઓની માવજત જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.

  “સંત હૃદય નવનીત સમાના પરદુઃખ દ્રવૈ  સો સંત પુનિતા”

  ભગવાન સ્વામિનારાયણ સ્વયં વચનામૃત ગ્રંથમાં કહે છે: “ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી અખંડ રહે છે”.

  વસંત ઋતુની જેમ કોઈ પણ સ્વાર્થ વિના, કેવળ પર ઉપકાર બુદ્ધિજીવી લોકોનું હિત કરનારા, શાંતચિત, ઉદારહૃદય, લોકોને ભવસાગરથી પાર ઉતારનાર સંત આ જગતમાં વસે છે, એથી મોટું આ જગતનું કયું સદ્ભાગ્ય હોઈ શકે?
  Published by:kiran mehta
  First published: