Dhairya Gajara, Kutch: ટુંક સમયમાં સર્વે શૈક્ષણિક સંસ્થાઓમાં નવું સત્ર ચાલુ (Academic Year) થતાં પોતાની કારકિર્દી ઘડવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તરફ ડગલાં ભરશે. ત્યારે ધોરણ 8 અને 10 પાસ બાદ વિવિધ ક્ષેત્રમાં કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ભુજની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (Bhuj ITI) ખાતે પ્રવેશ પ્રક્રિયા (Admission Process) શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આઇ.ટી.આઇ.ની (Industrial Training Institute) સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થતાં વિદ્યાર્થીઓ ઘર બેઠા જ પ્રવેશ મેળવી શકશે.
ભુજની આઇ.ટી.આઇ. ખાતે એક અને બે વર્ષના લાંબા ગાળાના ધોરણ 8 પાસ પર સાત કોર્સ તો ધોરણ 10 પાસ પર 14 કોર્સ ઉપલબ્ધ છે. સાથે જ ટૂંકા ગાળાના કોર્સમાં ધોરણ 10 પાસ પર બે અને ધોરણ 8 પાસ પર એક કોર્સ ઉપલબ્ધ છે. ભુજ આઇ.ટી.આઇ. ખાતે લાંબાગાળાના કુલ 21 કોર્સમાંથી મિકેનિક ડીઝલ વિભાગમાં સૌથી વધારે 120 જગ્યા હાજર છે. તો મિકેનિક મોટર અને કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ બન્ને કોર્સમાં 96 જગ્યા ભરી શકાશે.
આ સિવાય રેફ્રીજરેશન, ઈલેક્ટ્રીશિયન, ફિટર, ટર્નર, વાયરમેન જેવા કોર્સ ઉપરાંત હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર, સ્ટનો કમ કમ્પ્યુટર ઓપરેટર, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને મરીન એન્જિનિયરિંગ ટેકનીશિયન જેવા કોર્સ પણ ઉપલબ્ધ છે. મહિલાઓ માટે પણ આઇ.ટી.આઇ. ખાતે ખાસ કોસ્મેટોલોજી કોર્સ અને કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોર્સ માટે અલગ બેચ ઉપલબ્ધ છે.
કચ્છમાં છેલ્લા બે દાયકામાં ઉદ્યોગોએ મોટી માત્રામાં પગપેસારો કર્યો છે ત્યારે આઇ.ટી.આઇ. ખાતેથી કોર્સ કરીને વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ રોજગારી મળી રહે છે. ભુજ તાલુકાના ખાવડા બન્ની વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓમાં પણ સ્થાનિક લોકોની માંગ હોતાં એટેન્ડન્ટ ઓપરેટર ઈન કેમિકલ પ્લાન્ટ કોર્સમાં ખાવડા બાજુના સ્થાનિક વિદ્યાર્થીઓને વધુમાં વધુ જોડાવવા પ્રયાસ પણ કરાઈ રહ્યા છે.
હાલમાં આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોતા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સર્વે કોર્સની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન હોતાં વિદ્યાર્થીઓને https://itiadmission.gujarat.gov.in પરથી પ્રવેશ ફોર્મ ભરી શકાશે તો સાથે જ પ્રવેશ મુદ્દે દરેક માહિતી પણ મેળવી શકશે. હાલ માટે પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ જૂન 15 રાખવામાં આવી છે. તેમજ સરનામું આ મુજબ છે, ભુજ આઉધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.), લેવા પટેલ હોસ્પિટલ પાછળ, મુન્દ્રા રોડ, ભુજ (કચ્છ) ફોન નંબર: 02832-231307 પર વિગતવાર માહિતી માટે સંપર્ક કરશો.