Home /News /business /ATM ક્લોન કરનારા શા માટે રાત્રે 11:50 વાગ્યે જ ઉપાડે છે પૈસા?

ATM ક્લોન કરનારા શા માટે રાત્રે 11:50 વાગ્યે જ ઉપાડે છે પૈસા?

પ્રતિકાત્મક તસવીર

ઓનલાઇન પેમેન્ટ કરવા માટે સુરક્ષિત વેબસાઈટનો જ ઉપયોગ કરો. જે વેબસાઇટની શરૂઆતમાં https લખ્યું હોય છે તેને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે.

નવી દિલ્હીઃ એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને પૈસા ઉપાડી લેવાની ઘટનામાં ખૂબ વધારો થયો છે. મોટાભાગના કેસમાં કાર્ડ ક્લોનિંગ કરનાર લોકો પ્રથમ ટ્રાન્ઝેક્શન 11:50ની આસપાસ કરતા હોય છે. બીજું ટ્રાન્ઝેક્શન રાત્રે 12 વાગ્યે કરવામાં આવે છે. જે બીજા દિવસમાં કાઉન્ટ થાય છે. જેનાથી રાત્રે ઉંઘી રહેલા લોકોને પોતાનું બેંક ખાતું સાફ થઈ ગયાની જાણકારી સવારે મળે છે. જોકે, ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચુક્યું હોય છે.

રાત્રે 11:50 વાગ્યે જ શા માટે કરે છે ટ્રાઝેક્શન?

એટીએમ ક્લોન કરીને પૈસા ઉપાડી લેવાની મોટાભાગની ઘટનાઓ રાત્રે જ બને છે. હેકર્સ રાત્રે 11:50થી 12:15ની વચ્ચે મોટાભાગના ટ્રાન્ઝેક્શન કરે છે. હકીકતમાં એટીએમમાં દૈનિક પૈસા ઉપાડવાની ચોક્કસ મર્યાદા હોય છે. સામાન્ય રીતે એક દિવસમાં એટીએમમાંથી રૂ. 25થી લઈને 50 હજાર સુધીની રકમ ઉપાડી શકાતી હોય છે. એવામાં હેકર્સ વધારે પૈસા ઉપાડવા માટે આ ટ્રીકનો ઉપયોગ કરે છે. આ માટે પ્રથમ ટ્રાન્ઝેક્શન 12 વાગ્યા પહેલા અને બીજું ટ્રાન્ઝેક્શન 12 વાગ્યા પછી કરવામાં આવે છે. જેનાથી પૈસા ઉપાડવાની બંને એન્ટ્રી અલગ અલગ દિવસમાં પડે છે. એટલું જ નહીં મોટાભાગના લોકો એ સમયે ઉંઘી રહ્યો હોય છે આથી તેમને પૈસા ઉપડી ગયાની જાણ પણ નથી થતી હોતી.

કેવી રીતે ચોરી થાય છે ડેટા?

સાઇબર નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, એટીએમ કાર્ડથી ડેટાની ચોરી કરવા માટે એક નાના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડિવાઇસનું નામ સ્કીમર છે. હેકર્સ આ સ્કીમર મશીને એટીએમમાં લાગેલા કાર્ડ રિડરની ઉપર લગાવી દે છે. એટીએમમાં આવનાર વ્યક્તિ જ્યારે કાર્ડ ઇન્સર્ટ કરે છે ત્યારે તેના કાર્ડનો ડેટા સ્કીમરમાં આવી જાય છે. આ સ્કીમર જોવામાં બિલકુલ એટીએમના સ્લોટ જેવું જ લાગે છે. આ માટે જ સામાન્ય લોકોને એટીએમમાં લાગેલા સ્કીમરની અંગે જાણ થતી નથી.



એટીએમ કાર્ડનું ક્લોનિંગ ક્યાં થાય છે?

પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, હોટલ, એવી દુકાનો જ્યાં ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ સ્વીકારવામાં આવે છે ત્યાં સ્કીમરની મદદથી ગુપ્ત ડેટાની ચોરી કરી લેવામાં આવે છે. આ ડિવાઇસ એટલું નાનું હોય છે કે હેકર્સ તેને પોતાના ખિસ્સામાં રાખીને પણ ફરી શકે છે. આ માટે જ કાર્ડથી ચુકવણી કરતી વખતે તમારે ખૂબ જ એલર્ટ રહેવું જોઈએ.

સીસીટીવીમાંથી ચોરી કરે છે પિન

સ્કીમરથી ડેટાની ચોરી કરી લીધા બાદ પૈસા ઉપાડવા માટે હેકર્સને તમારા ચાર આંકડાના એટીએમ કે ક્રેડિટ કાર્ડના પિન નંબરની પણ જરૂરિયાત રહે છે. આ પિન નંબર વગર તેઓ ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. આ માટે હેકર્સ બૂથની અંદર એક છૂપો કેમેરો લગાવે છે, જેનું ફોકસ કીપેડ પર રહે છે. યુઝર્સ જ્યારે કીપેડમાં નંબર દાખલ કરે છે ત્યારે તે છૂપા કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે.



ફ્રૉડથી બચવા શું કાળજી રાખશો?

1) નિષ્ણાતો કહે છે કે એટીએમ મશીનમાં કાર્ડ ઇન્સ્ટોલ કરતા પહેલા હોલ્ડરને હલાવીને ચેક કરી લેવું. સ્કીમર લાગેલું હશે તો તે નીકળી જશે. એટીએમ મશીનનો ઉપયોગ કરતા પહેલા તેના કેન્સલ બટનને પણ દબાવીને ચેક કરી શકો છો કે તે દબાઈ રહ્યું છે કે નહીં.

2) એટીએમમાં રૂપિયા કાઢતા પહેલા જો કોઈ વ્યક્તિ તમારી પાછળ આવીનું ઉભું રહી જાય તો તમે તેને બહાર જવાનું કહો. એટીએમમાં પૈસા કાઢવા માટે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લો. જરૂર પડે તો એટીએમ પર તહેનાત ગાર્ડની મદદ લો.

3) ગાર્ડ વગરના અથવા વેરાન જગ્યા પર લાગેલા એટીએમ મશીનનો ઉપયોગ ન કરો. એટીએમમાંથી રૂપિયા કાઢતી વખતે અને કાર્ડથી ખરીદી કરતી વખત તમારો પાસવર્ડ છૂપાવીને દાખલ કરો.

4) પેટ્રોલ પંપ, હોટલ, દુકાન, રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ તમારી સામે જ કાર્ડ સ્વાઇપ કરાવો. જો તમારું એટીએમ કાર્ડ કાળા રંગની મેગ્નેટિક સ્ટ્રિપ વાળું છે તો તમારી બેંકમાં જઈને બદલી લો. બેંક તરફથી ચીપ સાથેના કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

5) મહિનામાં એક વખત ઓનલાઇન બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ અથવા પિન જરૂર બદલી નાખો. તમારા નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિડ કાર્ડનો પાસવર્ડ કે ઓટીપી કોઈ સાથે શેર ન કરો.

6) ફોન ઉપર કોઈને પણ તમારા બેંક ખાતા કે કાર્ડ સંબંધિત કોઈ માહિતી આપશો નહીં.

7) ઓનલાઇન પેમેન્ટ કરવા માટે સુરક્ષિત વેબસાઈટનો જ ઉપયોગ કરો. જે વેબસાઇટની શરૂઆતમાં https લખ્યું હોય છે તેને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે.

8) કાર્ડ અથવા ઇન્ટરનેટ હેકિંગના કેસમાં તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો. સાથે જ સાઇબર સેલને પણ જાણ કરો. તાત્કાલિક ફરિયાદ કરવા પર રકમ પરત મળવાની સંભાવના 80 ટકા સુધી હોય છે.
First published:

Tags: ATM FRAUD, Fraud, Hackers, Net Banking, એટીએમ