Gujarat Anganwadi Recruitment: ધો. 10 પાસ ઉમેદવારોની ભરતીમાં PhD અને માસ્ટર્સ કરેલા ઉમેદવારોને મળી નોકરી
Gujarat Anganwadi Recruitment: ધો. 10 પાસ ઉમેદવારોની ભરતીમાં PhD અને માસ્ટર્સ કરેલા ઉમેદવારોને મળી નોકરી
આંગણવાડીમાં ભરતી
Gujarat Government Anganwadi Recruitment: આ જગ્યાઓ માટે લઘુત્તમ લાયકાત 10 પાસ રાખવામાં આવી હતી. પરંતુ માસ્ટર્સ અને પીએચડી સુધીની લાયકાત ધરાવતી મહિલાઓને હવે આ પોસ્ટ્સ પર નિયુક્ત કરવામાં આવી છે.
Gujarat Recruitment: તાજેતરમાં જ ગુજરાતના જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) સંચાલિત આંગણવાડીમાં 49 વર્કર અને હેલ્પરની જગ્યાઓ માટે અરજીઓ (Anganwadi Recruitment) મંગાવવામાં આવી હતી. આ જગ્યાઓ માટે લઘુત્તમ લાયકાત 10 પાસ રાખવામાં આવી હતી. તાજેતરના અહેવાલ મુજબ, માસ્ટર્સ અને પીએચડી સુધીની લાયકાત ધરાવતી મહિલાઓને હવે આ પોસ્ટ્સ પર નિયુક્ત કરવામાં આવી છે.
બેરોજગારીનું ઉચ્ચતમ સ્તર
આંગણવાડીમાં આ 49 જગ્યાઓ માટે 950 મહિલાઓએ અરજીઓ મોકલી હતી. તેમાંથી 80% મહિલાઓ પાસે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હતી. એક મહિલા પાસે પીએચડી સુધીની ડિગ્રી હતી. રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધવાથી અને નોકરીઓ ન મળવાને કારણે હવે આ મહિલાઓ હેલ્પર અને વર્કરની નોકરી કરવા મજબૂર બની છે.
જૂનાગઢ જિલ્લાની સાધના મનસુખભાઇ મકવાણાએ એમએ-બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. સાધના કહે છે કે તેણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સરકારી નોકરી ન મળી શકી. હવે તેના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે તેણે વર્કર અને હેલ્પરની નોકરી સ્વીકારી છે. પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા જઇએ તો પગાર રૂ. 3000થી પણ ઓછો હાથમાં આવે છે. તેના કરતા અમે અહીં જ બાળકોની સેવા કરીએ અને અમારું પણ ગુજરાન ચલાવીએ.
ડોલી ગોવિંદભાઈ પરમારને પણ નિમણૂંક પત્ર મળી ગયો છે. તેણી કહે છે કે ગુજરાત સરકાર બેરોજગારી ઘટાડવાની વાત કરે છે. અમારા જેવા MA B.Ed લોકોને શિક્ષકની નોકરી મળતી નથી. શાળાઓમાં શિક્ષકોની અછત છે, પરંતુ ભરતી નથી થઈ રહી. આવી સ્થિતિમાં અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોય તો અમારે આંગણવાડીમાં વર્કરનું કામ કરવાની ફરજ પડી છે.
શું છે અધિકારીઓનો મંતવ્ય?
આ અંગે જ્યારે મહાનગરપાલિકાના આંગણવાડી વિભાગના ચીફ ઓફિસર વત્સલા ઓઝાલ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ માટે શિક્ષિત મહિલાઓએ જ સૌથી વધુ અરજીઓ કરી હતી. અમે મેરિટના આધારે નિયુક્તિ પત્રો આપ્ય છે. પરંતુ તે પણ યોગ્ય છે કે શિક્ષિત મહિલાઓ સાથે બાળકો રહેશે તો વધુ સારું શિક્ષણ અને સંસ્કાર મેળવી શકશે.
જણાવી દઇએ કે સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં લાખો શિક્ષિત બેરોજગાર છે. તેથી તેઓ પોતાના શિક્ષણથી પણ નિમ્ન સ્તરની નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. લાખો રૂપિયા પ્રાઇવેટ સ્કૂલો અને કોલેજો ખર્ચીને ભણવા છતાં યુવાનોને સારી નોકરી મળી રહી નથી. એવામાં યુવાનોની આ નારાજગીની કિંમત આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત સરકારને ચૂકવવી પડી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર