ડાંગ : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા થોડા દિવસથી સતત ધોધમાર વરસાદ (heavy rainfall in Gujarat) વરસતા નદીઓમાં પાણીના નવા નીર આવ્યા હતા. જેના કારણે નદીઓ બે કાંઢે વહી રહી છે. ડાંગ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા આહવા તાલુકામાં ત્રણ અને સુબીર તાલુકામાંથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. મેઘતાંડવ બાદ પૂર્ણા નદીમાં એક બાદ એક પાંચ મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઇ ગઇ છે.
કિશોરનો મૃતદેહ ઝાડીમાં ફસાયેલો મળ્યો
ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારનાં કડમાળ ગામનાં 56 વર્ષના રહીશ ઇન્દ્રભાઈ પવાર ગુરૂવારે ખેતરમાંથી ઘરે પરત ફર્યા ન હતા. જેની શુક્રવારનાં રોજ કડમાળ નજીક આવેલા નાળામાં ફસાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. એ જ રીતે હારપાડા, વાંઝીટેબરુન ગામે 2 બે મૃતદેહ હોવાની ખબરથી આહવા પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સુબીર તાલુકાનાં વડપાડા ગામનો નવલભાઈ ભીખુભાઇ પાટીલ (ઉ.વ. 36) પૂર્ણાં નદીમાં તણાય જતા તેનો મૃતદેહ લવચાલી ગામે નદીનાં પટ્ટમાં મળી આવ્યો હતો. 13મીનાં રોજ ઢોંગીઆંબા ગામનો 13 વર્ષીય વિદ્યાર્થી રોહિતભાઈ જીતેશભાઈ દીવા પૂર્ણાં નદીમાં તણાય ગયો હતો. જેનો મૃતદેહ 15 કિમી દૂર વઘઇ તાલુકાનાં દરડી ગામે નદીનાં ઝાડીમાં ફસાયેલ હાલતમાં મળી આવ્યો હતો.
બે દિવસ પહેલા નવસારીની ત્રણેય નદીમાં પૂર આવ્યા છે. નવસારીની અંબિકા, પૂર્ણા અને કાવેરી ત્રણેય નદીઓમાં પૂર આવ્યા હતા. બીજી તરફ ચીખલી નજીક કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ નવસારી જિલ્લામાં પૂરથી 40,000 લોકો અસરગ્રસ્ત થયા છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 17 જુલાઇથી રાજ્યમાં વરસાદનો જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે માત્ર પોરબંદર, જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અહીં ભારે વરસાદની કોઈ આગાહી નથી. જ્યારે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે. જોકે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં થાય. કારણ કે ડિપ્રેશન સમુદ્ર વિસ્તારમાં છે, જમીન પર નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર