નિષ્ણાતોનું માનવું છે આજે પણ બજાર હનુમાન કુદકો મારવા માટે તૈયાર છે આ સાથે જ ભારતીય શેરબજારના ઇતિહાસમાં નવું પાનું જોડાશે.
BSE Sensex may cross 63 thousand Mark: ભારતીય શેરબજાર આજે પણ વૈશ્વિક દબાણને અવગણીને હનુમાન કુદકો મારવા માટે તૈયાર છે. જો આજે પણ બજાર તેજીની દોડ લગાવશે તો ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક ક્ષણ આવી શકે છે જ્યારે સેન્સેક્સ પહેલીવાર 63 હજારનું સ્તર પાર કરે.
મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) આ સપ્તાહમાં સતત બજાર તેજીનો હનુમાન કુદકો મારવા માટે તૈયાર છે. વૈશ્વિક માર્કેટમાં ઘટાડા અને દબાણ છતાં ભારતીય રોકાણકારો આશાઓથી ભરેલા છે અને તેઓ પૂરા જોર સાથે ખરીદી કરી રહ્યા છે. જેનું પરિણામ છે કે બજાર દરરોજ નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. જોકે એક્સપર્ટનું માનવું છે કે આજે પણ શરુઆતના કારોબારમાં થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ રોકાણકારોના સેન્ટિમેન્ટની વાત કરીએ તો તે પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તેવામાં આજે સેન્સેક્સ ઈતિહાર રચી શકે છે અને 63 હજારના આંકડાના પાર કરી શકે છે.
અગાઉના સત્રમાં સેન્સેક્સ 177 પોઈન્ટ વધીને 62,682 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 55 પોઈન્ટ વધીને 18,618 પર પહોંચી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આજના કારોબારમાં પણ વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઘટાડાનો પ્રભાવ ભારતીય બજાર પર જોવા મળી શકે છે. પરંતુ, અહીં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે હકારાત્મક દેખાઈ રહ્યું છે, જેઓ ખરીદીનો આગ્રહ કરી રહ્યા છે. આજે પણ જો આ સેન્ટિમેન્ટ જળવાઈ રહે તો સેન્સેક્સ 63 હજારનો આંકડો સરળતાથી પાર કરી જશે.
અમેરિકાના બજારની સ્થિતિ
યુ.એસ.માં ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રોકાણકારો સાવધ દેખાઈ રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના તમામ મોટા સ્ટોક એક્સચેન્જમાં નબળાઈ જોવા મળી રહી છે. S&P 500 0.16 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ 0.01 ટકા વધ્યો હતો, તો NASDAQ 0.59 ટકા નીચે હતો.
બીજી તરફ યુરોપના મોટાભાગના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વધારો જોવા મળ્યો હતો. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ 0.19 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું પરંતુ ફ્રેન્ચ શેરબજારમાં 0.06 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ 0.51 ટકાના વધારા સાથે બંધ થયું હતું.
એશિયન બજારો મિશ્ર
એશિયાના શેરબજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સિંગાપોરના સ્ટોક એક્સચેન્જમાં 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.74 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં પણ 0.35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ તરફ તાઇવાનનું શેરબજાર આજે 0.12 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.51 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
નિષ્ણાતોના મતે આજના કારોબારમાં આવા ઘણા શેર છે જેના પર રોકાણકારોની નજર રહેશે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક કહેવામાં આવે છે. આજે આ કેટેગરીના શેરોમાં ICICI બેંક, HDFC, HDFC બેંક, HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને બોશ જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.
વિદેશી રોકાણકારો ભારતીય બજાર તરફ વળ્યા
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા નાણાંનું રોકાણ કરવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,241.57 કરોડના શેરની ખરીદી કરી હતી. દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 744.42 કરોડના શેર ખરીદ્યા હતા. જેના કારણે બજાર વૈશ્વિક દબાણને અવગણીને નવા ઓલ ટાઈમ હાઈ તરફ ઉછળ્યું હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર