આઈપીએલનો પ્રથમ મુકાબલો રોમાંચક બની ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 04 વિકેટે 165 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર એક બોલ બાકી રહેતા એક વિકેટે મેચ જીતી હતી. આ મેચ એક સમયે મુંબઈ ઈન્ડિયન્સના પક્ષમાં જઈ રહી હતી પરંતુ અંતે બ્રાવોએ વિસ્ફોટક બેટિંગ કરીને મેચની તસવીર બદલી નાંખી હતી. ડ્વેન બ્રાવોએ 30 બોલમાં વિસ્ફોટક 68 રન ફટકાર્યા હતા, જેમાં 7 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. આ સાત સિક્સમાંથી પાંચ સિક્સ તો 18મી અને 19મી ઓવરમાં ફટકારીને હારેલી બાજીને પોતાના પક્ષમાં ફેરવી નાંખી હતી. જોકે, બ્રાવો 19મી ઓવરના અંતિમ બોલે આઉટ થઈ જતાં એક વખત ફરીથી મેચ રોમાંચક તબક્કામાં આવી ગઈ હતી. ચેન્નાઈની અંતિમ વિકેટ રમી રહી હતી, રિટાર્ડ હર્ટ થયેલ કેદાર જાધવને ફરીથી મેદાનમાં આવવું પડ્યું હતું. અંતિમ ઓવરમાં કેદાર જાધવે પહેલા ત્રણ બોલ ડોટ નિકાળતા એવું લાગ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ મેચ પર કબ્જો કરી લેશે પરંતુ ચોથા જ બોલે કેદાર જાધવે શાનદાર સિક્સ ફટકારીને મુંબઈના ઈરાદાઓ પર પાણી ફેરવું નાંખ્યું હતું. પાંચમાં બોલે કેદાર વધુ એક ફોર ફટકારીને ચેન્નાઈને જીત અપાવી દીધી હતી. આમ એક રોમાંચક મેચ પ્રેશકોને જોવા મળી હતી. આખી મેચમાં મુંબઈ ઈન્ડિન્સના ફેન્સ ખુશ રહ્યાં પરંતુ અંતિમ બે ઓવરોમાં ચેન્નાઈના ફેન્સ ખુશ થતાં-થતાં ઘરે ગયા હતા.