Home /News /dang /વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત, મહુવામાં વૃક્ષ ધરાસાયી થતાં ખેડૂતનું મોત

વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત, મહુવામાં વૃક્ષ ધરાસાયી થતાં ખેડૂતનું મોત

વાવાઝોડાની સેટેલાઇટ તસવીર

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

નરેન્દ્ર બુવેચિત્રા, તાપીઃ વાયુ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતાના સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અત્યારે ગુજરાતમાં વર્તાઇ રહી છે. ગુજરાતના અસર ગ્રસ્ત વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત થયું હતું. જ્યારે ભાવનગરના મહુવામા વૃક્ષ ધરાસાયી થતા એક ખેડૂતનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે તાપી જિલ્લાના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેના પગલે આ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે તાપીના વ્યારાના ખુશાલપુરા ગામમમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતી વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક વૃદ્ધાનું નામ નુંરીબેન વેચયાભાઇ ગામીત હોવાનું બહાર આવ્યું છે. નર્મદા જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સાગબારા ડેડીયાપાડામાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા કાચા મકાનોના છાપરા ઉડ્યા હતા.

આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો થતા જિલ્લાના વડુ મથક આહવામાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળતી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
First published: