નવી દિલ્હીઃ વિક્રમ કિર્લોસ્કરના નિધન (Vikram Kirloskar Death) બાદ કિર્લોસ્કર ગ્રુપે (Kirloskar Group) કંપનીની કમાન માનસી ટાટા (Who is Mansi Tata)ને સોંપી દીધી છે. કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે (Kirloskar Systems Pvt. Ltd) માનસી ટાટાની નિમણૂંક વિશે માહિતી આપી હતી. કંપનીએ કિર્લોસ્કર જોઇન્ટ વેન્ચર બોર્ડના અધ્યક્ષ તરીકે માનસીની નિમણૂંક કરી છે. કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે (KSPL) આજે માહિતી આપી હતી કે, માનસી ટાટાને તાત્કાલિક અસરથી કંપની સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે, તેમનું એકમાત્ર સંતાન માનસી આ કંપનીનું નેતૃત્વ કરી શકે છે.
આ નિમણૂંક બાદ માનસી ટાટા ટોયોટા એન્જિન ઇન્ડિયા લિમિટેડ (TIEI), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ (KTTM), ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (TMHIN) અને દેનો કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (DNKI)ની જવાબદારી સંભાળશે. પુત્રી માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
32 વર્ષીય માનસી પિતાની કંપનીમાં પહેલેથી જ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. તેમણે અમેરિકાની રોડે આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે કંપનીમાં પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2019માં તેણે નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. માનસીને બિઝનેસ ઉપરાંત પેઇન્ટિંગનો પણ ખૂબ શોખ રહ્યો છે. 13 વર્ષની ઉંમરે તેમણે પોતાનું પહેલું એક્ઝિબિશન યોજ્યું હતું. આ સિવાય તેને સ્વિમિંગનો ખૂબ શોખ છે. તમને જણાવી દઈએ કે માનસી અને તેનો પરિવાર ખૂબ જ સાદગીથી જીવન જીવે છે. ટાટા પરિવારની વહુ હોવા છતાં તે લો પ્રોફાઈલ લાઈફ જીવે છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના રોજ 64 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ફોર્ચ્યુનર અને ઇનોવા જેવી કાર ઉત્પાદક કંપની ટોયોટાને ભારતમાં લાવવાનો શ્રેય વિક્રમ કિર્લોસ્કરને જાય છે. 1997માં તેમણે ટોયોટા સાથે ડીલ કરી હતી, ત્યારબાદ જાપાની કાર બનાવતી કંપનીએ ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
રતન ટાટા સાથે ખાસ સંબંધ
રતન ટાટા અને વિક્રમ કિર્લોસ્કર વચ્ચે ખાસ અને ઊંડો સંબંધ છે. બંને બિઝનેસમાં હરીફ હોવા છતાં બંને વચ્ચે ખાસ મિત્રતા અને સંબંધ હતો. વિક્રમની પુત્રી માનસીના લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે થયા છે. વર્ષ 2019માં બંનેએ અત્યંત સાદગીથી લગ્ન કર્યા હતા. કિર્લોસ્કર ગ્રૂપની કિર્લોસ્કર બ્રધર્સ (KBL), કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KIL), કિર્લોસ્કર ફેરરામ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KFIL), કિર્લોસ્કર ઓઇલ એન્જિન લિમિટેડ (KOIL), કિર્લોસ્કર ન્યુમેટિક કંપની લિમિટેડ (KPCL), કિર્લોસ્કર ઇલેક્ટ્રિક લિમિટેડ (KCL), એનવીર ઇલેક્ટ્રોડાઇન લિમિટેડ અને જીજી દાંડેકર મશીન વર્ક્સ લિમિટેડ શેર બજારમાં લિસ્ટેડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર