કોરોના (Coronavirus)કટોકટીમાં મોટાભાગની કંપનીઓએ તેમના સ્ટાફને ઘરેથી કામ કરવાની સ્વતંત્રતા આપી હતી. ત્યારે હવે વર્ક ફ્રોમ હોમ (Work From Home)સામાન્ય ચલણ તરીકે જોવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ્યારે દેશમાં રસીકરણ (Corona vaccination)રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકયું છે અને ઘણા લોકોને રસી આપવામાં આવી છે. ત્યારે કંપનીઓ હવે તેમના સ્ટાફને ઓફિસે આવવાનું કહી રહી છે. કર્મચારીઓને અઠવાડિયામાં 2-3 દિવસ વર્ક ફ્રોમ હોમ અને 2-3 દિવસ વર્ક ફ્રોમ ઓફીસની હાઈબ્રીડ સ્ટાઈલમાં કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને ઓફીસ બોલાવનાર કંપનીઓમાં TCS, Wipro, Apple જેવી ઘણી મોટી કંપની સામેલ છે.
વિપ્રો (Wipro)
કોરોના મહામારીમાં 18 મહિનાના સુધી વર્ક ફ્રોમ હોમ કર્યા બાદ સોમવારથી કંપનીના લીડર્સ ફરી ઓફિસે આવશે તેવી જાહેરાત વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ કરી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, 18 લાંબા મહિના પછી અમારા લીડર્સ આવતીકાલથી (અઠવાડિયામાં બે વાર) શરૂ થતી ઓફિસમાં પાછા આવી રહ્યા છે. બધાને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. બધા સોશિયલ ડિસ્ટન્સ માટે તૈયાર છે. તેમણે કોરોના સામે રાખવામાં આવતી તકેદારીનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં બતાવાયું છે કે, વિપ્રોની ઓફીસમાં ટેમ્પરેચર ચેક અને QR કોડ સ્કેન કરવા જેવા પ્રોટોકોલ જળવાય છે.
ઉલ્લેખનીય છે કે, પ્રેમજીએ તા.14ના રોજ મળેલી કંપનીની વાર્ષિક જનરલ બેઠકમાં કંપનીના 55 ટકા કર્મચારીઓને રસી અપાઈ ચૂકી હોવાનો દાવો કર્યો હતો. અત્યારે વિપ્રોમાં 2 લાખ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
ટીસીએસ (TCS)
દેશની સૌથી મોટી આઇટી સર્વિસ કંપની TCSએ કહ્યું હતું કે, તેના 50 લાખ સ્ટાફમાંથી 80 ટકા સ્ટાફ 2021ના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ઓફિસ આવવાની તૈયારી કરી રહ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તેના 90 ટકા સ્ટાફને રસી આપવામાં આવી છે. TCSના CEOએ પણ અગાઉ સ્ટાફને ઓફિસમાં બોલાવી શકાય તેવા સંકેત આપ્યા હતા.
ઓફિસમાં પાછા બોલાવવામાં આવનાર મોટા ભાગના કર્મચારીઓને સંપૂર્ણ રસી આપવામાં આવી હશે. TCS કર્મચારીઓને ઓફિસોમાં પાછા બોલાવીને અન્ય ટોચની આઇટી કંપનીઓ માટે નવો રાહ ચીંધી શકે છે. ભારતના 4.6 મિલિયન આઇટી કર્મચારીઓ પૈકીના 10 ટકાથી વધુ કર્મચારીઓ TCSના છે. TCS તેના 80-90 ટકા કર્મચારીઓને ઓફિસેથી કામ કરવા માટે કહેવાનો પ્લાન બનાવી રહ્યું છે.
ઇન્ફોસિસ (Infosys)
ઇન્ફોસિસ પણ TSCની જેમ ઓફીસ ફરી શરૂ કરવાની વિચારણામાં છે. કંપની મહામારીની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાની યોજના ઘડે છે. તે માટે 2.6 લાખ કર્મચારીઓની સલામતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મહામારીની બીજી લહેર પછી કેસ નિયંત્રિત થયા છે અને સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ બાબતે કંપનીએ જણાવ્યું હતું કે, અમને કેટલાક વિભાગોએ તેમની ટીમના સભ્યોને ઇન્ફોસિસ કેમ્પસમાંથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી કરી છે. આ ઉપરાંત અમારા કેટલાક કર્મચારીઓ પણ વ્યક્તિગત ધોરણે ઓફિસમાંથી કામ શરૂ કરવાનું કહી રહ્યા છે.
એસસીએલ ટેક (HCL Tech)
HCL ટેક દ્વારા પણ હરીફ કંપનીઓની જેમ કર્મચારીઓને ઓફિસે બોલાવી કામ કરાવવા માંગે છે. HCL ટેક્નોલોજીના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર (CHRO) અપ્પારાવ વી વીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં લગભગ 3 ટકા કર્મચારીઓ ઓફીસે આવી રહ્યા છે. જ્યારે અન્ય કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું છે.
વધુમાં CHROએ ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપની તેના 100 ટકા કર્મચારીઓને રસી આપવાની અપેક્ષા રાખતી હોવાનું પણ કહ્યું છે. હાલમાં તેના લગભગ 74 ટકા કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. HCL ટેકએ જણાવ્યું હતું કે જૂન 2021ના ક્વાર્ટરના અંતે કંપનીમાં 1,76,499 કર્મચારીઓ હતા. બ્રીફિંગ દરમિયાન અપ્પારાવ વી વીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કંપનીએ વૈશ્વિક સ્તરે 14,600 ફ્રેશર્સ ભરતી કર્યા હતા.
નાગરો (Nagarro)
કર્મચારીઓને તેની ઓફિસે બોલાવી કામ કરવાનું કહેનાર કંપનીમાં નાગરો પણ સામેલ છે. કંપનીએ તેના કર્મચારીઓ માટે ગુડગાંવ ઓફિસ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેની લિંક્ડિન પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, વર્ક ફ્રોમ હોમ કર્યાના 18 મહિના પછી અંતે કર્મચારીઓ જેની રાહ જોતા હતા તે સમય આવી ગયો છે.
નાસ્કોમ (Nasscom)
બિન-સરકારી વેપાર સંગઠન નાસ્કોમ દ્વારા પણ હાઇબ્રિડ વર્ક મોડેલને સ્વીકારાયું છે. 1.5 વર્ષના બાદ તે પણ ઓફીસ ખોલવાની તૈયારી કરે છે. કંપનીએ કેટલાક કડક કોવિડ પ્રોટોકોલ મૂક્યા છે અને ઓફિસમાં ફક્ત 30 ટકાથી ઓછા ઓક્યુપન્સીની મંજૂરી આપશે. આ સિવાય કોન્ટેક્ટલેસ સોલ્યુશન્સ, વેન્ટિલેશનમાં વધારો, સોશિયલ ડિસ્ટન્સ જેવા તકેદારી પણ જાળવવા આવશે.
એપલ (Apple)
હવે એપલ પણ ચાલું મહિનાથી હાઇબ્રિડ ધોરણે કર્મચારીઓ માટે પોતાની ઓફિસો ખોલવાની તૈયારી કરી રહી છે. એપલના સીઇઓ ટિમ કૂકે જૂન 2021માં મોડેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે મુજબ કંપની તેના કર્મચારીઓએ ત્રણ દિવસ ઓફિસથી કામ કરાવવા માંગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર