CBSE Term 2 Exam 2022: સીબીએસઈ હાઈસ્કૂલ અને ઇન્ટરમીડિએટની ટર્મ-2ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. સીબએસઈ ટર્મ-2ની પરીક્ષાનું આયોજન દેશની સાથે વિદેશમાં પણ કરવામાં આવી રહ્યું છે.
CBSE Term 2 Exam 2022: CBSE બોર્ડની 12મા ધોરણની ટર્મ-2ની પરીક્ષાઓ આજે 26મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 27 એપ્રિલથી શરૂ થશે. ધોરણ 10ની બીજી ટર્મની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની 15મી જૂન સુધી લેવામાં આવશે. CBSE 12મી ટર્મ-2 પરીક્ષાની શરૂઆત 'આંત્રપ્રિન્યોરશિપ બ્યુટી એન્ડ વેલનેસ' પેપરથી થઈ રહી છે. CBSE ધોરણ 10માં 75 વિષયો અને ધોરણ 12માં 114 વિષયોની પરીક્ષા લેશે. આ રીતે CBSE હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટની બીજી ટર્મમાં 189 વિષયોની પરીક્ષા લેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી (Covid-19)ને લીધે આ વખતે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી રહી છે. પહેલી ટર્મની એક્ઝામ પેટર્ન (CBSE Board Exam Pattern) ઓબ્જેક્ટિવ હતી, જ્યારે બીજી ટર્મમાં સબ્જેક્ટિવ એક્ઝામ પેટર્ન છે.
CBSEની ટર્મ-2માં કુલ 35 લાખ 40 હજાર 579નો સામેલ થશે. હાઈસ્કૂલની બીજી ટર્મની પરીક્ષા 21 લાખ 16 હજાર 209 વિદ્યાર્થીઓ આપશે. જેમાં 8 લાખ 94 હજાર 993 વિદ્યાર્થીનીઓ અને 12 લાખ 21 હજાર 195 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 14 લાખ 54 હજાર 370 વિદ્યાર્થીઓ 12માની સેકન્ડ ટર્મની પરીક્ષા આપશે. જેમાં 6 લાખ 39 હજાર 202 વિદ્યાર્થીનીઓ અને 8 લાખ 15 હજાર 162 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
CBSE ટર્મ-2ની પરીક્ષા કુલ 7 હજાર 413 કેન્દ્રો પર યોજાશે. તેમાંથી 7 હજાર 279 કેન્દ્રો ભારતમાં છે અને 133 કેન્દ્રો વિદેશમાં છે. જણાવી દઈએ કે દરેક રૂમમાં 18 વિદ્યાર્થીઓ બેસીને પરીક્ષા આપશે.
CBSE ટર્મ-2 પરીક્ષા અંગેની માર્ગદર્શિકા
- ભીડથી બચવા વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય કરતા થોડા વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું.
- એડમિટ કાર્ડ પર આપવામાં આવેલ માર્ગદર્શિકા ધ્યાનથી વાંચો અને સંબંધિત સ્થાને તમારો રોલ નંબર વગેરે લખો.
- વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન તમામ પ્રકારની કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.