નવી દિલ્હી : દિલ્હી પોલીસને લૂંટનો એક બનાવ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આરોપીએ ચાલુ બસમાં એક વ્યક્તિને લૂંટી લીધો હતો. આ દરમિયાન તેને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા ત્યાંથી એક કપાયેલી આંગળી મળી હતી.
પોલીસે આ આંગળી પરથી મળેલા ફિંગર પ્રિન્ટને તેના ડેટાબેઝ સાથે મેચ કર્યા હતા. આ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે આ ફિંગરપ્રિન્ટ 24 વર્ષીય રાહુલ નામના યુવક સાથે મેચ થાય છે. બાદમાં પોલીસે રાહુલ અને તેના સાગરીત ધરમબીર (35)ની ધરપકડ કરી લીધી હતી.
પીડિત રનજીત કુમાર યાદવે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવારે બપોર પછી તે પોતાના ત્રણ સંબંધીઓ સાથે એક મિનિ બસમાં જનકપુરી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન સીઆરપીએફ કેમ્પ પાસેથી બસમાં બીજા બે યુવકો ચડયા હતા.
યાદવ જ્યારે વિકાસ કુંજ ખાતે બસ નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તેનું પાકિટ ગાયબ છે. યાદવ પોતાનું વોલેટ શોધી રહ્યો હતો ત્યારે જ એક વ્યક્તિએ બસમાં વોલેટ ફેંક્યું હતું અને બીજા એક વ્યક્તિએ તેના સંબંધી પર છરીથી હુમલો કરી દીધો હતો. ડેપ્યૂટી કમિશ્નર ઓફ પોલીસ (પશ્ચિમ) મોનિકા ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન આરોપી પણ ઘાયલ થયો હતો.
પોલીસે ફિંગરપ્રિન્ટ મેચ થયા બાદ બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હુમલા માટે વપરાયેલી છરી પણ કબજે લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાહુલ આ પહેલા લૂંટના ચાર બનાવમાં સંડોવાયેલો છે. જ્યારે ધરમબીર સામે લૂંટફાટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ સાત જેટલા ગુના નોંધાયેલા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર