અમદાવાદ: બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બનાવટી નોટો ફરતી કરવાનો આરોપીનો માસ્ટર પ્લાન સફળ પણ થયો છે. કારણ કે, 42 નોટો બેંકમા પહોચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે અને આવી જ કુલ 98 નોટો કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, માસ્ટર માઇન્ડ હજી ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ કેશવાલા છે. જે સોલાનો રહેવાસી છે અને એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને ગોલ્ડ ખરીદ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે 42 નોટો બેંકમાંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે, કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમા સામે આવ્યુ કે, આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટા ભાગનાં સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈ આ નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામા આવી છે.
બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપી એ નવી મોડસઓપરેન્ડી શરૂ કરી હતી. જેમા ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામા આવતુ અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામાં આવતી. તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતુ હતુ. બાદમાં સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢી મા અને ત્યાંથી બિટકોઈન મા રોકાણ થતી હતી. જોકે ઝડપાયેલ આરોપી દીલિપની પૂછપરછમા તે ક્યારેય મુખ્ય આરોપીને મળ્યો નથી કે, વાત પણ નથી કરી હોવાનો દાવો કરી રહ્યો છે. સાથે જ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપી ને 10 હજાર રૂપિયા મળતા હતા.
મહત્ત્વનુ છે કે, છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતું કરવાનુ નેટવર્ક ચાલતુ હતુ. જેમા ઝડપાયેલા આરોપી દિલીપ 5 મહિના થઈ જોડાયેલ હતો. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનું સામે આવ્યુ છે. જોકે, હવે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામા અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે. ગ્રુપમાં રહેલા અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી આવી છે કે, કેમ તે અંગે પણ કેન્દ્રિય ગુપ્તચર એજન્સીઓ સાથે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર