નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ (Union Budget 2021) પહેલા નાણાકીય વર્ષ 2020-21નો ઇકોનૉમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ (Economic Survey) આજે એટલે કે 29મી જાન્યુઆરી, 2021ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સર્વે રજૂ થતાની સાથે જ બજેટ સત્રનો પ્રારંભ થઈ જશે. સરળ ભાષામાં કહીએ તો ઇકોનૉમિક સર્વે દેશના આર્થિક સ્વાસ્થ્યના લેખા જોખા (હિસાબ-કિતાબ) હોય છે. ઇકોનૉમિક સર્વે 2020-21ના આર્કિટેક ચીફ ઇકોનૉમિક એડ્વાઇઝર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ (Krishnamurthy Subramanian) છે.
આર્થિક વિકાસના લેખા જોખા હોય ઇકોનૉમિક સર્વે
કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરે છે. જ્યારે ઇકોનૉમિક સર્વે વર્તમાન નાણાકીય વર્ષનો હિસાબ-કિતાબ હોય છે. આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવશે, પરંતુ આજે જે ઇકોનૉમિક સર્વે રજૂ કરવામાં આવશે તે વર્તમાન વર્ષ 2020-21નો હોય છે. જેમાં આખા વર્ષનો હિસાબ-કિતાબ હોય છે.
ઇકોનૉમિક સર્વે એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ કાર્ડ છે. જેનું કામ અર્થતંત્રના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર આંકડા રજૂ કરવાનું છે. નિયમ અને કાયદા પ્રમાણે સરકાર સર્વે રજૂ કરવા માટે બાધ્ય નથી, પરંતુ આ પ્રક્રિયાનો એક ભાગ છે. આ ઉપરાંત સર્વેમાં જે સુધારા સૂચવવામાં આવ્યા હોય તેને માનવા માટે પણ સરકાર બાધ્ય નથી. આ સર્વેમાં દેશના અર્થતંત્રના દ્રષ્ટિકોણ અને પડકારો પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં સુધારાઓની ભલામણ કરવામાં આવે છે. જ્યારે બજેટમાં કમાણી અને ખર્ચનો અંદાજ હોય છે. જેમાં યોજનાઓ માટે ફંડની ફાળવણી કરવામાં આવે છે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્ર દરમિયાન પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભા સચિવના નિવેદન પ્રમાણે બે હિસ્સામાં શરૂ થનારું બજેટ સત્ર આઠમી એપ્રિલ, 2021 સુધી ચાલશે. બજેટ સેશનનો પ્રથમ તબક્કો 29મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 8મી માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર