બાળકનું ઘડતર કઈ દિશામાં?

BAPS - બાળકનું ઘડતર કઈ દિશામાં?

21 સદીના આધુનિક ઉપકરણોએ બાળકનાં મન, એની જિજ્ઞાસા, બાળકના ઉછેર અને અસ્તિત્વ પર પોતાનું એક આગવું આધિપત્ય જમાવ્યું છે.

 • Share this:
  પૂજા જોશી, BAPS

  એક સાત વર્ષના બાળકના હાથમાં એના પિતાએ કંપાસ એટલે કે દિશાસૂચક યંત્ર મૂક્યું.

  એ બાળકને ત્યારે ખબર ન હતી કે આ શું છે? એને વિચાર્યું કે એવી કઈ શક્તિ છે જેનાથી આ યંત્ર દિશા બતાવી શકે ? અને આવા બીજા અનેક પ્રશ્નો એના નાનકડા મનમાં ઉદ્ભવ્યા. એ બાળકમાં કંઈક નવું જાણવાની જિજ્ઞાસા અને લગન હતી અને આ જિજ્ઞાસા સીમિત ન હતી..!

  એવા તો કેટલાય પ્રશ્નો એક પછી એક એ નાનકડા બાળ મગજમાં ઉદભવ્યા અને આ જિજ્ઞાસાએ બાળકને એક મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈનની ઓળખ આપી.

  આવી અનેક જિજ્ઞાસાઓ અને કુતૂહલતા દરેક બાળકમાં હોય જ છે. બાળ સહજ પ્રશ્નોમાં કંઈક નવું જાણવાની સમજવાની જિજ્ઞાસા રહેલી છે. જરૂર છે ફક્ત એ જિજ્ઞાસાને, એ પ્રશ્નોને સાચી દિશાની..!

  બાળક જયારે સવાલ પૂછે છે ત્યારે એની અપેક્ષા એવી હોય છે કે એના સવાલને એક વાસ્તવિક જવાબના રૂપમાં ન્યાય મળે. સમજાવીને પટાવીને એ સમય પૂરતું કદાચ એના પ્રશ્નો ને અટકાવી તો દઈએ પણ શું આ વ્યાજબી છે ?

  મોબાઈલ નામના યંત્ર એ બાળ સહજ મનને જકડી રાખ્યું છે. બાળકનું મન અને એની જિજ્ઞાસા મોબાઈલના પ્લે સ્ટોર સુધી જ સીમિત થઈ ગઈ હોય એવું નથી લાગતું? ૨૧ સદીના આધુનિક ઉપકરણોએ બાળકનાં મન, એની જિજ્ઞાસા, બાળકના ઉછેર અને અસ્તિત્વ પર પોતાનું એક આગવું આધિપત્ય જમાવ્યું છે.

  એક અપંગ બાળકને એની માતા એક દિવસ રમતોત્સવની હરીફાઇ જોવા લઈ ગઈ. એ બાળક જ્યાં ઉંચા કુદકાની રમત રમાતી હતી ત્યાં જઈને બેઠો. એણે ખૂબ જ ઝીણવટપૂર્વક સઘળી રમત નિહાળી કે કેવી રીતે એક યુવાન ઊંચો કૂદકો લગાવી રહ્યો હતો. એ બાળકને તે જ ક્ષણે જિજ્ઞાસા થઈ કે હું પણ ઊંચો કૂદકો લગાવીશ, પણ ત્યાં જ એની નજર એના પગ અને બાજુમાં રાખેલી ઘોડી પર પડી, એ નિરાશ થઈ ગયો પણ એના મનમાં ફરી વાર પાછો વિચાર આવ્યો. એની માતાના શબ્દો યાદ આવ્યા કે "બેટા તું હિંમત રાખીશ તો તું જે ધારીશ એ કરી શકીશ."

  એ અપંગ બાળકના આ દૃઢ વિચારોએ એને ઓલિમ્પિક સ્પર્ધામાં પ્રથમ દિવસે જ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસની નવી જ ઓળખ આપી.

  બસ આ જ રીતે થોડી કોશિશ તો કરીએ એક નવા વળાંકની ...ઉદ્ભવેલા પ્રશ્નોને સમજવાની અને એટલી જ ધીરજથી સચોટ માર્ગદર્શન આપવાની કોશિશ તો કરી જ શકીએ.

  આકાશને આંબવાની અભિલાષા અને અભરખા સાથે જીવતા બાળકના મનને જરૂર છે સાચી સમજણની યોગ્ય માર્ગદર્શનની! આંગળી પકડીને ચાલતા તો શીખવાડી દીધું પણ યોગ્ય સમયે યોગ્ય ઉંમરે બાળકને સાચી દિશામાં વાળવાની જરૂર છે. બાળકના જન્મદિવસ પર મોંઘીદાટ ભેટ સોગાદ આપી ગર્વથી એવું અનુમાન લગાવીએ છીએ કે આપણે સક્ષમ છીએ
  પણ શું આ પૂરતું છે ??

  દુનિયામાં સૌપ્રથમ ક્રમે આવતા આઈફોન કંપનીના માલિક સ્ટીવ જોબ્સએ એના બાળકોને આઈફોનના ઉપયોગથી દૂર રાખ્યા હતા. એની જગ્યાએ ઘરમાં જ પુસ્તકોની લાયબ્રેરી બનાવી જેથી બાળકો પુસ્તકોમાંથી જીવનમાં આગળ આવવાની પ્રેરણા લઈ શકે.

  આવી અદ્ભુત વિચારશક્તિનો અમલ આપણે આપણા જીવનમાં કેમ ના મૂકી શકીએ ?

  બી.એ.પી.એસ. સંસ્થાના વડા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ઘર પરિવારના સભ્યો અને બાળકો સાથે બેસી સભા કરવી અને એમાં ગ્રંથોનું વાંચન કરવું. સાથે સાથે પરિવારમાં એકતા રહે એના માટે સારાં શાસ્ત્રો, પુસ્તકોનું વાંચન અને વિચારોની આપ લે કરવી.

  ખાસ કરીને બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય એવી વાતો કરવી જીવન ઘડતરના પાઠ શીખવવા અને એને અમલમાં મૂકવું. એક સારી અને ઉમદા વિચારધારાથી જો બાળકને સાચી દિશામાં વાળીએ તો આવનારી પેઢી માટે આનાથી બીજો કોઈ અમૂલ્ય વારસો ના હોઈ શકે કારણ કે આજનું દરેક બાળક એ આવતીકાલની એટલે કે ભવિષ્ય પેઢીનો પાયો છે.

  તો આવો આપણે સૌ સાથે મળી આ પાયાનું યોગ્ય ઘડતર કરીએ, જતન કરીએ અને ભવિષ્યની પેઢીને આ અમૂલ્ય વારસો આપીએ.
  Published by:kiran mehta
  First published: