દુબઈઃ IPL 2020 સિઝનની 18મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાના નામે કરી છે. કિંગ્સ ઈલેવન પંજાબે આપેલા 179 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 181 રન બનાવીને જીત નોંધાવી હતી. ચેન્નાઈએ 17.4 ઓવરના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 181 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર શેન વોટ્સન 83 રન અને ફાફ ડુ પ્લેસીસના 87 રનની ભાગીદારીના દમ પણ ચેન્નાઈ આ મેચ જીતી હતી. વોટ્સન અને ડુ પ્લેસીસે લીગમાં ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા 2011માં મુરલી વિજય અને માઈક હસીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 159 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.
સીઝનમાં બીજીવાર 100+ની ઓપનિંગ ભાગીદારી
આ સીઝનમાં બીજીવાર કોઈ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ પહેલા પંજાબના મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે 183 રનની ભાગીદારી કરી હતી.
પંજાબે ચેન્નાઈને આપ્યો 179 રનનો ટાર્ગેટ
ટોસ જીતીને પહેલા બેટિંગ લેનાર કિંગ્સ ઈલેવન પંજાબેની ટીમે 178 રન બનાવ્યા હતા. આમ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 179 રનનો ટાર્ગેટ મળ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાન સાથે 178 રન બનાવ્યા હતા. પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે IPLમાં પોતાની 18મી ફિફટી ફટકારતા 52 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 63 રન કર્યા. જ્યારે ચેન્નાઈ માટે શાર્દુલ ઠાકુરે 2, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ લીધી. એમએસ ધોનીએ ટૂર્નામેન્ટમાં કીપર તરીકે 100 કેચ પૂરા કર્યા છે.
પંજાબે ટોસી જીતીને બેટિંગ લીધી
આજે રવિવારની બીજી અને આઈપીએલ 2020ની (IPL 2020) 18મી મેચ દુબઈ ખાતે રમાઈ રહી છે. આ મેચ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને ચેન્નાઈ સુપર કિંસ (CSK) વચ્ચે રમાઈ રહી છે. આ મેચનો ટોસ કિંગ્સ ઈલેવન પંજાબે જીત્યો હતો. જેના પગલે પંજાબે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
પંજાબે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે
આઈપીએલની 18મી મેચમાં પંજાબે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. કરુણ નાયર, કે. ગૌથમ અને જિમી નીશમની જગ્યાએ મંદીપ સિંહ, હરપ્રીત બ્રાર અને ક્રિસ જોર્ડનને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યાંરે ચેન્નાઇએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.