Home /News /business /Digital Currency: RBIની ડિજિટલ કરન્સી આવ્યા પછી હાલની પેમેન્ટ એપ્સનું શું થશે?
Digital Currency: RBIની ડિજિટલ કરન્સી આવ્યા પછી હાલની પેમેન્ટ એપ્સનું શું થશે?
ડિજિટલ રુપિયાનો ઉપયોગ શરું થતાં જ તમારા ફોનમાં રહેલી અન્ય ઓનલાઈન પેમેન્ટ એપ્સનું શું થશે?
Digital Currency RBI: આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી લાવવાના સમાચાર આવ્યા બાદ મોટાભાગના લોકોને પ્રશ્ન છે કે જો આ ડિજિટલ રુપિયા માર્કેટમાં ચાલશે અને તેના માટે અલગથી બેંકિંગ એપ્સ હશે તો હાલની યુપીઆઈ અને અન્ય ડિજિટલ પેમેન્ટ એપ્સનું શું થશે? આવો સમજીએ કે શું ફરક પડશે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 1 ડિસેમ્બર, 2022 ના રોજ રિટેલ ડિજિટલ રૂપિયા માટે પ્રથમ પાયલોટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC તરીકે ઓળખાય છે. ડિજિટલ ચલણને બજારની લેવડદેવડમાં દાખલ કરવા અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક દ્વારા અપનાવવામાં આવેલો આ એક માર્ગ છે. ડિજિટલ કરન્સીને લઈને દરેકના મનમાં અનેક સવાલો છે. આવી જ કેટલીક બાબતો અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.
નિષ્ણાતો કહે છે કે ડિજિટલ રૂપિયો વર્તમાન ચુકવણી પદ્ધતિઓનો હરીફ નથી, પરંતુ ચુકવણીની નવી પદ્ધતિ છે. પરંપરાગત ડિજિટલ વ્યવહારો કરતાં આ વધુ અનુકૂળ રહેશે, જેમાં તમારી બેંકમાંથી ડિજિટલ રૂપિયા ખરીદવા અને પછી વૉલેટ-ટુ-વૉલેટ વ્યવહારો કરવાનો સમાવેશ થાય છે. તે બ્લોકચેન પર ડિજિટલ ટોકન સ્વરૂપમાં ચલણ છે.
બેંકને સામેલ કર્યા વિના વ્યવહારો કરી શકાશે
ડિજિટલ ચલણ UPI કરતા ઘણું અલગ છે જે તમારા બેંક ખાતામાંથી લેણદેણના વ્યવહારો કરે છે. રિટેલ CBDC દ્વારા તમે કોઈપણ બેંકને સામેલ કર્યા વિના વ્યવહાર કરી શકશો. ડિજિટલ ચલણ ભૌતિક ચલણ જેટલું જ મૂલ્ય ધરાવતું હશે. રિટેલ ડિજિટલ ચલણને બે સ્તરોમાં વહેંચવામાં આવશે. પ્રથમ તબક્કામાં, આરબીઆઈ ચાર કોમર્શિયલ બેંક; સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકને ડિજિટલ રૂપિયાનું વિતરણ કરશે. આ પછી, આ બેંકો ગ્રાહકોને ચલણનું વિતરણ કરશે. મોબાઈલ ફોન માટે ઉપલબ્ધ આ સહભાગી બેંકોના ડિજિટલ વોલેટ દ્વારા તમે ડિજિટલ રૂપિયાથી વ્યવહારો કરી શકશો.
આરબીઆઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ડિજિટલ ચલણ દ્વારા, તમે વ્યક્તિથી વ્યક્તિ (P2P) અને વ્યક્તિથી વેપારી (P2M) બંને વ્યવહારો કરી શકશો. QR કોડનો ઉપયોગ કરીને વેપારીને ચુકવણી કરી શકાય છે. તેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. બીજા તબક્કામાં, વધુ ચાર બેંકો જેમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક પાયલોટ પ્રોજેક્ટમાં જોડાશે. પાયલોટ પ્રોજેક્ટની શરૂઆતમાં ચાર શહેરો મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરને આવરી લેશે અને બાદમાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલા સુધી વિસ્તરણ કરવામાં આવશે.
ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા માટેના નિયમો પર હજુ પણ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે ઉપલબ્ધ છે તે એ છે કે આ કરન્સી ડિજિટલ વૉલેટમાં સંગ્રહિત થશે, જેને વ્યક્તિના આધાર નંબર સાથે લિંક કરી શકાય છે. ડિજિટલ રૂપિયાને RBIનું સમર્થન મળશે એટલે કે તેનું મૂલ્ય ભૌતિક રૂપિયા જેટલું જ હશે. ડિજિટલ ચલણનો ઉપયોગ સામાન્ય ચલણની જેમ જ વસ્તુઓ ખરીદવા અને સેવાઓ માટે ચૂકવણી કરવા થઈ શકે છે. આ સિવાય મોબાઈલ ફોનની મદદથી એક વ્યક્તિથી બીજાને અથવા કોઈપણ વેપારીને ડિજિટલ રૂપિયા દ્વારા પેમેન્ટ કરી શકાય છે.
ડિજિટલ કરન્સીથી ખર્ચ ઘટવાની અપેક્ષા
ડિજીટલ કરન્સીથી લેવડ-દેવડ કરવા માટે વચેટિયાઓની જરૂર રહેશે નહીં. આનાથી ડિજિટલ કરન્સી સાથેના વ્યવહારોની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. તેનાથી વ્યાપારિક લેણદેણ પર લેવામાં આવતી ફીની પણ બચત થશે. જોકે હાલમાં સ્થાનિક ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિજિટલ કરન્સી લાગુ કરવામાં આવી રહી છે, પરંતુ રિઝર્વ બેંક ટૂંક સમયમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે કામ શરૂ કરે તેવી અપેક્ષા છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર