Home /News /business /Banking: સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ શું છે? બંને વચ્ચેના આ તફાવતની તમને ખબર છે?

Banking: સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ શું છે? બંને વચ્ચેના આ તફાવતની તમને ખબર છે?

બચત અને ચાલુ ખાતા વચ્ચે તફાવત

Savings account vs Current account: સામાન્ય શબ્દોમાં કહીએ તો સેવિંગ એકાઉન્ટ બચત કરવા માંગતા લોકો માટે હોય છે, જ્યારે કરંટ એકાઉન્ટ કંપનીઓ અને પેઢીઓના નિયમિત વ્યવહારો માટે ખોલવામાં આવે છે.

મુંબઈ: આપણે સેવિંગ એકાઉન્ટ (Savings Account) અને કરંટ એકાઉન્ટ (Current Account) નામ ઘણી વખત સાંભળ્યા હશે. ATMમાં પૈસા ઉપાડતી વખતે પણ આ બંને વિકલ્પ જોવા મળે છે. ત્યારે આ બંને એકાઉન્ટ વચ્ચે શું ભેદ છે? (What is the Difference Between Current and Savings Accounts?) તે પ્રશ્ન અનેક લોકોને સતાવતો હોય છે. પ્રાથમિક નજરે ખબર પડે કે, આ બંને એકાઉન્ટ અલગ અલગ હેતુઓ માટે હોય છે. આ એકાઉન્ટ વિવિધ પ્રકારના યૂઝર્સની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊભા કરવામાં આવ્યા છે. દેશમાં ICICI, એક્સિસ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, સિટી બેંક, યસ બેંક, સહિતની લગભગ તમામ અગ્રણી બેન્કો કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ એમ બંનેની સુવિધા આપે છે. આજે અહીં સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ વચ્ચેનો તફાવત રજૂ કરવામાં આવ્યો છે.

સામાન્ય શબ્દોમાં કહીએ તો સેવિંગ એકાઉન્ટ બચત કરવા માંગતા લોકો માટે હોય છે, જ્યારે કરંટ એકાઉન્ટ કંપનીઓ અને પેઢીઓના નિયમિત વ્યવહારો માટે ખોલવામાં આવે છે. સેવિંગ એકાઉન્ટમાં કરંટ એકાઉન્ટ કરતા વધુ વ્યાજ મળતું હોય છે.

કોના માટે કયું એકાઉન્ટ વધુ અનુકૂળ?

સેવિંગ એકાઉન્ટ જે તે વ્યક્તિ વ્યક્તિગત રીતે ખોલાવી શકે છે. આ એકાઉન્ટ સામાન્ય રીતે પૈસા બચાવવા માટે વપરાય છે. પગારદાર કર્મચારીઓ જેવી સ્થિર અથવા નિયમિત આવક મેળવનાર કોઈપણ વ્યક્તિ માટે સેવિંગ એકાઉન્ટ આદર્શ પસંદગી હોય છે. જ્યારે કરંટ એકાઉન્ટ ઉદ્યોગપતિઓ, કંપનીઓ, પેઢીઓ, સંસ્થાઓ, જાહેર સાહસો દ્વારા ખોલવામાં આવે છે. તેમને વારંવાર નાણાં ટ્રાન્સફર કરવાની જરૂર હોય છે.

મિનિમમ બેલેન્સ

સેવિંગ એકાઉન્ટમાં તમારે અમુક રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું પડતું હોય છે. આવું કરવાથી એકાઉન્ટ ડિએક્ટિવેટ થતું નથી. જોકે, મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ કરંટ એકાઉન્ટમાં પણ હોય છે, પરંતુ સેવિંગ એકાઉન્ટ કરતા તેમાં વધુ મિનિમમ બેલેન્સ રાખવું પડતું હોય છે.

માસિક ટ્રાન્ઝેક્શન

સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા લિમિટેડ હોય છે. ગ્રાહકને મહિનામાં કેટલાક ટ્રાન્ઝેક્શન કરવા દેવાય છે. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો અમુક ચાર્જ વસુલવામાં આવે છે. બીજી તરફ કરંટ એકાઉન્ટમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે કોઈ સીમાઓ હોતી નથી. સતત ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરિયાત પૂરી કરવા જ આ એકાઉન્ટ ખોલવામાં આવતા હોય છે.

ઓવરડ્રોઈંગ

જ્યારે તમે તમારા ખાતામાં હોય તેના કરતાં વધુ પૈસા ઉપાડો ત્યારે તમારું ખાતું ઓવરડ્રો કહેવામાં આવે છે. સામાન્ય રીતે સેવિંગ એકાઉન્ટમાં બેંકો આ પ્રકારની સુવિધા આપતી નથી. પણ કરંટ એકાઉન્ટમાં આ સુવિધા આપવામાં આવે છે. ઘણા વેપારીઓ આ સુવિધાનો લાભ લેતા હોય છે.

વ્યાજ

સેવિંગ એકાઉન્ટમાં સામાન્ય રીતે તમને 4%થી 6% વચ્ચેનું વ્યાજ મળે છે. આ એકાઉન્ટ થકી અમર્યાદિત વ્યવહારો થઈ શકતા ન હોવાથી સમય જતાં વધુ ફંડ એકત્રિત કરવું સરળ છે. જ્યારે કરન્ટ એકાઉન્ટના કિસ્સામાં બેન્કો સામાન્ય રીતે કોઈ વ્યાજ આપતી નથી.

આ પણ વાંચો: Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

એકાઉન્ટના પ્રકાર

સેવિંગ એકાઉન્ટમાં અલગ અલગ વિકલ્પો આપવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા અને જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.

1) રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ
2) સેલેરી સેવિંગ એકાઉન્ટ
3) ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ
4) ચિલ્ડ્રન એન્ડ માઇનોર સેવિંગ એકાઉન્ટ
5) ફેમિલી સેવિંગ એકાઉન્ટ
6) મહિલાઓ માટે સેવિંગ એકાઉન્ટ
7) સિનિયર સિટીઝન સેવિંગ એકાઉન્ટ

બીજી તરફ કરંટ એકાઉન્ટને પણ અલગ અલગ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. જે વ્યવસાયો, સંસ્થાઓ, ટ્રસ્ટોને તેમની આવશ્યકતાઓ અનુસાર સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાની તક આપે છે.

1) પ્રીમિયમ કરંટ એકાઉન્ટ
2) સ્ટાન્ડર્ડ કરંટ એકાઉન્ટ
3) પેકેજ્ડ કરંટ એકાઉન્ટ
4) ફોરેન કરંટ એકાઉન્ટ

આ પણ વાંચો:  Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? તેમાં રોકાણ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

ડાયરેક્ટર પેમેન્ટ

લેણદારોને સીધી ચૂકવણી કરવા માટે કરંટ એકાઉન્ટ મારફતે ચેક, પે-ઓર્ડર અથવા ડિમાન્ડ-ડ્રાફ્ટ જારી કરી શકાય છે. જ્યારે સેવિંગ એકાઉન્ટમાં આ કરવું સરળ નથી. આ સાથે કરંટ એકાઉન્ટમાં મલ્ટી લોકેશન ટ્રાન્સફર પણ થઈ શકે છે.

ખર્ચ

સામાન્ય રીતે કરંટ એકાઉન્ટ માટે પેપર વર્કની પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક હોય છે. ઘણીવાર લોકો તેમાં કન્ફ્યુઝ પણ થઇ જતા હોય છે. આ ઉપરાંત કોર્પોરેટ બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં ઉંચી ફી વસૂલવામાં આવતી હોય છે. આ સાથે જ એક દિવસમાં પૈસા ઉપાડવા માટે અમુક લિમિટ પણ મૂકવામાં આવે છે.

આ પણ વાંચો:  Education loan: શું એજ્યુકેશન લોનમાં કર લાભ મળે? જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા

સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ વચ્ચે સામ્યતા

જે રીતે સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ વચ્ચે તફાવત છે, તેવી જ રીતે બંને એકાઉન્ટ વચ્ચે કેટલીક સામ્યતા પણ જોવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, બંને એકાઉન્ટ તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટેના વિકલ્પો છે. આ બંને એકાઉન્ટમાં તમને ઇન્ટરનેટ બેન્કિંગ, ATM માટેના ડેબિટ કાર્ડ વ્યક્તિગત અને જોઈન્ટ એકાઉન્ટ જેવી સુવિધા મળતી હોય છે. આ ઉપરાંત બંને એકાઉન્ટમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ડીપોઝીટ કરી શકાય તેની પણ કોઈ ખાસ મર્યાદા હોતી નથી.
First published:

Tags: Bank, Bank account, Personal finance, આરબીઆઇ