Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!
ફાઇલ તસવીર
Coronavirus Cases in India: હાલમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ BF.7ને કારણે કોવિડ -19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, BF.7 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 લોકોને સંક્રમિત કરી શકે છે.
નવી દિલ્હીઃ લોકોમાં ફરી એકવાર કોરોના વાયરસનો ડર વધી રહ્યો છે. ચીનમાં ઝડપથી વધી રહેલા કેસોએ ભારતના લોકોને ચિંતામાં મૂકી દીધાં છે. લોકોએ ફરી એકવાર માસ્કનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સાથે સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના નિષ્ણાતો પણ લોકોને સલામત રહેવાની સલાહ આપી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીના એપિડેમિયોલોજિસ્ટ સંજય.કે.રાય કહે છે કે, ‘નવો વેરિયન્ટ ઝડપથી સંક્રમિત કરે છે.’
રાયે કહ્યુ હતુ કે, ‘નવા કોવિડ વેરિયન્ટનો ચેપ વધુ ઝડપથી લાગે છે અને એક સંક્રમિત વ્યક્તિ 10-18 લોકોને સંક્રમિત કરી શકે છે. અગાઉનો વેરિઅન્ટ 5-6 લોકોને સંક્રમિત કરતો હતો. જેમને અગાઉ કોવિડ થયો હોય અથવા રસી આપવામાં આવી હોય તેઓ પણ ફરીથી કોવિડથી સંક્રમિત થઈ શકે છે.’
રાયે કહ્યુ હતુ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને ભારત સરકારે પણ માર્ગદર્શિકા જારી કરી છે. સરકાર પોતાના સ્તરે કામ કરી રહી છે અને આ અંગે મોકડ્રીલ પણ થઈ છે, પરંતુ હવે જનતાએ સરકારને સહકાર આપવો જોઈએ. ભારતમાં હર્ડ ઈમ્યુનિટી સર્જાઈ ગઈ છે તે એક સારી વાત છે.
નવી લહેર આવે તેવી શક્યતા
આ સાથે જ સરકાર દ્વારા આગામી 40 દિવસને મહત્વના જણાવવામાં આવ્યા છે. કારણ કે ભારતમાં કોવિડ-19ના કેસ જાન્યુઆરીમાં ઝડપથી વધી શકે છે. સરકારના સત્તાવાર સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંક્રમણની ગંભીરતા ઓછી છે. જો કોવિડની નવી લહેર આવશે તો પણ મૃત્યુદર અને ચેપગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો હશે.
હાલના સમયમાં કોરોના વાયરસના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ને કારણે કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, BF.7ના ફેલાવાનો દર ઘણો વધારે છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 લોકોને સંક્રમિત કરી શકે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર