પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની ઉંમરે નિધન, કોરોના થયા બાદ હૉસ્પિટલમાં દાખલ હતા

SP બાલાસુબ્રમણ્યમ (ફાઇલ ફોટો)

ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી હતી.

 • Share this:
  ચેન્નાઈ: પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ ( SP Balasubrahmanyam)નું 74 વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી હતી. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે.

  પાંચમી ઓગસ્ટના રોજ જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (S. P. Balasubrahmanyam) કોરોના પોઝિટિવ થયા છે. 74 વર્ષીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે પોતાના અધિકારિક ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઠંડી અને તાવ ઉપરાંત થોડા દિવસથી છાતી ભારે લાગી રહી હતી. જે બાદમાં તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  લોકપ્રીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે (S. P. Balasubrahmanyam) જણાવ્યું કે, ડોક્ટર્સે તેમને ઘરે જ ક્વૉરન્ટીન રહેવાનું અને દવા લેવાનું કહ્યું હતું. પરંતુ ઘરના લોકો ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.

  હૉસ્પિટલ ખાતે બીજા અઠવાડિયે ગાયકની તબિયત બગડી હતી. જોકે, બાદમાં તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. એસ.પી. બાલાસુબ્રમણ્યમના પુત્ર એસ.પી. ચરણ તેમના તબિયત વિશેના અપડેટ આપી રહ્યો હતો. 22મી ઓગસ્ટના રોજ ચરણના અપડેટ પ્રમાણે તેમની તબિયતમાં ખૂબ સુધારો થયો છે. Ecmo અને વેન્ટિલેટર પર હોવા છતાં તેમણે ઝડપથી ઘરે જવું હતું. જોકે, છેલ્લા 24 કલાકમાં ગાયકની તબિયત ખૂબ બગડી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

  બાલાસુબ્રમણ્યમે પોતાની ગાયનની કારકિર્દી 1966માં તમિલ ફિલ્મ શ્રી શ્રી શ્રી મર્યાદા રમન્નાથી કરી હતી. જોકે, બાલાસુબ્રમણ્યમે પોતાનું પ્રથમ તમિલ ગીત એમએસ વિશ્વનાથનની રિલિઝ ન થયેલી ફિલ્મ હોટેલ રમ્બા માટે રેકોર્ડ કર્યું હતું.

  પ્રસિદ્ધ ગાયકના નિધન બાદ બોલિવૂડ અને ટેલિવૂડના લોકો ગમગીન છે. તેઓ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલાસુબ્રમણ્યમે બોલિવૂડની ફિલ્મો માટે પણ અનેક ગીતો ગાયા છે. બોલિવૂડમાં બાલાસુબ્રમણ્યમને ખાસ કરીને સલમાન ખાનના અવાજના રૂપમાં ઓળખવામાં આવતા હતા. તેમણે સલમાન ખાનના અનેક હીટ ગીત ગાયા છે. ગુરુવારે તેમને તબિયત બગડ્યા બાદ સલમાન ખાને તેઓ ઝડપથી સાજા થાય તે માટે ખાસ દુઆ માંગી હતી. જોકે, લાખો દુઆઓની કોઈ અસર ન થતાં આજે સવારે તેમનું અવસાન થયું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: