Home /News /business /PM બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા વસૂલી લે : વિજય માલ્યા

PM બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા વસૂલી લે : વિજય માલ્યા

વિજય માલ્યા (ફાઇલ તસવીર)

    લંડન : ભારત પરત આવવાથી ડરી રહેલા ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાની બેચૈનીમાં સતત વધારો થઈ રહ્યો છે. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંકોને કેમ નથી કહેતા કે તેઓ મારી પાસેથી પૈસા લઈ લે. માલ્યાના જણાવ્યા પ્રમાણે તેણે સેટલમેન્ટની ઓફર આપી દીધી છે. ગુરુવારે સવારે માલ્યાએ પોતાના બચાવમાં વધુ એક ટ્વટિ કર્યું છે.

    નોંધનીય છે કે લોકસભામાં પીએમ મોદીએ નામ લીધા વગર માલ્યા પર હુમલો કર્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે 'જે લોકો દેશમાંથી ભાગી ગયા છે તેઓ ટ્વિટર પર રડી રહ્યા છે કે હું તો નવ હજાર કરોડ રૂપિયા લઈને નીકળ્યો હતો પરંતુ મોદીજીએ તો મારા 13 હજાર કરોડ જપ્ત કરી લીધા છે.'

    માલ્યાએ પીએમ મોદીની આ જ વાતનો ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. માલ્યાએ લખ્યું કે, "પીએમના છેલ્લા ભાષણ અંગે મને જાણ થઈ છે. તેઓ બહુ સારા વક્તા છે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે એક વ્યક્તિ રૂ. નવ હજાર કરોડ લઈને ભાગી ગયો છે. તેમનો ઈશારો મારા તરફ હતો. હું ખૂબ જ આદર પૂર્વક પીએમ મોદીને પૂછવા માંગું છું કે તેઓ બેંકોને મારી પાસેથી પૈસા લઈ લેવાનું શા માટે નથી કહેતા. આનાથી પબ્લિક ફંડની રિકવરી થઈ જશે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં પહેલા જ સેટેલમેન્ટની ઓફર આપી દીધી છે."

    નોંધનીય છે કે કિંગફિશરના માલિક વિજય માલ્યાના ભારત પરત લાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. માલ્યાના ભારત પરત મોકલવાને લઈને બ્રિટનના ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

    માલ્યાએ વિવિધ બેંકોને આશરે 9400 કરોડની ચુકવણી કરવાની બાકી છે. માલ્યા સામે 17 બેંકોના કોન્સોર્ટિયમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. માલ્યા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ક્રૂડની કિંમત વધવાને લીધે, વધારે ટેક્સ અને ખરાબ એન્જીનને કારણે કિંગફિશર એરલાઇન્સે રૂ. 6107 કરોડની ખોટ સહન કરવી પડી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Kingfisher, Mehul Choksi, Nirav Modi, UK, Vijay Mallya, વડાપ્રધાન

    विज्ञापन
    विज्ञापन