પેટ્રોલ-ડીઝલ અને હવે ગેસના સિલિન્ડરના ભાવ સામાન્ય જનતાને રડાવી રહ્યાં છે અને સૌની આસ સરકાર પર મંડાયેલી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ ઘટાડે અને રાહત આપે. પરંતુ, મોટા ભાગના રાજ્યોએ હાથ ઉંચા કરીને કોરોનાકાળમાં આવક નીચી રહી હોવાનું કહીને કેન્દ્ર સરકાર પર ઠીકરું ફોડ્યું છે. જેને લઈને સ્થિતિ કાબૂ બહાર જતા પેટ્રોલ અમુક રાજ્યોમાં 100 રુપિયાને પાર પહોંચ્યું છે.
નિર્મલા સીતારમણ દ્વારા ભાવ ક્યારે ઘટશે તે જણાવવું ધર્મસંકટ હોવાનું નિવેદન આપ્યા બાદ આજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, હાલમાં શિયાળાની મોસમ છે અને શિયાળામાં સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલની માંગ વધુ હોય છે. તેથી હાલ વૈશ્વિક સ્તરે ભાવ ઉંચા હોવાથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. પરંતુ ટૂંક સમયમાં શિયાળાની સીઝન ઉતરશે અને ગરમીની સીઝનમાં ભાવ ઘટવાનો આશાવાદ મોદી સરકારના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વ્યકત કર્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાના કારણે ગ્રાહકો પણ પ્રભાવિત થયા છે. શિયાળો જતા જ કિંમતો થોડીક નીચે આવી જશે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બાબત પર નિર્ભર છે. માંગમાં વધારો થવાને કારણે ભાવ વધારે છે. સામાન્ય રીતે શિયાળામાં આ જ પરિસ્થિતિ હોય છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો વૈશ્વિક સપ્લાય ઘટાડાને કારણે આવ્યો છે. પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશો(OPEC)ને નોન-ઓપેક સંગઠનને વિનંતી કરી છે કે, સપ્લાય વધારવામાં આવે અને ભાવને કાબૂમાં લેવામાં આવે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ અને નાયમેક્સ ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. કોરોના મહામારીને કારણે વૈશ્વિક પુરવઠો ઘટાડવામાં આવ્યો હતો. પરંતુ હાલ માંગ વધતા પુરવઠો તે મુજબનો વધારવામાં નથી આવ્યો, તેમ કહી પ્રધાને હાથ ખંખેરી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર