હાલમાં જ મેટા ઇન્ડિયાના હેડ અજીત મોહને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું અને હવે વોટ્સએપના ઇન્ડિયા હેડ અભિજીત બોસ અને મેટાના પબ્લિક પોલિસી પ્રમુખ રાજીવ અગ્રવાલ તરફથી રાજીનામુ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે હાલમાં જ કંપની દ્વારા દુનિયાભરમાં પોતાના 11 હજાર કર્મચારીઓને છટણી કરવામાં આવી હતી.
વોટ્સએપ ઇન્ડિયાના હેડ અભિજીત બોસ (Abhijit Bose) અને મેટા પબ્લિક પોલિસીના વડા રાજીવ અગ્રવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા કંપની મેટાએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી.
આ એક સપ્તાહમાં કંપનીએ વિશ્વભરમાં 11,000 કર્મચારીઓને છૂટા કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ હવે મેટા ઈન્ડિયા પબ્લિક પોલિસીની જવાબદારી શિવનાથ ઠુકરાલને આપી છે, જેઓ હાલમાં ભારતમાં WhatsAppની પબ્લિક પોલિસીના ડિરેક્ટર છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અભિજિત બોસના રાજીનામા બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં વોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે કહ્યું, હું અભિજિત બોસના વોટ્સએપના પ્રથમ ભારતીય વડા તરીકે તેમના જબરદસ્ત યોગદાન માટે આભાર માનું છું. તેઓએ અમારી ટીમને નવી સર્વિસની ડિલિવરી પહોંચાડવામાં મદદ કરી છે, જેનાથી લાખો લોકો અને વ્યવસાયોને ફાયદો થયો છે. હજુ પણ WhatsApp ભારત માટે ઘણું બધું કરી શકે છે અને અમે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છીએ.
બોસ ફેબ્રુઆરી 2019માં ભારતમાં કંપનીના પ્રથમ પ્રમુખ તરીકે WhatsAppમાં જોડાયા હતા. બોસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આ અઠવાડિયું તમામ વોટ્સએપ ટીમો માટે મુશ્કેલ રહ્યું છે. તેમણે કહ્યું કે થોડા અંતરાલ પછી તેઓ એન્ટરપ્રેન્યોરની દુનિયામાં ફરી જોડાશે. ઠુકરાલ હવે ભારતમાં Facebook, Instagram અને WhatsApp માટે જાહેર નીતિની બાબતોના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
તાજેતરમાં મેટાએ કહ્યું હતું, કે ભારતમાં તેના પ્રમુખ અજીત મોહને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે ફેબ્રુઆરીથી મેટાના હરીફ સ્નેપ સાથે જોડાશે.
આ સાથે રાજીવ અગ્રવાલના રાજીનામા પર કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું કે, તેમણે નવી તકની શોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે આવી સ્થિતિમાં તે આગળ શું પગલું ભરે છે. દરેકની નજર આના પર હશે. ગત વર્ષે તેમણે ભારતમાં ડિજિટલ સમાવેશને વધારવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.
ભૂતપૂર્વ ટેલિવિઝન પત્રકાર શિવનાથ ઠુકરાલને રાજીવ અગ્રવાલના સ્થાને તમામ મેટા પ્લેટફોર્મ માટે જાહેર નીતિના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ વોટ્સએપમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક પોલિસીના હોદ્દા પર હતા. ઠુકરાલ 2017થી પબ્લિક પોલિસી ટીમનો ભાગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર