Home /News /business /TCS Buyback: શેરનું બાયબેક એટલે શું? રોકાણકારોને શું ફાયદો થાય? બાયબેક માટે શેર ટેન્ડર કરવા કે નહીં?

TCS Buyback: શેરનું બાયબેક એટલે શું? રોકાણકારોને શું ફાયદો થાય? બાયબેક માટે શેર ટેન્ડર કરવા કે નહીં?

સ્ટોક બાયબેક ઑફર

TCS stock Buyback: કંપની પાસે જ્યારે વધારે પ્રમાણમાં રોકડ હોય છે ત્યારે તે કંપનીના રોકાણકારોને તેમના રોકાણનું વધારે મૂલ્ય આપવા માટે શેર બાયબેકનો વિકલ્પ આપે છે. જે અંતર્ગત કંપની એક નિશ્ચિત રકમ ઑફર કરીને માર્કેટમાંથી પોતાની કંપનીના શેર પરત ખરીદે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દેશની પ્રતિષ્ઠિત કંપનીમાંની એક એવી TCS તરફથી થોડા દિવસ પહેલા બાયબેક ઑફર (TCS buyback offer)ની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત સાથે જ ટીસીએસના શેરધારકો (TCS shareholders) સહિત અનેક રોકાણકારોના મનમાં સવાલ ઊઠ્યા હશે કે આખરે આ બાયબેક શું છે? તેમાં કેવી રીતે ભાગ લઈ શકાય? બાયબેક માટે શેર ટેન્ડર કરવા જોઈએ કે નહીં? બાયબેક (Buyback)ને સરળ ભાષામાં એવું કહી શકાય કે કંપની શેરધારકો પાસેથી શેરની પરત ખરીદી કરે. બાયબેક અને તેની સાથે જોડાયેલી અન્ય વાતો જાણીએ.

બાયબેક એટલે શું?

કંપની પાસે જ્યારે વધારે પ્રમાણમાં રોકડ હોય છે ત્યારે તે કંપનીના રોકાણકારોને તેમના રોકાણનું વધારે મૂલ્ય આપવા માટે શેર બાયબેકનો વિકલ્પ આપે છે. જે અંતર્ગત કંપની એક નિશ્ચિત રકમ ઑફર કરીને માર્કેટમાંથી પોતાની કંપનીના શેર પરત ખરીદે છે. જેનાથી રોકાણકારોને વધારે ફાયદો થાય છે. જે લોકો બાયબેકમાં શેર ટેન્ડર કરવા માંગે છે તેમણે એક ફોર્મ ભરીને કંપનીને આપવાનું હોય છે.

કંપની શેરની ખરીદી કેવી રીતે કરે છે?

કંપની પોતાના શેરની ખરીદી બે રીતે કરે છે. જેમાંથી એક રીત બાયબેક અથવા ટેન્ડર ઑફર છે. જ્યારે બીજી રીત ઓપન માર્કેટમાંથી ખરીદી છે. 1) બાયબેક: નિષ્ણાતોનું કહેવું છે કે કંપની જ્યારે બાયબેક મારફતે શેરની ખરીદી કરે છે ત્યારે તેને સારો સંકેત માનવામાં આવે છે. આ ઑફર અંતર્ગત કંપની વર્તમાન શેરધારકો પાસેથી શેરની પરત ખરીદી કરે છે. આ માટે કંપની હંમેશા શેરની વર્તમાન કિંમતથી વધારે ભાવ આપે છે. જેના પગલે શેરધારકોને ફાયદો થાય છે. 2) ઓપન માર્કેટ: ઓપન માર્કેટમાં કંપની શેરની જે તે કિંમતે બજારમાંથી શેરની ખરીદી કરે છે. આ ઑફરમાં રોકાણકારોને વધારો ફાયદો થયો નથી.

શા માટે બાયબેક?

કંપની જ્યારે પ્રીમિયમ પર શેર બાયબેક કરે છે ત્યારે શેરનો EPS (Earning per share) અને PE વધે છે. બાયબેક મારફતે કંપનીના શેરમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સાથે જ કંપનીની સંપત્તિ પર મળતું રિટર્ન પણ વધી જાય છે. આવું કરવાથી કંપની ટેકઓવરના ખતરાને પણ ઓછો કરી શકે છે. આવું કરવાથી કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો વધે છે. મોટાભાગે જ્યારે કંપની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય છે ત્યારે તે બાયબેકનો વિકલ્પ પસંદ કરે છે. કારણ કે કંપનીની બેલેન્સ શીટમાં વધારે પ્રમાણમાં રોકડને સારી નિશાની નથી માનવામાં આવતી. અનેક વખત કંપનીઓ પોતાના શેરની કિંમત વધારવા માટે પણ બાયબેકનો રસ્તો અપનાવતી હોય છે.

આ પણ વાંચો: Share Market crash: તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર ઊંધા માથે પટકાયા, ઇશ્યૂ કિંમતથી 50% સુધી તૂટ્યા

રોકાણકારોને શું ફાયદો?

બાયબેક મારફતે કંપની પોતાના શેરની પરત ખરીદી કરીને શેરધારકોને સરપ્લસ રકમ પરત આપે છે. જેનાથી શેરની કિંમત વધે છે, તેમજ શેરધારકોની વેલ્યૂ પણ વધે છે. રોકાણકારોને વધારે કિંમત પર પોતાના શેર વેચવાનો ફાયદો મળે છે. શેર બજારના નિષ્ણાતો એવું માની રહ્યા છે કે લાંબા સમય માટે રોકાણ કરનારા રોકાણકારોએ બાયબેકનો વિકલ્પ પસંદ કરવો જોઈએ નહીં. જો તમને એવું લાગે કે કંપનીમાં વિકાસની સંભાવના નથી તો બાયબેકનો વિકલ્પ પસંદ કરી શકો છો. પરંતુ જો કંપની સારો એવો ગ્રોથ કરી રહી હોય તો બાયબેકનો વિકલ્પ પસંદ ન કરવો યોગ્ય રહેશે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

1) બાયબેકની પ્રક્રિયા સમજી લેવી જરૂરી છે. ક્યારેક કંપનીઓ જાણી જોઈને ઓછી કિંમતે બાયબેક કરે છે. આવું કરવાથી શેરધારકોએ નુકસાન સહન કરવું પડી શકે છે.

2) બાયબેક પહેલા શેરની કિંમતમાં આવતા વધારા-ઘટાડા પર ધ્યાન આપો. અનેક વખત બાયબેક વખતે શેરની કિંમતમાં તેજી આવી જાય છે. આ વખતે સતર્ક રહેવું જરૂરી છે.

3) રોકાણકારોએ બાયબેકની ઑફર, સાઇઝ અને કિંમત અને સમય પર ધ્યાન આપવું જોઈએ. કુલ માર્કેટ કેપની સરખામણીમાં બાયબેકની સાઇઝ ઓછી છે તો શેરના ભાવમાં વિશેષ બદલાવ જોવા નહીં મળે.

4) બાયબેક વખતે કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયોને ધ્યાનમાં રાખવો જરૂરી છે. કંપની ઉપર વધારે દેવું છે તો એવા સમયે શેરને વેચી દેવામાં જ ફાયદો છે.

5) શેરને વેચતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂરથી લો. કંપનીના ફંડામેન્ટલ અને ગ્રોથ વિશેની માહિતી મેળવો.

આ પણ વાંચો: Tech Stock: રાકેશ ઝુનઝુનવાલાના સ્ટૉકમાં મ્યુચ્યુઅલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે વધાર્યો હિસ્સો, શું તમારી પાસે છે?

બાયબેક સ્વીકાર રેશિયો

લોકોના દિમાગમાં એક એવો પણ સવાલ હોય છે કે શું કંપની તેમની પાસે રહેલા તમામ શેર બાયબેક કરી લે છે? હકીકતમાં કંપની તમામ શેર બાયબેક નથી કરતી. તમે બાયબેક માટે જેટલા શેર ટેન્ડર કરો છો તેના અમુક ટકા શેર જ કંપની બાયબેક કરે છે. બાકીના શેર તમારા ડિમેટ ખાતામાં પરત જમા કરી દે છે. દા.ત. તમારી પાસે ટીસીએસના 100 શેર છે. તમે તમામ 100 શેર ટેન્ડર કરો છો. જો કંપનીનો સ્વીકાર રેશિયો 40 ટકા હોય તો કંપની 40 શેર બાયબેક કરશે. બાકીના 60 શેર તમારા ડીમેટ ખાતામાં પરત જમા કરશે.

રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો

સેબીના નિયમ પ્રમાણે બાયબેકના કિસ્સામાં કંપનીઓએ 15% હિસ્સો રિટેલ એટલે કે નાના રોકાણકારો માટે અનામત રાખવાનો હોય છે. અહીં નાના રોકાણકારોની વ્યાખ્યા કંપનીમાં બે લાખ રૂપિયા સુધીનું હોલ્ડિંગ ધરાવતા શેરધારકો છે.
First published:

Tags: Investment, Share market, Stock tips, TATA

विज्ञापन