સુરતઃસુરતના ઉદ્યોગપતિ ચુની ગજેરાએ કરોડોની જમીન પચાવી પાડી હોવાની વધુ એક ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાય છે. ગજેરા સ્કૂલવાળી જગ્યા, લક્ષ્મી સોસાયટીવાળી જગ્યા તથા નજીકના ખુલ્લા પ્લોટવાળી જગ્યાના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા અને તત્કાલીન તલાટી કમ મંત્રીએ આ કારસ્તાનમાં ભૂંડી ભૂમિકા ભજવી હતી. કતારગામ પોલીસે ગજેરા અને તલાટી સામે ચીટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.
કતારગામમાં ટેકરા ફળિયા ખાતે રહેતા સુરેશભાઇ ભગાભાઇ પટેલ (૪૬) ફૂલનો ધંધો કરે છે. કતારગામમાં રેવન્યુ સરવે નં. ૨૬૪-૨, ૨૬૭ અને ૨૭૦-૨થી નોંધાયેલી તેમની વડીલોર્પાિજત જમીન ઉદ્યોગપતિ ચુનીભાઇ હરિભાઇ ગજેરાએ પચાવી પાડી છે. આ જમીન પર હાલ ગજેરા સ્કૂલ, લક્ષ્મી સોસાયટી તથા એક ખુલ્લો પ્લોટ આવેલો છે. કરોડોની આ જમીન પચાવી પાડવા માટે ચુની ગજેરાએ ગત તા. ૨૦-૧૦-૨૦૦૦ના રોજ કતારગામના તત્કાલીન તલાટી કમ મંત્રી સાથે સાઠગાંઠ રચી પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.
તેમણે સુરેશભાઇના દાદી, માતા-પિતા, કાકા-કાકી, ચાર ભાઇઓ, બહેનો, ફોઇઓ વગેરેની જાણ બહારે તેઓની ડુપ્લિકેટ સહી-અંગૂઠાની છાપ કરી કુલમુખત્યારનામું, પેઢીનામું સહિતના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા. આ ઉપરાંત, સરકારી કચેરીમાં મૂળ માલિકોની જગ્યાએ ભળતી વ્યક્તિઓને હાજર કરાવી ડોક્યુમેન્ટ્સ પર સહી-સિક્કા કરવા સાથે સંમતિપત્રક પર પણ સહી કરાવી લીધી હતી. સુરેશભાઇના દાદી, પિતા તથા કાકા મૃત્યુ પામ્યા હોવા છતાં તેઓના નામે નાણાં ભરી જમીનમાલિકો ન હોવા છતાં અનઅધિકૃત રીતે પ્લાનો મંજૂર કરાવ્યા હતા.
આ તમામ પ્રક્રિયા દરમિયાન મૂળ માલિકો કે વારસદારોના રહેણાક સ્થળે એકપણ નોટિસ હુકમો મળ્યા નથી. આમ, કરોડોની જમીન પચાવી પાડવા માટે ચુની ગજેરાએ બોગસ દસ્તાવેજો બનાવી સરકારી કચેરીઓમાં રજૂ કર્યા હતા. અધિકારીઓએ પણ મેલી મુરાદને કારણે આ બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. સુરેશ પટેલે આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. દરમિયાન પોલીસ કમિશનરના હુકમ અન્વયે કતારગામ પોલીસે ઉદ્યોગપતિ ચુનિ ગજેરા, કતારગામના તત્કાલીન તલાટી કમ મંત્રી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.
જોકે આ ઉધોગ પતિ સામે પહેલી ફરિયાદ નથી અગાવ પણ અનેક ફરિયાદ નોંધવા પામી છે. આ ઉધોગ પતિના ભાઈ ભૂતકાળ ભાજપ ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. ત્યારે આવા લોકો પર કાયદાનો સકંજો ક્યારે કસાશે અને આ મામલે તેમની ધરપકડ ક્યારે થશે.?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર