Home /News /career /Know Your Paramilitary | CRPF વિશ્વનું સૌથી મોટું સશસ્ત્ર પોલીસ દળ, 3.25 લાખ બહાદુર જવાનોની ફોજની આવી છે કામગીરી

Know Your Paramilitary | CRPF વિશ્વનું સૌથી મોટું સશસ્ત્ર પોલીસ દળ, 3.25 લાખ બહાદુર જવાનોની ફોજની આવી છે કામગીરી

Know Your Paramilitary | CRPF : વિશ્વના સૌથી મોટા સશસ્ત્ર પોલીસ દળની શૌર્ય અને બહાદુરની કહાણી

Central Reserve Police Force: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRFP)ના ઈતિહાસથી લઈને દળની તાકાત અને તેમા કારકિર્દી બનાવવી હોય તો કેવી કામગીરી કરવી પડે વગેરે જેવી જાણવા જેવી માહિતી

Central Reserve Police Force: 3.25 લાખ જવાનો સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ભારતનું સૌથી મોટું કેન્દ્રીય શસ્ત્ર દળ છે. સીઆરપીએફ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું શસ્ત્ર પોલીસ દળ છે. નક્સલિઝમ (Naxalism)થી લઈને આતંકવાંદ (terrorism)સુધી અને મંત્રીઓથી લઈને વીવીઆઈપીની સુરક્ષા સુધી સીઆરપીએફના માથે મોટી કામગીરી છે. આજની આ ખાસ શ્રેણીમાં તમે સીઆરપીએફની ખાસ કામગીરી વિશે જાણશો

સીઆરપીએફની પોતાની એન્ટિ ટેરર વિંગ (QAT) પણ છએ. આ સાથે એન્ટિ નક્સલ વિંગ કોબ્રા (CoBRA) પણ છે. સંસદની સુરક્ષાથી લઈને એરપોર્ટની સુરક્ષાનું કામ સીઆરપીએફ કરે છે. તાજેતરમાંજ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફની મહિલા પાંખને જોડવામાં આવી છે. ખંભાતથી લઈને હિમંતનગર સુધી જે તોફાનો થયા, આવાં તોફાનો રોકવા અને તેની સામે પ્રતિકાર કરવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF)નામની એક ખાસ કૂમક પણ સીઆરપીએફ પાસે છે.

વાત જ્યારે ગેલેન્ટરી મેડલની હોય ત્યારે સીઆરપીએફ સૌથી વધુ આગળ છે. સીઆરપીએફના જવાનો પાસે સૌથી વધુ મેડલ્સ છે. બ્રિટિશ યુગમાં ફક્ત બે બટાલિયન સાથે શરૂ થયેલા આ દળમાં અત્યારે 246 બટાલિયન કાર્યરત છે.

CRPFનો ઈતિહાસ

CRPF ની મૂળ રચના 1939 માં ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે કરવામાં આવી હતી. જે તેને સૌથી જૂના કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાંનું એક બનાવે છે (હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ તરીકે ઓળખાય છે). શરૂઆતના દિવસોમાં CRPFનું મુખ્ય કામ વિવિધ રાજ્યોમાં બ્રિટિશ નાગરિકોની સુરક્ષા કરવાનું હતું અને 10 વર્ષ પછી તેમની ભૂમિકા બદલાઈ ગઈ. ભારતની આઝાદી પછી 28 ડિસેમ્બર, 1949ના રોજ સંસદમાં પસાર કરાયેલા એક અધિનિયમ દ્વારા વર્ષ 1955માં 25 માર્ચના રોજ આ દળને નવું નામ મળ્યું, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. સીઆરપીએફના પ્રથમ ડીજી વીજી કાનેટકર હતા.

21 ઓક્ટોબર 1959ના રોજ CRPFની ચીની સૈનિકો સાથે આ દળની અથડામણ પણ થઈ હતી. ચીની સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હુમલો કર્યો હતો જેમાં તેના 10 જવાનોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. 21 ઓક્ટોબરે તેમની શહાદતને દેશભરમાં દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.

આ ઘટનાના થોડા વર્ષો પછી વર્ષ 1962માં ચીની આક્રમણ દરમિયાન ફોર્સે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાને મદદ કરી હતી. આ કાર્યવાહીમાં સીઆરપીએફના આઠ જવાનો શહીદ થયા હતા. વર્ષ 1965 અને વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં CRPF એ પશ્ચિમ અને પૂર્વીય બંને સરહદો પર ભારતીય સેના સાથે ખભેથી ખભો મીલાવીને લડત આપી હતી. પાકિસ્તાન સાથે લડ્યા પછી 70ના દાયકાના અંતમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઉગ્રવાદી જૂથો સામે કામ કરવા માટે CRPF મોકલવામાં આવી હતી.

CRPFનું માળખું અને તાકાત

આ દળનું નેતૃત્વ ડાયરેક્ટર જનરલ કક્ષાના IPS અધિકારી કરે છે. ડીજી પછી સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ અને એડિશનલ ડાયરેક્ટર જનરલ બીજા સ્તરે હોય છે. તેઓ J&K ઉત્તર-પૂર્વ, મધ્ય અને દક્ષિણમાં વેહેંયાયેલા ઝોનનું નેતૃત્વ કરે છે. અન્ય ચાર ADG અથવા SDG-સ્તરના અધિકારીઓ કામગીરી, તાલીમ, મુખ્યાલય અને એકેડેમીની દેખરેખ રાખે છે અને સીધા DGને રિપોર્ટ કરે છે. આ અધિકારીઓ લગભગ 40 આઈજીનું નેતૃત્વ કરે છે જેઓ VVIP, CoBRA વગેરે જેવા ક્ષેત્રો અને વિશિષ્ટ એકમોના પણ વડા છે.

દેશના VIP નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે દળ પાસે એક સમર્પિત VIP વિંગ છે અને સંસદ કેમ્પસને સુરક્ષિત કરવા માટે PDG અથવા સંસદ ફરજ જૂથ છે. તે વડા પ્રધાનના નિવાસસ્થાનને સુરક્ષિત કરવા માટે વિશેષ ફરજ જૂથ પણ ધરાવે છે.

હાલમાં CRPFની 246 બટાલિયન છે, જેમાં 203 એક્ઝિક્યુટિવ, 5 વીઆઈપી સિક્યોરિટી, 6 મહિલા, 15 આરએએફ, 10 કોબ્રા, 5 સિગ્નલ અને 1 સ્પેશિયલ ડ્યુટી ગ્રુપ, 1 પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ છે. આ દળમાં 43 જૂથ કેન્દ્રો, 22 તાલીમ સંસ્થાઓ, 100 બેડની 4 સંયુક્ત હોસ્પિટલો, 50 બેડની 18 સંયુક્ત હોસ્પિટલો અને 6 ફિલ્ડ હોસ્પિટલો પણ છે.

આ પણ વાંચો : Know Your Paramilitary | દેશના સૌથી જાબાઝ જવાનોનું દળ છે NSG, જાણો કેવી છે આ 'બ્લેક પેન્થર્સ'ની તાકાત

CRPFના પરાક્રમની કહાણી

જ્યારે સૈનિકોએ 21 ઓક્ટોબર 1959 ના રોજ માઈનસ સાથે થીજી ગયેલી ઠંડીમાં હોટ સ્પ્રિંગ્સમાં ચાઈનીઝ સૈનિકોના હુમલાનો સામનો કર્યો ત્યારથી CRPFના શૌર્યની કહાણી શરૂ થાય છે. આ હુમલામાં CRPFએ તેના 10 જવાનોને ગુમાવ્યા હતા. સીઆરપીએફ ઓલ-ટેરેન ફોર્સ છે. હજારો કિલોમીટર દૂર અને આ ઘટનાના લગભગ છ વર્ષ પછી CRPFની ટુકડીઓએ ગુજરાતના કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર અસાધારણ બહાદુરી બતાવી. સીઆરપીએફે ત્યારે પાકિસ્તાન સામે યુદ્ધમાં સેના સાથે લડત આપી હતી.

1965ની શરૂઆતમાં સીઆરપીએફની ચાર કંપનીઓને કચ્છના રણમાં સરહદી ચોકીઓ સ્થાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 8 અને 9 એપ્રિલની વચ્ચેની રાત્રે પાકિસ્તાન આર્મીના 3,500 જવાનોએ ભારત વિરુદ્ધ ઓપરેશન 'ડેઝર્ટ હોક' શરૂ કર્યું. જોકે, લગભગ 150 CRPF જવાનોના નાના પરંતુ બહાદુર જૂથ સામે આ કોઈ મેચ નહોતું જેમણે પાકિસ્તાની સૈનિકોને રોક્યા અને તેમના 34 જવાનોને ખતમ કર્યા.

આ બે ઘટનાઓ પછી સીઆરપીએફ પાકિસ્તાન સામેના મોરચે સક્રિય રહી. તેમની બહાદુરી દર્શાવતા અન્ય એક ઉદાહરણમાં સીઆરપેએફના જવાનોએ 13 ડિસેમ્બર 2001 ના રોજ એક પડકારજનક દિવસનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આતંકવાદીઓનું ટોળું સંસદમાં ઘૂસી ગયું અને અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું ત્યારે સંસદની સુરક્ષા સીઆરપીએફના હાથમાં હોવાથી તેના જવાનોએ વળતો ગોળીબાર કર્યો અને લગભગ 30 મિનિટ સુધી ચાલેલી અથડામણમાં તમામ પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. આ હુમલામાં એક મહિલા કોન્સ્ટેબલે પણ પોતાનો જીવ આપી દીધો હતો.

5 જુલાઈ વર્ષ 2005 ના રોજ સીઆરપીએફને ફરીથી કાર્યવાહીમાં બોલાવવામાં આવ હતી. એ વખતે પણ અયોધ્યામાં રામ જન્મભૂમિ વિસ્તારની રક્ષા કરતા સૈનિકોએ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાંચ સશસ્ત્ર આતંકવાદીઓને ખતમ કર્યા હતા.

CRPFના કુલ 2,241 જવાનોએ દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ દળને 2,309 જવાનોએ સર્વોચ્ચ ગેલેન્ટરી સન્માન પ્રાપ્ત કરવાની સાથે સૌથી વધુ સંખ્યામાં વીરતા મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે. આ જવાનોને 10 કીર્તિ ચક્ર, 35 શૌર્ય ચક્ર અને 202 રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા છે.

CRPFનું બજેટ

CRPFને વર્ષ 2022-23 માટે વર્તમાન બજેટમાં સૌથી વધુ 29,324.92 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સીઆરપીએફનું દળ સૌથી મોટું હોવાથી, CRPFને તમામ યોજનાઓ માટે મહત્તમ બજેટની ફાળવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Know Your Paramilitary | ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલીસ, 18,800 ફીટની ઊંચાઈ સુધી સુરક્ષા કરતા 'સાવજો'ની ફોર્સ

CRPFની તાલિમ

આ દળ પાસે તમામ સ્તરો માટે સૌથી વધુ સંખ્યામાં તાલીમ શાળાઓ અને એકેડમીઓ છે. ADG-સ્તરના અધિકારી જે હરિયાણાના કાદરપુરમાં CRPF એકેડેમીના વડા છે તે સીઆરપીએફની ટ્રેનિંગનું ધ્યાન રાખે છે.

સુરક્ષાની વધતી જતી જટિલતા સાથે CRPF પણ તાલીમ અભ્યાસક્રમની સતત સમીક્ષા કરે છે. તાલીમાર્થીએ 52 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરવાની હોય છે, જેમાં ફાયરિંગની તાલીમનો સમાવેશ થાય છે. જ્યારે અધિકારીઓ CRPFના IED રૂમમાં IEDs પર નોલેજ મેળવે છે. કમાન્ડો માટે તાલીમનું બીજું સ્તર છે જેમણે શારીરિક પરીક્ષણો ક્લિયર કર્યા પછી મહિનાઓ સુધી તાલીમ લેવાની હોય છે. આ કમાન્ડો પછી CRPFના વિશિષ્ટ એકમોમાં સામેલ થાય છે.

CRPFની આ તાલિમમાં જંગલમાં ટકી રહેવાની ટેકનિકલ, કોમ્બેટ ફીટનેસ, આઈઈડી કાઉન્ટર મેઝર્સ, ઈન્ટલિજન્સનું એકત્રિકરણ શીખવાડવામાં આવે છે. સીઆરપીએફના જવાનો અને અધિકારીઓને અત્યાધુનિક હથિયારો ચલાવતા શિખવાડવામાં આવે છે જેવાં કે MMG, AK-47 Assault Rifle, Light Machine Gun, 7.62 mm Light Machine Gun, X-95 Assault Rifles વગેરેનો તેમાં સમાવેશ થાય છે.
First published:

Tags: CRPF, Sarkari Naukri, કેરિયર

विज्ञापन