Home /News /career /પેરામિલિટરી વિશે જાણો| પાર્ટ 1 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ભારતની સરહદોની અભેધ સુરક્ષા

પેરામિલિટરી વિશે જાણો| પાર્ટ 1 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ભારતની સરહદોની અભેધ સુરક્ષા

BSF :પેરેમિલિટરીનું એક અભિન્ન અંગ એટલે બીએસએફ

Know Your Paramilitary: આજથી ન્યૂઝ18 ગુજરાતી પર આપ નિયમિત રૂપે પેરમિલિટરી ફોર્સના વિવિધ વિભાગોની માહિતી વાંચી શકશો. આ માહિતી વાંચી અને યુવાનોને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે ઘણી ઉપયોગી માહિતી મળશે.

  પાકિસ્તાન (Pakistan) સાથે જ્યારે યુદ્ધાનો મોરચો સંભાળવાની વાત આવે ત્યારે સૌથી પહેલા આગળના મોરચે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આવે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફ આપણી સરહદોની સુરક્ષા કરે છે. 2.7 લાખ જવાન ધરાવતી બીએસએફ ભારતની પાકિસ્તાન સાથેની 2289.6 કિમીની આંતરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરે છે. આ સીમામાં 58 કિલોમીટરની પાકિસ્તાન સાથેની સમુદ્રી સરહદનો પણ સમાવેશ થાય છે. આ સાથે કાશ્મીરથી રાજસ્થાન સુધીની સરહદનો સમાવેશ પણ થાય છે. બીએસએફ એલઓસી ( Line of Control ) પર સેના સાથે 143 કિમીની સરહ પર પણ તહેનાત છે. એવી જ રીતે બીએસએફ બાંગ્લાદેશ બોર્ડર પર પણ સરહદની સુરક્ષા કરે છે.

  -30 ડિગ્રીની કડકડતી ઠંડીથી લઈને 50 ડિગ્રીની આગ ઓકતી ગરમીમાં બીએસએફના જવાનો આપણી સરહદની સુરક્ષા કરે છે. બીએસએફ સરહદ સાથે સરહદી વિસ્તારના ગ્રામિણ વિસ્તારોની પણ સુરક્ષઆ કરે છે. આ ઉપરાંત શહેરોમાં સ્થિતિ વણસે ત્યારે, એન્ટી નક્સલ પ્રવૃતિઓમાં પણ બીએસએફને જોતરવામાં આવે છે. કુદરતી આપદામાં પણ બીએસએફ કાર્ય કરે છે.

  બીએસએફનો ઈતિહાસ

  1965 સુધી ભારતની પાકિસ્તાન બોર્ડરની સુરક્ષા સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સ બટાલિયનો કરતી હતી. પરંતુ એપ્રિલ 1965માં પાકિસ્તાને કચ્છના બેરિયા બેટ અને છાર બેટમાં ભારતની સરદાર પોસ્ટ પર હુમલો કર્યો. હુમલા વખતે સ્ટેટ પોલીસ સુરક્ષા કરી શકવા માટે સક્ષમ નહોતી. એ વખતે દિલ્હીમાં એક મીટિંગ બોલવામાં આવી અને પ્લાન ઘડાવા લાગ્યો

  આ પણ વાંચો :  Indian Army recruitment : આર્મીમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોની ભરતી, અહીંથી કરો અરજી

  અહીંથી બીએસએફની કહાણી શરૂ થાય છે. 1965માં કેએફ રૂસ્તમથી આ હાઇલેવલ મીટિંગનો ભાગ હતા. આંતરરાષ્ટ્રીય સુરક્ષાની આ મીટિંગમાં પોલીસ તરફે તેઓ એક માત્ર બીએસએફની રચના કરવાના પક્ષકાર હતા. તેમણે અવાજ ઉઠાવ્યો અને અન્ય પક્ષકારોને સંમત પણ કર્યા. આ મીટિંગના થોડા અઠવાડિયા પછી નવી દિલ્હીથી તેમને બોલવવામાં આવ્યા અને બીએસએફની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી

  બીએસએફની રચના સરહદોની સુરક્ષા કરવા માટે અને ઘુસણખોરી અટકાવવા માટે કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કે બીએસએફની 25 બટાલિયન ઘડવામાં આવી હતી. વર્તમાનમાં બીએસએફની 192 બટાલિયન કાર્યરત છે જે પૈકીની 3 એનડીઆરએફમાં કાર્યરત છે. બીએસએફ એક માત્ર એવી ફોર્સ છે જેની પાસે પોતાની એરવિંગ પણ છે, બીએસએફનું પ્રતિનિધીત્વ આજીપી રેન્કના અધિકારી કરે છે.

  શોર્યની કહાણીઓ

  બીએસએફનું મુખ્યત્વે કાર્ય સરહદોની રક્ષા કરવાનું અને સરહદી ભાગોમાં સ્થાનિકોને સુરક્ષાની ભાવના આપવાનું છે. આ દળ સરહદ પારના ગુનાઓ ભારતની સરહદમાં અનધિકૃત પ્રવેશ અથવા સરહદ ઓળંગવાના અને દાણચોરી અથવા અન્ય કોઈપણ રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પણ જવાબદાર છે. આ સિવાય BSFએ પાકિસ્તાન સાથેના વિવિધ યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

  કારગિલ યુદ્ધ

  વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન BSF પહાડોની ઊંચાઈઓ પર રહી અને સંપૂર્ણ શક્તિ સાથે દેશની રક્ષા કરી અને પાકિસ્તાની હુમલાખોરોને ભારતમાં ખતરનાક મનસૂબા પાર પાડવા દીધા નહીં. BSFની માહિતી મુજબ વર્ષ 1980ના દાયકાના અંતમાં બળવાખોર વિરોધી કામગીરી માટે J&Kમાં દળને સામેલ કરવામાં આવ્યું હતું. શ્રીનગર ખીણમાં BSFને આંતરિક સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો તે પહેલાં એરપોર્ટ સુરક્ષાની ફરજો, રાજભવનની સુરક્ષાની ફરજો વગેરે માટે બીએસએફની તહેનાત કરવામાં આવી હતી.

  કાશ્મીરમાં પુન: શાંતિ સ્થાપવા બલિદાન

  કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં BSFએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1990 ના દશકમાં જ્યારે કાશ્મીર ખીણમાં આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે આ વિસ્તારમાં બીએસએફને લાવવામાં આવ્યું હતું. BSFએ આતંકવાદીઓ સાથે બાથભીડીને બે વિસ્તારો સફળતાપૂર્વક કબજે કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફના તેના 1,000 થી વધુ જવાનો અને અધિકારીઓનું બલિદાન આપ્યું છે.

  કચ્છના ભૂકંપ વખતે રાહત અને બચાવમાં

  BSFના જવાનો મણિપુરમાં વિદ્રોહનો સામનો કરવામાં સામેલ છે. BSFના લોકો પ્રત્યેના સમર્પણનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન BSના જવાનો પ્રથમ પ્રતિભાવ આપનારાઓમાં સામેલ હતા. બીએસએફે કચ્છના ભૂકંપ વખતે રાહતમા જોતરાઈ અને અનેકના જીવ બચાવ્યા હતા. ઉપરાંત કોમી રમખાણો દરમિયાન લોકોમાં સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે BSF જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.

  ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવાનું કામ

  બીએસએફને ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. 2009 માં એલડબ્લ્યુઇમાં વધારો નોંધ્યા પછી સરકારે નક્સલ વિરોધી કામગીરી માટે BSFને સાથે જોડવાનું નક્કી કર્યું. રાયપુર, કોરાપુટ અને તિરુવનંતપુરમમાં સંઘર્ષનો સામનો કરવા માટે દળ તૈનાત કરવામાં આવી હતી.

  વર્ષ 1967માં દિલ્હી પોલીસ સ્ટાફના અમુક અનુશાસનહીન સ્ટાફે સેવાઓની સમાપ્તિ સામે બળવો કર્યો હતો. એ વખતે BSFને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બોલાવવામાં આવી હતી કારણ કે દેખાવકારોની લ્યુટિયન્સ ગેંગ દિલ્હીમાં અરાજક વિરોધ કરવાની યોજના ઘડી ચુકી હતી. આ ઉપરાંત અમદાવાદ અને ભાગલપુર રમખાણોને અંકુશમાં લેવામાં પણ ફોર્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમ બીએસએફના શોર્યની આ કેટલીક કહાણીઓ છે જેમાં સરહદની સુરક્ષા સિવાયના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા છે.

  સ્ટ્રેન્થ અને સ્ટ્રક્ચર

  બીએસએફ વર્તમાનમાં દેશની સૌથી મોટી પેરામિલિટરી ફોર્સ છે. 192 બટાલિયન પોતાની એર અને વોટર વિંગ અને આર્ટિલરી રેજિમેન્ટ સાથે બીએસએફ આઈપીએસના નેતૃત્વમાં કાર્યરત રહે છે. બીએસએફને ટોચના સ્તરે કમાન્ડ અને ફ્રન્ટિયર્સમાં વહેંચવામાં આવે છે. પૂર્વીય અને પશ્ચિમી કમાન્ડ દરેકનું નેતૃત્વ વિશેષ મહાનિર્દેશક SDG સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવે છે. પશ્ચિમી કમાન્ડનું SDG શ્રીનગર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદોનું નેતૃત્વ કરે છે અને તેનું ધ્યાન રાખે છે. SDG (પૂર્વ) દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, મેઘાલય, મણિપુર અને કચર, ત્રિપુરા, ગુવાહાટી વગેરેની સરહદોનું નેતૃત્વ કરે છે.

  ચાર વધારાના ડીજી માનવ સંસાધન, કામગીરી, લોજિસ્ટિક્સ અને એકેડેમીનું નિરીક્ષણ કરે છે. બીએસએફને નવ નિર્દેશાલયોમાં વિભાજિત કરવામાં આવે છે જે કર્મચારીઓ, કામગીરી, વહીવટી, સામાન્ય તાલીમ, સંચાર અને માહિતી ટેકનોલોજી, જોગવાઈ, એર વિંગ અને મેડિકલ જેવા વિવિધ વિભાગોની દેખરેખ રાખે છે. દરેક સીમાઓનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર જનરલ-લેવલના અધિકારી દ્વારા કરવામાં આવે છે.

  આ પણ વાંચો : Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

  બીએસએફનું બજેટ

  ભારત-પાકિસ્તાન સરહદ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે BSFના બજેટમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે જેથી દળ જરૂરી સાધનો ખરીદી શકે અને નાણાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. વર્ષ 2020માં BSFનું કુલ બજેટ 19,000 કરોડ રૂપિયાથી વધુ હતું. જેમાં નાણાકીય વર્ષ 2022-2023 માટે લગભગ રૂપિયા 3,000 કરોડ વધારો કરવામાં આવ્યો છે.

  ટ્રેનિંગ

  છેલ્લા પાંચ દાયકામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની (BSF) કુલ ફોર્સની તાકાતમાં જંગી વધારો જોવા મળ્યો છે. બીએસએફ પાસે સમગ્ર ભારતમાં અનેકવિઘ તાલીમ કેન્દ્રો છે જે પુનઃ-કૌશલ્ય, કૌશલ્ય વિકાસ અને કેપેસિટી બિલ્ડીંગ માટે સમયાંતરે તાલીમ આપે છે. મૂળભૂત તાલીમ અભ્યાસક્રમથી શરૂ કરીને વ્યક્તિ લશ્કરી કુશળતા પ્રાપ્ત કરે ત્યા સુધીનો છે. ત્યારબાદના તાલીમ મોડ્યુલ્સ વિશિષ્ટ કુશળતા અને નેતૃત્વના ગુણો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. BSF એકેડમી ટેકનપુર એ લર્નિંગ સેન્ટર છે જે અધિકારીઓને કમાન્ડોની તાલીમ આપે છે.આના સિવાય બળવાખોરી અને આતંકવાદ વિરોધી, વિસ્ફોટકોની શોધ અને હેન્ડલિંગ વગેરે શીખવે છે.

  શસ્ત્રો અને રણનીતિની શાળા આ વિસ્તારમાં તાલીમ આપે છે અને શસ્ત્રો અને સર્વેલન્સ સાધનોની તમામ રેન્કની તાલીમ પણ આપે છે. ફોર્સ પાસે ગ્વાલિયરમાં નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ્સ (NTCD) પણ છે જ્યાં કેનાઈન્સની (શ્વાન/ ઉંટ વગેરે) શ્રેષ્ઠ જાતિઓને તાલીમ આપવામાં આવે છે. અધિકારીઓ અને જવાનોને કાઉન્ટર ઈન્સર્જન્સી અને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનની તાલીમ પણ મળે છે.

  BSF 2.0 ભવિષ્ય પર નજર

  હવે આતંકવાદી સંગઠનોપરંપરાગત રીતોથી વિપરીત ભારતમાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે નીત નવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. બીએસએફે પણ પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યુ છે.

  આ દળ સમગ્ર સરહદ પર અભેદ્ય સર્વેલન્સ ગ્રીડની જરૂરિયાતોને પહોંચી વળવા અદ્યતન ટેકનિકના ઉપયોગની શોધ કરી રહ્યું છે. ફોર્સે તાજેતરમાં વિવિધ સંસ્થાઓ સાથે નવી એન્ટી ટનલીંગ ટેકનોલોજીની શોધ શરૂ કરી છે.

  આ પણ વાંચો : PM મોદીએ બોર્ડર ટુરિઝમનું સપનું જોયું હતું, અહીં આવનાર લોકોને દેશભક્તિનો અનુભવ થશે: નડાબેટ ખાતે અમિત શાહ

  અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

  ભૌગોલિક પડકારોને કારણે પંજાબ અને જમ્મુના વિસ્તારોમાં ભારત વિરોધી તત્વો દ્વારા શસ્ત્રો, દારૂગોળો અને ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસો જોવા મળ્યા છે. આની ગંભીરતાને સમજીને BSF એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. વધારાના વિશેષ સર્વેલન્સ સાધનો, વાહનો વગેરેની તહેનાતી સાથે ભારત-પાક સરહદ પર વિગતવાર મેપિંગ કરવામાં આવ્યું છે. હેન્ડહેલ્ડ થર્મલ ઈમેજર (HHTI), નાઈટ વિઝન ડિવાઈસ (NVD), લોંગ-રેન્જ રિકોનિસન્સ અને ઓબ્ઝર્વેશન સિસ્ટમ (LORROS), બેટલ ફિલ્ડ સર્વેલન્સ રડાર (BFSR), ટ્વીન ટેલિસ્કોપ UAVs વગેરેનો અસરકારક પ્રભુત્વ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

  CCTV/PTZ કેમેરા, ઇન્ફ્રારેડ સેન્સર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ સાથે ઇન્ફ્રારેડ એલાર્મથી સજ્જ સંકલિત સર્વેલન્સ ટેકનોલોજી વિચારણા હેઠળ છે. BSF આંતરરાષ્ટ્રીય સરહદના નદીના અને નદી કાંઠાના વિસ્તારો પર વર્ચસ્વ માટે વોટરક્રાફ્ટ અને ફ્લોટિંગ બોર્ડર ચોકીઓનો પણ ઉપયોગ કરી રહ્યું છે.

  નેકસ્ટ લેવલ

  નેકસ્ટ લેવલ માટે BSF તેના ફોર્સ સ્ટ્રક્ચરને વિસ્તૃત કરવા અને સરહદોની રક્ષા કરવા માટે નવીનતમ ટેકનિક પ્રાપ્ત કરવાનું વિચારી રહી છે. તે લેવલ 4 બુલેટપ્રૂફ/રેઝિસ્ટન્સ સાધનો ખરીદવાનું પણ આયોજન કરી રહ્યું છે. આ દળ વધારાના રડાર અને નાઇટ સર્વેલન્સ ટેકનોલોજી દ્વારા તહેનાતી કરશે અને આગામી 10 વર્ષમાં 3 લાખ સૈનિકોની નજીક પહોંચવાની અપેક્ષા રાખે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: BSF, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन