Dhairya Gajara, Kutch: ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિ બાપા સાથે સૌના પ્રિય એવા મોદક મીઠાઈની દુકાનોમાં જોવા મળે છે. ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજી ભક્તો પંડાલ કે, પોતાના મકાનમાં બિરાજમાન કરાવતા ભગવાન ગણપતિને મોદક ધરે છે. તેવામાં હાલ કચ્છની બજારોમાં વિવિધ 15 થી 20 પ્રકારના મોદક છવાયા છે અને લોકો પોત પોતાની પસંદ પ્રમાણે મોદક ખરીદી ગણેશજીને પણ ધરાવી રહ્યા છે.
ગણેશ ચતુર્થી આવતા જ દરેક ઘરમાં મોદક બનવાનું શરૂ થઈ જાય છે. આ દિવસોમાં દરેક લોકો ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ કરતા હોય છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. આ તહેવારમાં તમામ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે.
ગણેશ મહોત્સવ દરમિયાન બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. એક દિવસ ચૂરમાના લાડુ, એક દિવસ મોદક, એક દિવસ મોતીચૂરના લાડુ, એક દિવસ ગોળના મોદક, માવાના મોદક વગેરે જેવા મોદક ગણેશજીનો પ્રિય પ્રસાદ છે. ત્યારે ભુજની જનતા માટે મોદકની પસંદગી માટે અનેક વિકલ્પો હવે બજારોમાં આવી ગયા છે.
ભુજના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સાદા મોદક, ચુરમાના મોદક, ગોળના મોદક, મોતીચૂર, ટોપરા, માવા, ચોકલેટ, સ્ટ્રોબેરી, ટુટીફ્રુટી, બટર, ડ્રાયફ્રુટ, પાન, ઠંડાઈ, બટરસ્કોચ, ઓરિયો, બ્રાઉની, કેસર, ચોકલેટ ચિપ્સ ઉપરાંત સુગરફ્રી મોદક, ફ્રૂટ મોદક, ઘનઘોર મોદક તેમજ બાફેલા અને તળેલા મોદક જેવા જુદી જુદી વેરાયટીના મોદક બનાવવામાં આવી રહ્યા છે. જેથી કરીને નાની ઉંમરના વ્યક્તિથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પોતાની પસંદ મુજબ મોદકની ખરીદી કરીને ભગવાન ગણેશજીને ભોગ ધરાવી શકે.
ભુજની મીઠાઈ બજારમાં મોદકના ભાવની વાત કરવામાં આવે તો 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મોદકનું વહેંચાણ થઈ રહ્યું છે.
શા માટે ગણેશજીને મોદક ચઢાવવામાં આવે છે?
ભગવાન ગણેશને મોદક પસંદ કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે, એક વખત ભગવાન શિવ સૂતા હતા અને ગણેશજી તેમની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પરશુરામ ત્યાં પહોંચી ગયા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા.તો પરશુરામ ક્રોધે ભરાયા અને ગણેશજીનો આ દરમિયાન એક દાંત તૂટી ગયો. . તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન બાપ્પાને 21 મોદક ચઢાવવામાં આવે છે.