Home /News /business /મ્યુચ્યુઅલ ફંડ vs શેર: બંને વચ્ચે શું સામ્યતા અને તફાવત છે? જાણો તમામ સવાલના જવાબ
મ્યુચ્યુઅલ ફંડ vs શેર: બંને વચ્ચે શું સામ્યતા અને તફાવત છે? જાણો તમામ સવાલના જવાબ
શેર અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત
Stocks Vs Mutual Funds: શેરમાં રોકાણકારોને સીધું રોકાણ કરવાનું રહે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આવું હોતું નથી. તેમાં તમારે ફંડના માધ્યમથી રોકાણ કરવાનું રહે છે.
મુંબઈ: ભારતમાં રોકાણ કરવા માટે અનેક ક્ષેત્રો છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ (Investment in Mutual Funds) અને સ્ટોક (Investment in Stocks) જેવા વિકલ્પો અજાણ્યા નથી. આ બંનેમાં રોકાણ કરી વળતર મેળવી શકાય છે. પણ ઘણી વખત લોકો આ બંને વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. જેના કારણે રોકાણની તક પણ ગુમાવે છે. જેથી અહીં મ્યુચ્યુઅલ ફંડ અને શેર અંગે જાણકારી (Difference between Stock and Mutual fund) આપવામાં આવી છે.
શેર એટલે શું?
શેર કંપનીની વેલ્યુ તરીકે ગણાય છે. કંપની તેના શેર સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરાવવા માંગે ત્યારે તે IPO લાવે છે. તેના શેરની કુલ કિંમત કંપનીની કુલ વેલ્યુ બતાવે છે. આનો અર્થ એ થયો કે જો તમારી પાસે કોઈ કંપનીના શેર હોય, તો તમે કંપનીના પાર્ટનર છો.
મ્યુચ્યુઅલ ફંડ એટલે શું?
મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરીને કંપનીઓના શેર સહિતની સંપત્તિમાં રોકાણ કરવામાં આવે છે. પણ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી રોકાણ કરવાથી તમે પાર્ટનર બનતા નથી. રોકાણની રકમના પ્રમાણમાં તમને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ મળે છે.
આ બંનેમાં એક સામ્ય એ છે કે, તમે સારી કંપનીઓના શેરમાં સીધું રોકાણ કરીને અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા તેમાં રોકાણ કરીને પૈસા કમાઈ શકો છો.
શેર અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે ભેદ:
શેરના ટ્રેડિંગમાં વધુ સતર્કતા જરૂરી
શેરમાં સીધું રોકાણ પ્રમાણમાં વધુ જોખમ ધરાવે છે. તમારે કંપની અને તેનું ક્ષેત્ર પર સંશોધન કરીને શેર પસંદ કરવાની જરૂર પડે છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હજારો કંપનીઓમાંથી અમુક કંપનીઓ પસંદ કરવી એ મુશ્કેલ કાર્ય છે. આ સાથે રોકાણ કર્યા બાદ તેના પર સતત નજર રાખવી પડે છે. અલબત્ત મ્યુચ્યુઅલ ફંડમાં આવું નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્ટોકની પસંદગી એક્સપર્ટ ફંડ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે. તમારે ભંડોળની અંદર કોઈ ચોક્કસ શેર નહીં, પરંતુ ફંડ પર નજર રાખવાની હોય છે.
શેરમાં રોકાણકારોને સીધું રોકાણ કરવાનું રહે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આવું હોતું નથી. તેમાં તમારે ફંડના માધ્યમથી રોકાણ કરવાનું રહે છે.
રોકાણ પર કંટ્રોલ
શેરોની પસંદગી માટે તમે ડાયરેક્ટ જવાબદાર હોવ છો. તમે તમારી પસંદગી મુજબ શેરોમાંથી ટ્રેડ કરી છો. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર તમારો કોઈ અંકુશ હોતો નથી. પોર્ટફોલિયોના કોઈ ચોક્કસ શેરોમાંથી બહાર નીકળી શકતા નથી.
ફી અને ચાર્જ
શેરના ટ્રેડિંગમાં બ્રોકરેજ ચાર્જ અને અન્ય ટ્રાન્ઝેક્શન ફી લાગે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજમેન્ટ ચાર્જ, ફ્રન્ટ-એન્ડ લોડ/બેક-એન્ડ લોડ ચાર્જ, અર્લી રિડમ્પશન ચાર્જ વગેરે ચૂકવવા પડે છે.
મેનેજમેન્ટ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ તમારે જાતે ફંડનું મેનેજમેન્ટ કરવાની જરૂર હોતી નથી. અનુભવી ફંડ મેનેજરો મ્યુચ્યુઅલ ફંડની કામગીરીનું સંચાલન કરવા, ખરીદવા અથવા વેચવાના નિર્ણયો લે છે.
મ્યુચ્યુઅલ ફંડ વિવિધ કંપનીઓની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. જેના કારણે બજારની અસ્થિરતાના કિસ્સામાં જોખમ ઘટે છે.
SIP અને SEP
તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. તમે 100 રૂપિયા જેટલા ઓછા રોકાણથી શરૂઆત કરી શકો છો અને તમારી સંપત્તિ વધારી શકો છો. બીજી તરફ શેરમાં તમને SIP વિકલ્પ મળતો નથી.
વિકલ્પો
મ્યુચ્યુઅલ ફંડમાત્ર શેર સુધી જ મર્યાદિત નથી. તેમાં સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ વગેરે જેવી ડેટ સિક્યોરિટીઝમાં પણ રોકાણ થાય છે. તેના દ્વારા મની માર્કેટમાં પણ રોકાણ કરવામાં આવે છે.
શેરબજારમાં રોકાણનો મોટો ફાયદો એ છે કે, તેમાં ઉંચુ વળતર મળી શકે છે. કેટલાક જાણીતા અને સફળ રોકાણકારોએ શેરબજારમાં સીધું રોકાણ કરીને તેમની સંપત્તિ બનાવી છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આવું નથી.
સરળતા
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ખૂબ સરળ છે. ગમે તે વ્યક્તિ તેમાં રોકાણ નાનું મોટું રોકાણ કરી શકે છે. અલબત્ત શેરમાં વધુ સમય અને આવડતની જરૂર પડે છે.
સુરક્ષા
મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં વિવિધતા હોવાથી તેમાં નેગેટિવ રિટર્ન નિયંત્રણમાં રહે છે. ઉદાહરણ તરીકે, જો તમારા પોર્ટફોલિયોમાં 35 શેર હોય જેમાંથી 3માં કડાકો થયો હોય તો અન્ય 32માં સહેજ પણ ઉછાળો તમારા એકંદર ફંડને ગગડતા અટકાવશે.
ટેક્સ બેનિફિટ
શેર્સમાં સીધું રોકાણ તમને કલમ 80CCG હેઠળ જ ટેક્સ બેનિફિટ આપી શકે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ બેનિફિટ્સના વિકલ્પ વધુ છે. જો ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ હોય તો સેક્શન 80CCG તેમજ 80C હેઠળ દાવો કરી શકાય છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબા ગાળાનો વૃદ્ધિનો માર્ગ છે. તમને તેમાં 5-7 વર્ષ પછી જ સારું વળતર મળે છે. જ્યારે શેરમાં તમે યોગ્ય સમયે ખરીદી અને વેચાણ કરો તો તમને ઝડપી વળતર આપી શકે છે.
એકાઉન્ટ
શેરમાં ટ્રેડિંગ માટે તમારે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડને ડિમેટ એકાઉન્ટની જરૂર નથી. જોકે, તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોય તો તમે તેનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડ્સને હેન્ડલ કરવા માટે કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર