Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવની બેટિંગ જોઈને રાજકોટમાં મેચ જોવા આવેલા દર્શકોના ટિકિટના રૂપિયા વસૂલ થઈ ગયા છે. સૂર્યાની બેટિંગ જોઈને વિરોધી ટીમના ખેલાડીઓ પણ પોતાને રોકી શક્યા નહોતા. જેમાં શાઈ હોપ એક પછી એક ટ્વિટ શરુ કરી દીધા હતા.
પાવર પ્લેમાં ધીમી શરુઆત કર્યા બાદ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)એ શ્રીલંકાના બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. સૂર્યાએ મેદાનમાં ચારે તરફ ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી નાખ્યો હતો. તેની બેટિંગ જોઈને માત્ર બેન્ચ પર બેઠેલા ટીમ મેમ્બર્સ જ નહીં પરંતુ ટીવીમાં મેચ જોઈ રહેલા ખેલાડીઓ પણ ચકરાવે ચઢી ગયા હતા. આ જ રીતે વેસ્ટ ઈન્ડિયાઝના શાઈ હોપ (Shai Hope)એ તાબડતોબ બેટિંગના ભારે વખાણ કર્યા છે.
સૂર્યકુમાર યાદવે રાજકોટના મેદાન પર મચાવેલા તોફાનમાં દર્શકોએ જ નહીં ખેલાડીઓ પણ મોઢામાં આંગળા નાખી દીધા છે. સૂર્યા આ વર્ષેની સૌથી પહેલી સેન્ચ્યુરી નોંધાવનારો ખેલાડી બની ગયો છે. સૂર્યકુમારે મચાવેલા તોફાનને જોઈને વેસ્ટ ઈન્ડિઝનો શાઈ હોપ પણ ચકરાવે ચઢ્યો હતો. તેણે એક પછી એક વારાફરથી ટ્વિટ કરવાનું શરુ કરી દીધું હતું.
શાઈ હોપે કહ્યું, બસ કરો સૂર્યકુમાર યાદવ
મેચામાં સૂર્યકુમાર યાદવનું તોફાન જોઈને ભલભલાને શ્રીલંકાના બોલરોની દયા આવી રહી હતી, વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી શાઈ હોપે સૌથી પહેલું ટ્વિટ કર્યું હતું કે બસ કરો સૂર્યકુમાર યાદવ!
આ ટ્વિટ કર્યાની 8 મિનિટ પછી શાઈ હોપે વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, સ્કૂપ સૂર્યકુમાર. જે રીતે ગઈકાલે મેદાન પર આળોટીને સૂર્યા છગ્ગા ફટકારી રહ્યો હતો તે જોઈને ભલભલા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
આ પછી ફરી એક ટ્વિટ શાઈ હોપે સૂર્યકુમાર પર કરી અને લખ્યું કે, શું આ આજ ઈનિંગ્સમાં 150 રન મારી દેશે? જે રીતે સૂર્યા બેટિંગ કરી રહ્યો હતો તે જોતા બોલરોને સમજાતું નહોતું કે બોલ નાખવો તો ક્યાં નાખવો.
જોકે, 20 ઓવર સુધી ચાલેલા સૂર્યકુમાર યાદવના તોફાનનો અંત ઈનિંગ્સ પૂર્ણ થતા આવ્યો હતો. શ્રીલંકાની બોલિંગ પૂર્ણ થતા આખરે સૂર્યકુમારને અટકવું પડ્યું હતું. આ પછી શાઈ હોપે વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, સૂર્યકુમાર યાદવ પ્રસંશા સ્વીકાર કરો..
ભારતના દિગ્ગજ ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી છે. તેમણે પ્રશંસા કરીને લખ્યું કે, ઘણાં લોકોએ સપનામાં પણ આ પ્રકારની બેટિંગ નહીં કરી હોય.
Not many people have batted as well as this in their dreams. #SuryakumarYadav
સૂર્યકુમાર યાદવે 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 219.61ની સ્ટ્રાઈક રેટ સાથે પાછલા વર્ષે સૌથી વધુ T20 રન બનાવનારા સૂર્યાએ આ વર્ષની સૌથી પહેલી અને કરિયરની ત્રીજી સેન્ચ્યુરી ઠોકી દીધી છે. ભારતે પહેલા બેટિંગમાં ઉતરીને 229 રનનું લક્ષ્ય મૂક્યું હતું. જેની સામે શ્રીલંકા માત્ર 137 રનમાં ઓલઆઉટ થઈ જતા, ભારતે 91 રનની મેચ જીતીને સીરિઝ પર કબજો કરી લીધો છે.