Home /News /dharm-bhakti /

Amarnath Yatra: બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, સફર પહેલા જાણી લો આ જરૂરી બાબતો

Amarnath Yatra: બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, સફર પહેલા જાણી લો આ જરૂરી બાબતો

અમરનાથ યાત્રા એક દુર્ગમ અને કપરા ચઢાણવાળી ધાર્મિક યાત્રા છે.

Amarnath Yatra: અમરનાથ યાત્રા એક દુર્ગમ અને કપરા ચઢાણવાળી ધાર્મિક યાત્રા છે. જે દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં જો તમે પૂર્વતૈયારી કરી લો તો તમને બાદમાં કોઈ સમસ્યા નહીં થાય.

  Amarnath Yatra: બે વર્ષ બાદ અમરનાથ યાત્રા શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખૂલી ગઈ છે. તેની નોંધણી (Amarnath Registration) 11 એપ્રિલ એટલે કે આજથી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે ગત બે વર્ષ અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી હતી. આ વખતે 43 દિવસની આ અમરનાથ યાત્રા 30 જૂનથી લઈને 11 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે જ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત છે. જાણકારી આપી દઈએ કે આ દુર્ગમ અને કઠિન ધાર્મિક યાત્રા છે જેમાં યાત્રા દરમિયાન અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

  આ યાત્રાને લગતી પૂરતી જાણકારી વિશે તમને ખ્યાલ ન હોય અને એ પ્રકારની પૂર્વતૈયારી ન હોય તો તમને સમસ્યા થઈ શકે છે. અહીં જાણો અમરનાથ યાત્રા કરતા પહેલા કઈ માહિતી મેળવવી અત્યંત જરૂરી છે અને કયા પ્રકારની તૈયારીઓ કરવી ફરજિયાત છે.

  યાત્રા ક્યારથી ક્યાર સુધી છે

  શ્રી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂને શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 43 દિવસની આ યાત્રા માટે લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અધિકારીએ જાણકારી આપી છે કે આ વર્ષે યાત્રામાં છ લાખથી વધારે શ્રદ્ધાળુઓ પહોંચી શકે છે.

  આ પણ વાંચો: જાણો ભારતના 5 પ્રસિદ્ધ રામ મંદિર વિશે, આ મંદિરને કહેવાય છે દક્ષિણ ભારતનું અયોધ્યા

  રજિસ્ટ્રેશનની રીત

  આ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન દેશભરની પંજાબ નેશનલ બેંક, જેકે બેંક અને યસ બેંકની 446 શાખાઓમાં એડવાન્સમાં કરાવી શકાશે. આ ઉપરાંત શિવભક્તો શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શક્શે. એપ્લીકેશન ફોર્મ સાથે હેલ્થ સર્ટિફિકેટ, ચાર પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર રજિસ્ટ્રેશનમાં પડશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા હતી.

  દૈનિક યાત્રીઓની સંખ્યા

  શ્રી અમરનાથ યાત્રા પહલગામ અને બાલટાલ- બંને માર્ગોથી શરૂ થશે. જેમાં 1000 શ્રદ્ધાળુઓને દૈનિક યાત્રામાં રવાના કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હેલિકોપ્ટરથી પહોંચનારા શ્રદ્ધાળુઓ અલગ હશે. આ સિવાય શ્રાઇન બોર્ડ બાલટાલથી દોમેલ સુધી 2.75 કિલોમીટર યાત્રામાં નિશુલ્ક બેટરી કાર સેવા પણ પૂરી પાડવામાં આવશે.

  આ લોકોને પરમિશન નહીં મળે

  6 સપ્તાહથી વધુ ગર્ભવતી મહિલાઓ, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને અમરનાથ યાત્રાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  પગમાં શું પહેરવું

  આ પવિત્ર ગુફાની યાત્રામાં પગમાં ચપ્પલ પહેરવામાં આવતા નથી. માત્ર લેસવાળા ટ્રેકિંગ શૂઝ પહેરી શકાય છે. શ્રાઈન બોર્ડ દ્વારા રૂટ પર કોઈ શોર્ટકટ ન લેવાની સલાહ આપવામાં આવી છે.

  પ્લાસ્ટિક પર પ્રતિબંધ

  મુસાફરી દરમિયાન કોઈપણ રીતે પ્રદૂષણ અને ગંદકી ફેલાવવાની સખત મનાઈ છે. ઉપરાંત આ વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

  વય મર્યાદા

  અમરનાથ યાત્રા દરમિયાન 5 વર્ષથી નીચેના બાળકો અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ ગ્રુપ રજિસ્ટ્રેશન માટે પણ અરજી કરી શકે છે.

  આ પણ વાંચો: દુનિયાની સૌથી સુંદર અને ઐતિહાસિક મસ્જિદો, આવી છે ખાસિયત

  આ એપનો ઉપયોગ કરો

  અમરનાથ યાત્રા, ત્યાંનું હવામાન અને તમામ પ્રકારની સેવાઓ વિશેની માહિતી ઓનલાઈન મેળવવા માટે શ્રદ્ધાળુઓ પ્લે સ્ટોર પરથી ‘શ્રી અમરનાથજી યાત્રા' એપ ડાઉનલોડ કરી શકે છે.

  આ રીતે દિલ્હીથી અહીં પહોંચો

  દિલ્હી-એનસીઆરના લોકો દિલ્હી એરપોર્ટથી શ્રીનગર સુધી પ્લેન દ્વારા અહીં પહોંચી શકે છે. ત્યાંથી તમે અમરનાથ મંદિર તરફ જવાનો રસ્તો પસંદ કરી શકો છો. જો આપણે ટ્રેન વિશે વાત કરીએ તો અમરનાથ ગુફાની નજીક આવેલા રેલ્વે સ્ટેશનો- ઉધમપુર અને જમ્મુ સ્ટેશન છે જે પહેલગામ અને બાલટાલથી અનુક્રમે 219 કિમી અને 255 કિમીના અંતરે છે. તમે હેલિકોપ્ટર દ્વારા પણ અમરનાથ ગુફા સુધી પહોંચી શકો છો. ગુફાથી લગભગ 6 કિલોમીટરના અંતરે હેલિકોપ્ટર દ્વારા પંજતરણી હેલિપેડ પહોંચી શકાય છે.

  પહેલગામથી પવિત્ર ગુફાની યાત્રા

  - પહેલગામથી 16 કિમી દૂર 9500 ફૂટની ઊંચાઈએ ઘાટી આવેલી છે, જ્યાં નાસ્તો અને આરામ કર્યા પછી કપરી ગણાતી ‘પિસ્સૂ ઘાટી’ શરૂ થાય છે.
  - ચંદનવાડીથી 13 કિમી દૂર શેષનાગ નામની જગ્યા છે, જ્યાં ટેન્ટમાં આરામ કર્યા પછી આગળની યાત્રા શરૂ થાય છે.
  - પ્રવાસનો બીજો દુર્ગમ તબક્કો 13 કિમી દૂર પંજતરણી માટેનો શરૂ થાય છે.
  - મહાગુનસ શિખર તરફ ચઢવું ખૂબ મુશ્કેલ છે.
  - 14800 ફૂટની ઉંચાઈ પર ઓક્સિજનની ઊણપના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જોકે વચ્ચે ડોક્ટરોની મદદ લઈ શકાય છે.
  - પંજતરણીમાં વિશ્રામ અને સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ 6 કિમીનું અંતર કાપીને ગુફા સુધી પહોંચે છે.

  યાત્રા માટે જરૂરી ટિપ્સ (Amarnath Yatra Tips)

  - મુસાફરી કરતા પહેલા તમારી ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન આપો અને દરરોજ સવાર-સાંજ 4-5 કિમી ચાલો.
  - શરીરમાં ઓક્સિજનની પૂરતી માત્રા માટે પ્રાણાયામ કરવું જરૂરી છે.
  - તમારા ડોક્ટર પાસે જરૂરી ચેકઅપ કરાવી લો.
  - ચઢાણ ઉપર ધીમે ધીમે ચાલવાની પ્રેક્ટિસ કરો.
  - ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો ટાળવા માટે પૂરતું પાણી પીવાની ટેવ પાડો.
  - શ્રાઈન બોર્ડની વેબસાઈટ shriamarnathjishrine.com પર ઉપલબ્ધ ફૂડ મેનૂ ચેક કરી લો.
  - લો બ્લડ શુંગર લેવલ ટાળવા માટે પૂરતી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરો.
  - જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સારું રહેશે કે તમે પોર્ટેબલ ઓક્સિજન સાથે લઈ જાઓ.
  - મુસાફરી કરતા પહેલા કૃપા કરીને શ્રાઈન બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતી વાંચી લો.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amarnath-yatra, Dharm Bhakti, Lifestyle, Travel, ધર્મભક્તિ

  આગામી સમાચાર