નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં થોડા દિવસ રાહત મળ્યા બાદ ફરીથી કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ ચાર લાખ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને દેશમાં ઓક્સિજનની અછત (Oxygen shortage) સર્જાઈ છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઓક્સિજનની સપ્લાય વધારવા માટે પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ લોકો કોરોનાની રસી (Corona vaccine) મૂકાવે તે માટે પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે. અલબત્ત, અત્યારે રસીના જથ્થાની તંગીના કારણે રસી (Corona vaccination) આપવાની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે.
લોકોને રસીકરણ માટે સરળતા રહે તે હેતુથી સંશોધકો પ્રયત્નો કરી રહ્યા છે. લોકોને ઝડપથી ખાલી સ્લોટ સાથે રસીકરણ કેન્દ્ર મળી જાય તેવા ટૂલ બનાવવામાં આવ્યા છે. અહીં આવા કેટલાક ટૂલ તમને જણાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી તમે આસપાસના વિસ્તારમાં રહેલા રસીકરણ કેન્દ્રને શોધી શકો છો. આગળ વધતા પહેલાં વાચકો ધ્યાન રાખવું કે, થર્ડ પાર્ટી પ્લેટફોર્મ ફક્ત ઉપલબ્ધ સ્લોટ્સ-રસીકરણ કેન્દ્ર શોધવા માટે મદદ કરી શકે છે. જોકે, બુકિંગ કોવિન પોર્ટલ દ્વારા થઈ રહ્યું છે.
પોર્ટલના એક્સેસ કરવા માટે 18 વર્ષથી વધુના લોકો કોવિન એન્ડ્રોઇડ એપ્લિકેશન, વેબસાઇટ તેમજ આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
Paytm Vaccine Finder: તાજેતરમાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ દ્વારા Covid 19 vaccine finder લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે ઇનબિલ્ટ મીની એપ સ્ટોરના માધ્યમથી રસીકરણ સ્લોટની ઉપલબ્ધતા તપાસવા માટે મદદ કરશે. રસી માટે સ્લોટ શોધવા પેટીએમ ઓપન કરીને મીની એપ સ્ટોરમાં જવું પડશે. જેમાં વેક્સીન ફાઇન્ડર ઓપ્શન પર ક્લિક કરી પિન કોડ અને જિલ્લો નાખવાનો રહેશે. ત્યાર બાદ 18+ અને 45+માંથી એક પસંદ કરવાનું રહેશે. જો સ્લોટ ઉપલબ્ધ ન હોય તો ‘notify me when slots are available’ વિકલ્પ પસંદ કરવાથી રિયલ ટાઈમ એલર્ટ મળશે.
VaccinateMe: HealthifyMeની આ એપ્લિકેશન ખૂબ સરળ છે. તમે પિન કોડ કે જિલ્લો નાખીને ઉપલબ્ધ હોય તેવા રસીકરણ કેન્દ્ર શોધી શકો છો. સ્લોટ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં આ એપ જ્યારે સ્લોટ ઉપલબ્ધ થશે, ત્યારે એસએમએસ, ઇમેઇલ કે વોટ્સએપ દ્વારા તમને જાણ કરશે. રસીના નામ, ઉંમર, સહિતના ફિલ્ટર દ્વારા લોકો સ્લોટ માટે તપાસ કરી શકે છે.
CoWIN: તમે ગમે તે એપ્લિકેશન ઉપયોગ કરતા હોવ પણ કોવિડ રસી મૂકાવવાની ઓનલાઈન નોંધણી તો અહીં જ થાય છે. CoWIN સ્લોટ્સની ઉપલબ્ધતાને શોધવાની પરંપરાગત પદ્ધતિથી કામ કરે છે. આ માટે લોકોને વિવિધ પિન કોડ્સને દાખલ કરીને તપાસ કરવી પડે છે.
Getjab.in: Paytm Vaccine Finder અને VaccinateMeની જેમ આ પ્લેટફોર્મ સ્લોટ ઉપલબ્ધ થાય ત્યારે યુઝર્સને ઇમેઇલ દ્વારા જાણ કરે છે. આ વેબસાઇટ ISB ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્યામ સુંદર અને તેમના સાથીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ સાઇટમાં નામ, ઇમેઇલ, લોકેશન અને વૈકલ્પિક ફોન નંબર સહિતની વિગતો આપવી પડે છે. આ ડેટા કોઈને શેર કરવામાં અથવા વેચવામાં આવતો નથી તેવું વેબસાઈટનું કહેવું છે. WhatsApp MyGov Corona Helpdesk: વોટ્સએપના ચેટ બોટના માધ્યમથી લોકો આસપાસના રસીકરણ કેન્દ્ર શોધી શકે છે. WhatsApp MyGov Corona Helpdeskને 2020ના માર્ચ મહિનામાં લોન્ચ કરાયું હતું. રસીકરણ કેન્દ્ર શોધવાની પ્રક્રિયા સરળ છે. યૂઝરને 9013151515 નંબર તેના એન્ડ્રોઇડ અથવા iOS ફોનમાં સેવ કરવાનો રહે છે. વોટ્સએપ ડેસ્કટોપ અથવા વેબમાં wa.me/919013151515 લીંક ઉપર ક્લિક કરી શકો છો. MyGov કોરોના હેલ્પડેસ્ક ચેટબોટ લોન્ચ થયા બાદ યુઝરને hello લખીને સેન્ડ કરવાનું રહેશે. થોડી વારમાં ઓટોમેટેડ જવાબ આવશે. જેમાં કોરોના અંગે વિગતો માટે વિકલ્પ આપવામાં આવશે. આ ચેટબોટ સાથે યુઝર Hindi અથવા हिंदी લખીને પણ હિન્દીમાં વાત કરી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર