Lockdown : અમદાવાદના કઠવાડાના ‘શેલ્ટર હોમ’ના કોઠે-કોઠે માણસાઇના દિવા પ્રગટ્યા, સરાહનીય પ્રયાસ

Lockdown : અમદાવાદના કઠવાડાના ‘શેલ્ટર હોમ’ના કોઠે-કોઠે માણસાઇના દિવા પ્રગટ્યા, સરાહનીય પ્રયાસ
કઠવાડા શેલ્ટર હૉમમા આશ્રિતો સુવિધાથી ખુશ હોવાનું જણાવી રહ્યા છે.

એક એવા શેલ્ટર હોમની કહાણી જ્યાં શ્રમિક પરિવારોને સાબુ, શેમ્પુ, તેલ અને નેઇલ-કટર જેવા પ્રસાધનો સહિતની નાની-મોટી જરૂરિયાતો પણ પુરી પાડવામાં આવી રહી છે.

  • Share this:
અમદાવાદ : 'હું ઉત્તરપ્રદેશનો વતની છું, સુરતમાં સાડીના કારખાનામાં રોજીરોટી મેળવતો હતો. લોકડાઉનની જાહેરાત બાદ હું ચાલીને વતન જવા નિકળ્યો. અમદાવાદ જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા જ મને જિલ્લા પ્રશાસન દ્વારા અહીંના આશ્રય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો. મને અહીં તમામ સુવિધાઓ મળી રહી છે. શેલ્ટર હોમના ભોજન, મનોરંજન અને ગ્રામ પંચાયતના સ્નેહથી હું આનંદિત છું અને સરકારનો આભારી છું.’  આ શબ્દો છે અવિનાશ સિંઘના અવિનાશ શ્રમજીવી છે અને હાલ અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના કઠવાડા ગામમાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રય મેળવી રહ્યા છે.

અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના કઠવાડા ગામમાં 29 માર્ચથી કાર્યરત ‘શેલ્ટર હોમ’ ખાતે શ્રમિક પરિવારના 70 પુરુષ, 12 સ્ત્રી અને 19 બાળકો થઇ 101 વ્યક્તિએ આશ્રય મેળવ્યો છે. લોકડાઉન જાહેર થતા અહીં આવેલ શ્રમિકોમાંથી કોઈ મોરબીથી મધ્યપ્રદેશ જવા તો કોઈ સુરતથી ઉત્તરપ્રદેશ જવા માટે નીકળ્યા હતા. પ્રારંભમાં 300 જેટલા શ્રમિકોને અહીં લાવવામાં આવ્યા હતા જેમાંથી 200 શ્રમિકોને વાહનની વ્યવસ્થા કરી તેઓના ગંતવ્ય સ્થાને પહોચાડવામાં આવ્યા હતા. ‘શેલ્ટર હોમ’ ખાતે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે રૂમ દીઠ ૫ શ્રમિકોને રાખવામાં આવ્યા છે. અહીં શૌચાલય, સ્નાનાગાર, ભોજન અને મનોરંજન સહિતની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. શ્રમિક પરિવારોની સાબુ, શેમ્પુ, તેલ અને નેઇલ-કટર જેવા પ્રસાધનો સહિતની નાની-મોટી જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો :  કોરોના અપડેટ્સ : 46 નવા કેસ સામે આવ્યા, અમદાવાદના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

દરરોજ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને આંગણવાડી બહેનો દ્વારા અહીં શ્રમીકો અને તેમના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આંગણવાડી બહેનો નિયમિત આવી બાળકો માટે સુખડી અને લાપસીનું ભોજન પીરસે છે. ઉપરાંત શ્રમિક પરિવારની બહેનો માટે સેનેટરી નેપકીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે  ગ્રામપંચાયતના તલાટીમંત્રી  જયેશભાઇના જણાવ્યા મુજબ અહીં મનોરંજન માટે ટેલિવિઝન અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને રોજ ગ્રામ-પંચાયત ખાતે જ બનાવાયેલું સ્વાદીષ્ટ-ગરમ ભોજન અને નાસ્તો દિવસમાં બે વખત પીરસવામાં આવે છે.મધ્યપ્રદેશના વતની મહિલા શ્રમિકના જણાવ્યા મુજબ તેઓ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કારખાનામાં રોજગારી મેળવે છે.

આ પણ વાંચો :  Coronavirus: વિશ્વના આ દેશમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 881 લોકોનાં મોત, વિદેશ મંત્રીએ આપી ચેતવણી

લોકડાઉનની જાહેરાત બાદ તેઓ વતન જવા નિકળ્યા ત્યારે પોલીસ-કર્મિઓ દ્વારા અહીં લાવવામાં આવ્યા. તેમના બાળક સહિત તેઓની જે દેખરેખ ‘શેલ્ટર હોમ’ ખાતે રખાઇ રહી છે તેનાથી તેઓ ખુબ જ ખુશ છે.  તાલુકા વિકાસ અધિકારી  પંકજભાઇના જણાવ્યા મુજબ કઠવાડા ‘શેલ્ટર હોમ’ના નિભાવ માટે ગ્રામ પંચાયતના એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. આવશ્યક વસ્તુઓની ખરીદી માટે ગામના અગ્રણી દાતાઓનો આર્થીક સહયોગ અપૂર્વ છે. ગામના સરપંચ શ્રી હરીશભાઈ દરરોજ ૪૦ લીટર દૂધ ‘શેલ્ટર હોમ’ ખાતે નિ:શુલ્ક પહોંચાડી રહ્યા છે. ગામના લોકો નિયમિત ભોજન બનાવવાની સામગ્રી પહોંચાડી રહ્યા છે. ગામના સામાન્ય ખેડૂત કુટુંબો પણ આ માનવતાના કામમાં સહકાર આપી રહ્યા છે.

આ પણ વાંચો :  Coronavirus : 3 મહિના બાદ યોજાઈ શકે છે IPL, વગર પ્રેક્ષકોએ ટૂર્નામેન્ટ યોજવાની તૈયારી

આમ, કઠવાડા ‘શેલ્ટર હોમ’ ના કોઠે-કોઠે માણસાઇના દિવા પ્રગટ્યા છે.અત્રે ઉલ્લીખનીય છે કે, જયેશભાઈ અને પંકજભાઈ જેવા કર્મઠ કર્મચારીઓ માટે ‘શેલ્ટર હોમ’ તેઓનુ સેકન્ડ હોમ બન્યું છે. પોતાની નિશ્ચિત ફરજથી આગળ વધી આ કર્મયોગીઓ શ્રમિકોની દુવિધા નિવારવા દિવસ-રાત હાજર રહે છે. ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંકલનનમાં કોઇ કચાશ ન રહે તે માટે તેઓ જરૂર પડ્યે વહેલી સવારે કે મોડી રાત્રે પણ ‘શેલ્ટર હોમ’ ખાતે દોડી આવે છે.  આમ ગ્રામ-પંચાયત અને ગ્રામજનોના પુરૂષાર્થથી શ્રમિકો માટેનું આશ્રય કેન્દ્ર આનંદ કેન્દ્રમાં પરિણમ્યું છે, ‘શેલ્ટર હોમ’ હવે ‘હેપી હોમ’ બની ચુક્યું છે.
First published:April 10, 2020, 13:00 pm