રાજધાની દિલ્લીની નજીક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સોસાયટીના 25મા માળેથી પડવાને કારણે બે જોડિયા ભાઈઓ (Twin Brothers Died)ના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ગાઝિયાબાદનાં સિદ્ધાર્થ વિહારની હાઈ રાઈઝ બિલ્ડિંગ પ્રતિક ગ્રાન્ડ સોસાયટી (Prateek Grand Society)માં બની હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લોકોને અહીં પઝેશન મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના રાત્રિના સમયે બની હતી. કેટલાંક મિડીયા રિપોર્ટમાં બંન્ને ભાઈઓ ગરોળીથી બચવાની કોશિશમાં પડ્યા હોવાની વાત સામે આવી રહી છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ચાંદ જોવાની કોશિશમાં તેઓ નીચે પટકાયા છે.
આ સમગ્ર ઘટના અંગે સીઓ પોલિસ લાઈન મહિપાલ સિંહે નિવેદન આપતા કહ્યું છે કે ગાઝિયાબાદનાં સિદ્ધાર્થ વિહારમાં પ્રતિક ગ્રાન્ડ સોસાયટીનાં 25માં માળેથી નીચે પડતા બંન્ને ભાઈઓનાં મોત નિપજ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે આ એક દુર્ઘટના છે.
જે ગરોળીથી બચવાની કોશિશમાં દોડવાને કારણે ઘટી છે. જે કે હાલ અમે પણ આ ઘટનાને કેટલાક અલગ એંગલથી જોઈ રહ્યા છીએ. હાલ બંને ભાઈઓનાં મૃતદેહ તેમનાં પરિવારને સોંપી દેવાયા છે.
માત્ર 14 વર્ષનાં હતા જોડિયા ભાઈઓ
જાણકારી અનુસાર પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના ટાવર નંબર સી-5ના 25મા માળે ફ્લેટ નંબર 2508નાં બેડરુમની બાલ્કનીથી નીચે પટકાતા બંન્ને બાળકો (સત્યનારાયણ અને સૂર્યનારાયણ)ના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ બંન્ને ભાઈઓની ઉંમર 14 વર્ષની હતી અને બંન્ને ડીપીએસ સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં. પાડોશીઓનાં જણાવ્યાં મુજબ ઘટના સમયે ઘરમાં બાળકોની માતા અને એક બહેન હાજર હતા, જે બીજા રુમમાં હતા. બાળકોનાં પિતા કોઈ કામને કારણે મુંબઈ ગયા હતા.
જાણકારી અનુસાર ફ્લેટ નંબર 2508ની બાલ્કનીથી નીચે પડી જતાં બાળકોનાં મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે એક ખુરશી પણ હતી અને બાલ્કનીની હાઈટ પણ યોગ્ય હતી અને આ બંન્ને બાળકો 14 વર્ષનાં હતા, એવામાં આ બાળકો અચાનક કઈ રીતે નીચે પડ્યા આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી બીજું રાત્રે 1 વાગ્યાની આસપાસ બાળકો બાલ્કનીમાં શું રમી રહ્યા હતા અને જો આ દુર્ઘટના છે તો બાળકો એકસાથે કઈ રીતે નીચે પડ્યા તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. જો કે ચર્ચા થઈ રહી છે કે ગરોળી જોઈ દોડતા આ બાળકો નીચે પડ્યા અને આ દુર્ઘટના થઈ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ભાઈઓ ચાંદ જોવાની કોશિશ દરમ્યાન બાલ્કનીથી નીચે પડ્યા. હાલ ગાઝિયાબાદનાં વિજયનગર પોલીસ સ્ટેશનની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગાર્ડે ઉપર આવી દુર્ઘટના વિશે જણાવ્યું- માહિતી અનુસાર આ ઘટનાની જાણકારી બાળકોની માતાને તે સમયે થઈ જ્યારે સોસાયટીનાં ગાર્ડે ઉપર આવીને પુછ્યું કે શું તેમનાં બાળકો લાપતા છે. ત્યારબાદ બાળકની માતાએ બીજા રુમમાં તેમને શોધ્યા પણ તે ત્યાં ન હતા. આ બાદ પરિવારને આ ઘટના અંગે જાણ થઈ.
પરિવાર ચેન્નાઈનો રહેવાસી છે- પોલીસના જણાવ્યા મુજબ આ પરિવાર ચેન્નાઈનો રહેવાસી છે અને હાલમાં જ આ સોસાયટીમાં શિફ્ટ થયો છે. બાળકોનાં પિતા ફાઈનાન્સનું કામ કરતા હોવાથી મોટાભાગે બહાર જ રહે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર