કેતન પટેલ, સુરત : ડાંગ જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને પગલે જિલ્લાઓની નદી પર આવેલા 17 કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પણ પાણી ફરી વળતા 30 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. અમુક જગ્યાએ લોકો જીવના જોખમે કોઝવેના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. વઘઈ તાલુકાના ધૂલચોડ ગામમાં લોકો કોઝવેના ધસમસતા પાણીમાં પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
કયા કયા કોઝવે પર પાણી ફરી વળ્યા?
જિલ્લામાં ભારે વરસાદને પગલે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા કોઝવે પર પાણી ફરી વળ્યા છે.
ડાંગમાં સિઝનનો 48 ટકા વરસાદ
ડાંગમાં અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં સિઝનનો 48 ટકા વરસાદ પડી ચુક્યો છે. સિઝનમાં કુલ 1127 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદની વિગતો જોઈએ તો આહવામાં 126 મિલીમીટર, સુબિરમાં 79 મિલીમીટર અને વઘઈમાં 208 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
ડાંગમાં વરસાદને પગલે વાઘલધરા ગામનો પુલ ગરક
ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડના વાઘલધરા ગામમાંથી પસાર થતી ખરેરા નદી પરનો પુલ પાણીમાં ગરક થઈ ગયો છે. વાઘલધરા અને જેસ્યાને જોડતો પુલ પાણીમાં ગરક થતા 8 થી 9 ગામોમાં આવન-જાવન બંધ થઈ ગયું છે. હાલ ગામનો લોકોએ હાઇવે પર આવવા માટે ફરીને જવું પડે છે. ડાંગમાં પડેલા વરસાદનું પાણી વાંસદા થઈ વાઘલધરાથી પસાર થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર