અમદાવાદ : આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 6 ઓગસ્ટ, શનિવાર છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે. તારીખ - 6 ઓગસ્ટ 2022, શનિવારનું જાણો પંચાગ.
નવાં બૂટ-ચંપલ ખરીદો ત્યારે
આપણે જૂના બૂટ-ચંપલને પનોતી સમજીએ છીએ. કોઈ બીજાના બૂટ-ચંપલ કોઈ પહેરે પણ નહીં કારણ કે તેમાં શનિ અને રાહુનો પ્રભાવ હોય છે. કેટલાક વર્ષો પહેલા લોકો બૂટ-ચંપલ સંધાવીને, ટાંકા મરાવીને, જૂનો સોલ ઘસાઈ ગયો હોય તો નવો સોલ નંખાવીને પણ બૂટ-ચંપલ પહેરતા હતા, કાઢી નહોતા નાંખતા. આજકાલ કોઈ જૂના બૂટ-ચંપલ સંધાવતું નથી પણ તરત જ નવાં જ લાવી દે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, જૂના બૂટ-ચંપલ કાઢી ક્યારે નાંખવા અને નવાં બૂટ ચંપલને પહેરવાની શરૂઆત ક્યારે કરવી? જો યોગ્ય સમયે આ શરૂઆત કરીએ તો આપણે શનિ-રાહુના પ્રકોપથી બચી શકીએ. આપણા પગ ક્યારેય નકારાત્મક જગ્યાએ જતા ઉપડે જ નહીં. આપણે કેટલીક વખત ચાર રસ્તે જોઈએ છીએ કે, કેટલાકે કોઈ નજર કે મેલુ ઉતારી કુંડાળું કર્યું હોય છે. એ કુંડાળું તો સૂકાઈ જાય પણ તેનો પ્રભાવ એમ ઝડપથી જતો હોતો નથી. આ પ્રભાવ આપણા પગમાંથી પ્રવેશ કરે છે માટે બૂટ-ચંપલનું ખાસ ધ્યાન રાખવું.
જૂના બૂટ-ચંપલ હંમેશા શનિવારે જ કાઢવા જેથી, શનિ અને રાહુના દુષ્પ્રભાવથી બચી શકાય. આ બૂટ-ચંપલ કોઈને પહેરવા ન આપવા પણ કચરામાં જ જવા દેવા. આપણા જૂના બૂટ-ચંપલ કોઈ પહેરે નહીં તેથી તેને તોડીને નથી નાંખવાના પણ એમ જ કચરામાં મૂકી દેવાના છે. વળી, નવા બૂટ-ચંપલ સોમવારે પહેરવા અને પહેરીને શિવમંદિરે દર્શન કરવા જવું. ચંપલ ચોરાવાનો ભય રાખવાની જરૂર નથી તેના માટે તકેદારી લઈ શકાય. આ પ્રમાણે કરવાથી જો ક્યારેક નકારાત્મક જગ્યાએ પગ પડી જશે તો પણ તેનો દુષ્પ્રભાવ તમને પ્રભાવિત નહીં કરે.