સતત ઉતાર-ચઢાવ સામે ઝઝૂમતા શેર બજાર માટે રોકાણકારોની યોજના શું હોઈ શકે? જાણો બધું જ
સતત ઉતાર-ચઢાવ સામે ઝઝૂમતા શેર બજાર માટે રોકાણકારોની યોજના શું હોઈ શકે? જાણો બધું જ
ભારતીય શેર બજાર
Indian Stock Market: ટૂંકા ગાળામાં યુક્રેન અને રશિયાનો તણાવ સૌથી મોટી ચિંતાનો વિષય છે. જોકે, હુમલાના પહેલા દિવસે બજારમાં જે ઉથલપાથલ મચી હતી તે હવે દૂર થઇ ચૂકી છે.
નવી દિલ્હી: જે દિવસે સવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલાની (Russia-Ukraine War) જાહેરાત કરી હતી, ત્યારથી ભારતીય શેરબજારોમાં (Indian Stock Market) દિવસભર ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને શેર બજારના સંવેદનશીલ સૂચકાંકોમાં 5-5%નો ઘટાડો થયો હતો. જે છેલ્લા બે વર્ષમાં આ સૂચકાંકો માટેનો સૌથી મોટો ઘટાડો હતો. જો ટેક્નિકલ ચાર્ટ પર જોવામાં આવે તો આ ઘટાડો નિફ્ટી માટે વેચવાલીનો સંકેત હતો, કારણ કે નિફ્ટી 22 ફેબ્રુઆરીએ 114 પોઈન્ટના ઘટાડા પર બંધ થવા છતાં 200-દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ સાથે ખુલ્યા પછી વધ્યો હતો.
બીજા દિવસે 23 ફેબ્રુઆરીએ બજાર ખુલ્યું હતું, પરંતુ બંધ થતા સુધીમાં તે 28 પોઈન્ટ્સ નીચે આવી ગયું હતું. આમ છતાં તે 200 ડીએમએથી ઉપર હતું. પરંતુ 24મી ફેબ્રુઆરીના રોજ જે દિવસે યુક્રેન પર હુમલાની જાહેરાત કરવામાં આવી હતી. નિફ્ટી લગભગ 500 પોઈન્ટ્સ નીચે ખુલ્યો હતો અને આખો દિવસ ડાઉન રહ્યો હતો અને અંતે 800થી વધુ પોઈન્ટ ઘટીને 16,248 પર બંધ થયો હતો. જો આપણે 200 ડીએમએ (DMA)ના સંદર્ભ વિશે વાત કરીએ, તો તે તેના કરતા લગભગ 650 પોઈન્ટ નીચે રહ્યું હતું.
ટેક્નિકલ રીતે જોઇએ તે સમયે બજારમાં ભારે નબળાઈનો સંકેત હતો. પરંતુ આ સંકેત બીજા જ ટ્રેડિંગ સેશનમાં તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટી 25 ફેબ્રુઆરીએ 250 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો અને ટ્રેડિંગના અંત સુધીમાં 410 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. આ અપટ્રેન્ડ બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ પણ ચાલુ રહ્યો. જોકે, તે દિવસે નિફ્ટી લગભગ 170 પોઈન્ટ નીચે ખુલ્યો હતો. માત્ર બે સેશનમાં નિફ્ટી 16,203ની નીચી સપાટીથી લગભગ 600 પોઈન્ટ વધી ગયો છે.
રોકાણકારોનો સૌથી મોટો સવાલ
રોકાણકારો સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સીધો જવાબ શોધવાને બદલે, બજારનો સામનો કરી રહેલા ફંડામેન્ટલ્સને જોવું અને તેને ગયા અઠવાડિયે રચાયેલી તકનીકી પેટર્ન સાથે જોડીને સમજવું વધુ સારું છે. ગત અઠવાડિયે ગુરુવારના ભારે ઘટાડા પછી આવેલા શુક્રવાર અને સોમવારના ઉછાળા છતાં શેરબજારનો સંવેદનશીલ સૂચકાંક હજુ પણ 200 DMA જે તેનાથી નીચે છે. માર્કેટમાં કરેક્શન માટે નિફ્ટી 200 DMA ની ઉપર બંધ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ બજારના ફંડામેન્ટલ્સને જોતા એવું લાગતું નથી કે બજારોએ હાલમાં તમામ ચિંતાઓ પાછળ છોડી છે. આમાં ટૂંકા અને મધ્યમ ગાળાની ચિંતાઓ હજુ પણ સામેલ છે.
ટૂંકા ગાળામાં યુક્રેન અને રશિયાનો તણાવ સૌથી મોટી ચિંતાનો વિષય છે. જોકે, હુમલાના પહેલા દિવસે બજારમાં જે ઉથલપાથલ મચી હતી તે હવે દૂર થઇ ચૂકી છે. પરંતુ બંને દેશો વચ્ચે ઘર્ષણ હજુ યથાવત છે. તેવામાં પશ્ચિમી દેશોમાં લાગી રહેલા પ્રતિબંધો અને હુમલા સંબંધિત દરેક સમાચાર શેર બજારને અસર કરી રહ્યા છે.
કાચા તેલ પર દબાણ
ક્રૂડ ઓઈલ પહેલાથી જ દબાણ હેઠળ છે અને બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડૉલરને પાર કરી ગયું છે. પરંતુ ક્રૂડ ઓઈલમાં આવનારા વધારાને માત્ર ભારતીય અર્થતંત્ર અને તિજોરી પર વધી રહેલા બોજના દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. દેશની સાથે અમેરિકામાં મોંઘવારી દર પર પણ તેની ભારે અસર પડશે. અમેરિકા પહેલેથી જ વધતી જતી મોંઘવારીથી પરેશાન છે અને ત્યાં ફુગાવાનો દર 40 વર્ષ પછી 7%ને વટાવી ગયો છે.
પરિણામે, યૂએસ ફેડે લિક્વિડિટી ઘટાડવા માટે તેની બોન્ડ ખરીદવાની યોજના પર બ્રેક લગાવવાનું નક્કી કર્યું છે. નવેમ્બર સુધીમાં ફેડ દર મહિને $120 બિલિયનના બોન્ડ ખરીદતું હતું. જેને તેણે દર મહિને $15 બિલિયન ઘટાડવાનું નક્કી કર્યું. એટલે કે જુલાઈ સુધીમાં બોન્ડની ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ જવાની હતી. ત્યારપછી એવી શક્યતા હતી કે વ્યાજદર ધીમે ધીમે વધવા લાગશે. પરંતુ જ્યારે યુ.એસમાં શહેરી ગ્રાહકો માટે છૂટક ફુગાવો નવેમ્બર 2021માં 6.8% પર પહોંચ્યો હતો, ત્યારે યુએસ ફેડરલ બેંક ચિંતિત બની હતી. 40 વર્ષ પહેલા જૂન 1982માં યુએસમાં છૂટક ફુગાવો આ સ્તરે (7.1%) પહોંચી ગયો હતો. ફેડએ તેની જૂની યોજનામાં સુધારો કર્યો અને તેના બોન્ડ ખરીદીના કાપને બમણો કરીને દર મહિને $30 બિલિયન કર્યો હતો.
એટલે કે માર્ચ 2022 સુધીમાં ફેડરલ રિઝર્વના બોન્ડની ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ જશે. ફેડે તે પણ સ્પષ્ટ કર્યું છે કે, તે 2022 દરમિયાન વ્યાજ દરમાં 3-4 વખત વધારો કરી શકે છે અને તે માર્ચથી શરૂ થશે. જો કે, ઘણા માને છે કે આ ઘટાડો 6 ગણો થઈ શકે છે. આવી સ્થિતિમાં જો યુએસ ફેડ ક્રૂડ ઓઇલના કારણે અન્ય રીતે લિક્વિડિટી ઘટાડવા પર કામ કરવાનું શરૂ કરે તો ભારતીય શેરબજારમાં તેની અસર જોરદાર વેચવાલી સ્વરૂપે આવી શકે છે.
નેસ્કેડે બનાવ્યું ડેથ ક્રોસ ફોર્મેશન
યુએસ બજારોમાં પણ ટેકનિકલ્સ સંપૂર્ણપણે મંદીવાળા બની ગયા છે. 18 ફેબ્રુઆરીએ નાસ્ડેકે એપ્રિલ 2020 પછી પ્રથમ વખત 'ડેથ ક્રોસ' રચના કરી. જેને ટેકનિકલ દ્રષ્ટિએ જોઇએ તો, કેટલીકવાર આગામી દિવસોમાં ભારે વેચવાલીનો સંકેત આપે છે. જ્યારે ચાર્ટનું 50-DMA તેના 200-DMAથી નીચે પાર થાય ત્યારે તેને ડેથ ક્રોસ કહેવાય છે. નિફ્ટીમાં પણ 6 જાન્યુઆરીથી 50-ડીએમએ ચાર્ટના 100-ડીએમએથી નીચે જઈ રહ્યો છે, પરંતુ તે હજુ પણ 200-ડીએમએની ઉપર છે. જૂન 2000 અને જાન્યુઆરી 2008માં પણ નેસ્ડેક પર ડેથ ફોર્મેશનની રચના કરવામાં આવી હતી, જે પછી ભયાનક વેચાણ નોંધાયું હતું.
જોકે, આ રચનાનું બીજું પાસું પણ છે. પોટોમેક ફંડ મેનેજમેન્ટના અભ્યાસ મુજબ આ ફોર્મેશન 1971થી અત્યાર સુધીમાં 31 વખત આવી છે. પરંતુ 77% કેસમાં ઇન્ડેક્સ છ મહિના પછી નવી ટોચે પહોંચ્યો છે. એપ્રિલ 2020 પણ એક આવું જ ઉદાહરણ છે, જ્યારે આ ફોર્મેશન ઘટાડા બાદ જોવા મળ્યું હતું.
ટૂંકમાં કહીએ તો, શેરબજારો સંપૂર્ણ અનિશ્ચિતતાની પકડમાં છે. આવી સ્થિતિમાં રોકાણકારો અથવા વેપારીઓ માટે માત્ર બે પ્રકારની વ્યૂહરચના છે. કાં તો 3-5 વર્ષના ટાર્ગેટ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ કરો. અથવા તો ડાઉનસાઈડ સમયે સારા શેરોમાં ચુસ્ત સ્ટૉપલોસ સાથે ખૂબ જ ટૂંકાગાળા માટે નાણાંનું રોકાણ કરો અને જો તમને 5-7% નફો મળે તો નફો બુક કરો. આવી સ્થિતિમાં આ રણનીતિ સૌથી અસરકારક લાગે છે. (ભુવન ભાસ્કર, લેખક કૃષિ અને આર્થિક બાબતોના જાણકાર છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર