મોરબીઃ “લાલચ બુરી બલા હે” અને લોભીનું ધન ધુતારા ખાય એ કહેવત દરેક વ્યક્તિ જાણતી હોવા છતાં પણ ક્યારેક ને ક્યારેક લાલચનો શિકાર અચૂક બની જતી હોય છે. અને આવી જ લાલચનો ફાયદો ઉઠાવીને ધુતારાઓ કમાઈ લેતા હોય છે. મોરબી જીલ્લાના હળવદમાં આવો જ એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ૨૦ વીઘા જમીન બજારભાવ કરતા સસ્તા ભાવે વેચવાની લાલચ આપીને જમીન ખરીદનારને ભેજાબાજોએ શીશામાં ઉતાર્યો હતો અને ફોન પર જ વાતચીત કરીને ૫૫ લાખનો ચૂનો ચોપડ્યો હતો.
હળવદના રહેવાસી જનક કરશન રબારીને નવાગામ થાનમાં ૨૦ વીઘા જમીન વેચવા માટે આરોપી સતા ભવાન ભરવાડ, અલ્પેશ દામજી ઉર્ફે દામાંભાઈ બાવાજી અને આનંદ રામ ગઢવી એ ત્રણ શખ્શોએ મુંબઈથી મોબાઈલના સીમકાર્ડ મેળવીને ફરિયાદી જનકભાઈ સાથે જમીનના માલિક ખેંગારભાઈના નામે ફોન પર વાત કરીને તેની નવાગામ થાનમાં આવેલી ૨૦ વીઘા જમીન જેના હાલ બજાર ભાવ ૯ લાખ વીઘાના હોય તે ૬ લાખના હિસાબે ૧.૨૦ કરોડમાં સોદો નક્કી કર્યો હતો અને તેને ફોન પર પ્રથમ ૨૫ લાખ અને બાદમાં ૩૦ લાખ એમ બે વખત મુંબઈ આંગડીયા મારફતે નાણા મંગાવ્યા હતા જે મેળવી લીધા બાદ આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે છેતરપીંડી થયાનું માલૂમ પડતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી અલ્પેશ બાવાજી નામના શખ્શે ફોન પર જમીનના માલિક ખેંગાર હોવાનું જણાવીને પોતે મુબઈમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો ધંધો કરતો હોવાથી સમય ના હોય તેમ કહીને તેને મેનેજર રમેશભાઈ એટલે કે આરોપી નં ૩ આનંદ ગઢવીનો નંબર આપ્યો હતો. જે મેનેજર બનીને આનંદ ગઢવીએ પ્રથમ ૨૫ લાખ આંગડીયાથી મેળવી બાદમાં ખેંગારભાઈ આફ્રિકા ગયાનું જણાવીને ૩૦ લાખની જરૂરત હોવાથી આંગડીયા મારફતે મુંબઈ ૩૦ લાખ મંગાવીને તે રૂપિયા લઈને આરોપીઓ છુમંતર થઈ ગયા હતા.
જે મામલે એલસીબી ટીમને તપાસ સોપવામાં આવતા આરોપીઓ અંગે સઘન તપાસ ચલાવતા હળવદ ખાતેથી સતા ભવાન ભરવાડને કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
આરોપી સતા ભવાન ભરવાડની ધરપકડ કર્યા બાદ તેને સંતાડીને જમીનમાં દાટેલા ૧૦ લાખ રોકડ મળી આવતા એલસીબી ટીમે તે મુદામાલ જપ્ત કર્યો હતો. તો અન્ય બે આરોપી અલ્પેશ બાવાજી અને આનંદ ગઢવી એ બંનેને ઝડપી લેવા માટે પ્રયત્ન પણ કર્યા હતા પરંતુ પોલીસની ટીમને હાથતાળી આપીને બંને શખ્શો નાસી જવામાં સફળ રહ્યા હતા. જે બંને ફરાર આરોપીને ઝડપી લેવા માટે એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો આ પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ કોઈ ચોથી વ્યક્તિ નીકળી સકે તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો છેતરપીંડીના આ પ્રકરણમાં જમીનના મુખ્ય માલિક તો અજાણ જ હતા અને છેતરપીંડીની ફરિયાદ થયા બાદ તેમને પ્રકરણનીજાણ થઈ હતી. આમ સસ્તી જમીન ખરીદવાની લાલચમાં હળવદના એક શખ્શને ૫૫ લાખનો ધુંબો લાગી ગયો હતો ત્યારે લાલચમાં ફસાઈ જતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન બની રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર