નવી દિલ્હી: ઓનલાઈન બ્રોકરેજ કંપની ઝીરોધા (Zerodha)ના 2021-22નું પરિણામ શાનદાર (Zerodha results) જોવા મળ્યું છે. નાણાંકીય વર્ષ દરમિયાન ઝીરોધાનો નફો અને આવકમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. તેના નફામાં 1800 કરોડ જ્યારે રેવન્યૂ (Zerodha revenue)ના 4,300 કરોડનો વધારો થયો છે. આ જાણકારી ઝીરોધાના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ નીતિન કામત (Nithin Kamath) દ્વારા અપાઈ હોવાનું ઇકોનોમિક ટાઈમ્સનો અહેવાલ કહે છે. ઝીરોધાએ હજી સુધી નાણાંકીય વર્ષ 22ના પરિણામો કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)ને સુપરત કરવાના બાકી છે.
દૈનિક યૂઝર્સમાં વધારો
નીતિન કામતે કહ્યું, ગયા નાણાંકીય વર્ષમાં મોટી સંખ્યામાં નવા યૂઝર્સ જોડાયા હતા. બજારમાં વધઘટ થઈ હતી અને ઘણા IPO આવ્યા હતા. તેથી અમે દરરોજ વધુ સરેરાશ યૂઝર્સ જોડવામાં સફળ થયા છીએ.
કંપનીના પબ્લિક ફાઇલિંગ્સ અનુસાર, ઝીરોધાએ નાણાંકીય વર્ષ 21માં 2,729 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષે 938.5 કરોડ રૂપિયા હતી. બીજી તરફ આ સમયગાળા દરમિયાન નફામાં 164 ટકાનો તોતિંગ વધારો થયો છે, એટલે કે નફો 424 કરોડ રૂપિયાથી વધીને 1,122 કરોડ રૂપિયા થયો છે.
બજારની સુસ્તી વચ્ચે કંપની બચેલી છે!
કંપની બજારમાં સતત સુસ્તીથી પોતાને બચાવી રહી હોવાનું કામતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અમે આગામી 3-6 મહિનામાં વૃદ્ધિમાં મંદી જોઈ શકીએ છીએ. મને નથી લાગતું કે આગામી 3-6 મહિનામાં પણ કોઈ કંપની IPO લાવશે. અલબત્ત LICનો IPO આવી શકે છે.
ઝીરોધા જૂની સિસ્ટમ પરની નિર્ભરતાને દૂર કરવા પર કામ કરી રહી છે. જે અંગે કંપનીએ કહ્યું કે તે હાલમાં ઇન-હાઉસ ઓર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (OMS) વિકસાવી રહી છે, જે આવતા વર્ષના પ્રારંભમાં અમલમાં આવે તેવી અપેક્ષા છે. ઝીરોધા હાલમાં રિફાઇનિટિવ (Refinitive) જેવા થર્ડ પાર્ટી OMSનો ઉપયોગ કરે છે.
આ બાબતે કામતે કહ્યું, અમે અમારા ઉત્પાદનો પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છીએ છીએ. જો OMS પર નિયંત્રણ ન હોય તો ઇનોવેશનનો કોઈ અર્થ નથી.
ફેબ્રુઆરી 2019માં ટ્રેડિંગના સમય દરમિયાન ઝીરોધાની OMS બંધ હતી. જેથી કંપનીને રોષનો સામનો કરવો પડ્યો હતો. કંપની ઓર્ડર મેનેજમેન્ટ માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એક્સચેન્જ-અપ્રુવ્ડ OMS વેન્ડર થોમસન રોયટર્સ ઓમ્નિસની સેવાઓ લે છે. આ બાબતે કામત કહે છે કે, અમે લાંબી મજલ કાપી છે અને અમે ક્યારેય ગડબડ થઈ હોય તેવી કંપની બનવા માંગતા નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર