Home /News /business /

Demat Account: ડિમેટ એકાઉન્ટ એટલે શું? સરળ શબ્દોમાં સમજો

Demat Account: ડિમેટ એકાઉન્ટ એટલે શું? સરળ શબ્દોમાં સમજો

શેર બજાર (ફાઇલ તસવીર)

Explained Demat Account: સરળ શબ્દોમાં કહીએ તો ડિમેટ એકાઉન્ટ તમારા શેર સર્ટિફિકેટ અને અન્ય સિક્યોરિટીઝ માટે બેંક ખાતા સમાન છે. ડિમેટ એકાઉન્ટમાં શેર સર્ટિફિકેટ અને સિક્યોરિટીઝ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવામાં આવે છે.

    મુંબઈ: દેશમાં સ્ટોક માર્કેટ (Stock market)માં રોકાણ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ટેક્નોલોજી (Technology in stock market)ના કારણે હવે ટ્રેડિંગ ખૂબ સરળ થઈ ચૂક્યું છે, પણ જોખમ આજે પણ પહેલા જેટલું જ છે. આવી સ્થિતિમાં સ્ટોક માર્કેટમાં રોકાણ (Investment in stock market) કરવા ઈચ્છુક નવા રોકાણકારોએ સ્ટોક માર્કેટને લગતા તમામ પાસાઓની છણાવટ કરી લેવી જોઈએ. જેમાંથી એક પાસું છે ડિમેટ એકાઉન્ટ. તમે ડિમેટ એકાઉન્ટ શબ્દ તો ઘણી વખત સાંભળ્યો હશે. ડિમેટ એકાઉન્ટ એટલે શું? (What Is Demat Account?) તે પ્રશ્ન પણ તમારા મનમાં ઉભો થયો હશે. જેથી આજે અહીં ડિમેટ એકાઉન્ટ અંગે જાણકારી આપવામાં આવી છે.

    ડિમેટ એકાઉન્ટ એટલે શું?


    સરળ શબ્દોમાં કહીએ તો ડિમેટ એકાઉન્ટ તમારા શેર સર્ટિફિકેટ અને અન્ય સિક્યોરિટીઝ માટે બેંક ખાતા સમાન છે. ડિમેટ એકાઉન્ટમાં શેર સર્ટિફિકેટ અને સિક્યોરિટીઝ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવામાં આવે છે. ડિમટ એકાઉન્ટ ડિમટિરિયલાઇઝેશન એકાઉન્ટનું ટૂંકું નામ છે અને શેર, બોન્ડ્સ, સરકારી સિક્યોરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ અને ઇટીએફ જેવા રોકાણો રાખવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

    ડિમેટ એકાઉન્ટનો અર્થ સમજવા માટે, ચાલો એક ઉદાહરણ સમજીએ. તમે કોઈ X નામની કંપનીના શેર ખરીદવા માંગો છો અને જ્યારે તમે તે શેર ખરીદો છો, ત્યારે તે તમારા નામે ટ્રાન્સફર કરવા પડશે. પહેલાના સમયમાં એક્સચેન્જમાંથી ફિઝિકલ શેર સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. જેના પર ખરીદનારનું તમારું નામ રહેતું હતું. આ ખૂબ જ લાંબી પ્રોસેસ હતી. જ્યારે પણ કોઈ શેર ખરીદવા અને વેચવામાં આવે ત્યારે સર્ટિફિકેટ બનાવવું પડતું હતું. આ પ્રોસેસને દૂર કરવા માટે 1996માં NSE પરના ટ્રેડિંગ માટે ડિમેટ એકાઉન્ટ સિસ્ટમ શરૂ કરી હતી. આજે તો આખી પ્રોસેસ ખૂબ અત્યાધુનિક થઈ ચૂકી છે.

    ડિમેટ એકાઉન્ટનું મહત્વ


    ડિમેટ એકાઉન્ટ ટ્રેડર્સને એક એવું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં તેઓ અત્યંત સલામતી સાથે શેરને રાખી શકે છે. તે ચોરી, ખોટ અને ડેમેજથી પણ સુરક્ષા આપે છે. આ શેર ફિઝિકલ સર્ટિફિકેટમાંથી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત હોય છે. તમામ વ્યવહારો ડિજિટલ પ્લેટફોર્મ પર હાથ ધરવામાં આવે છે, શેરનું ટ્રાન્સફર ઝડપી અને સીમલેસ રહે છે.

    ડિમેટ એકાઉન્ટ દ્વારા કઈ સુવિધાઓ આપવામાં આવે છે?


    1) શેરનું ટ્રાન્સફર


    ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ રોકાણકારની શેર હોલ્ડિંગ ટ્રાન્સફર કરવા માટે થાય છે. શેર ટ્રેડિંગ કરવા માટે તે ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લિપ (DIS) નો ઉપયોગ કરીને કરી શકાય છે. ટ્રાન્ઝેક્શનના સરળ અમલ માટે તમે આ સ્લિપમાં તમામ સંબંધિત વિગતો આપી શકો છો.

    2) લોનની સુવિધા


    તમારા ડિમેટ ખાતામાં રાખવામાં આવેલી સિક્યોરિટીઝ તમને બેંકમાંથી વિવિધ પ્રકારની લોનની ઍક્સેસ આપી શકે છે. તમારી બેંક પાસેથી લોન મેળવવા માટે તમે આ સિક્યોરિટીઝને કોલેટરલ તરીકે ગીરવે મૂકી શકો છો.

    3) ડિમટીરિયલાઈઝેશન અને રિમટીરિયલાઈઝેશન


    જો તમારી પાસે ડિમેટ ખાતું છે, તો સિક્યોરિટીઝને વિવિધ સ્વરૂપોમાં રૂપાંતરિત કરવાની પ્રોસેસ સરળ બની જાય છે. તમે ડિમટીરિયલાઈઝેશન માટે તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (DP)ને જરૂરી સૂચનાઓ આપી શકો છો. એટલે કે ફિઝિકલ શેર પ્રમાણપત્રોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રોસેસ કરી શકો છે. તેનાથી ઊલટું, તમે તમારી જરૂરિયાતો અનુસાર ઇલેક્ટ્રોનિક સિક્યોરિટીઝને ફિઝિકલ સ્વરૂપમાં પાછી રૂપાંતરિત કરી શકો છો.

    આ પણ વાંચો: એક જ વર્ષમાં આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ 

    4) મલ્ટીપલ ઍક્સેસ વિકલ્પો


    ઈલેક્ટ્રોનિક કામગીરીને કારણે અનેક ડીવાઈસનો ઉપયોગ કરીને ડિમેટ એકાઉન્ટ એક્સેસ કરી શકાય છે. તમે કમ્પ્યુટર, સ્માર્ટફોન અથવા અન્ય હેન્ડહેલ્ડ ડીવાઈસ પર ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરીને રોકાણ, ટ્રેડ, મોનિટરિંગ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરીઓ કરી શકો છો.

    5) કોર્પોરેટ કામગીરી


    ડિમેટ એકાઉન્ટ રાખવાથી તમને સિક્યોરિટીઝની માલિકી સાથે સંકળાયેલા લાભો મેળવવામાં મદદ મળી શકે છે. જ્યારે પણ કોઈ કંપની તેના રોકાણકારોને ડિવિડન્ડ, વ્યાજ અથવા રિફંડ આપે છે, ત્યારે તમામ ડિમેટ ખાતાધારકોને આ લાભો આપમેળે મળી જાય છે. વધુમાં, શેરધારકોના ડિમેટ એકાઉન્ટ્સમાં ઈક્વિટી શેર સંબંધિત સ્ટોક સ્પ્લિટ, રાઈટ શેર અથવા બોનસ ઈશ્યૂ જેવી કોર્પોરેટ કામગીરી અંગે પણ અપડેટ કરવામાં આવે છે.

    ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ


    ડિમેટ ખાતાધારકો પાસે જરૂરિયાત મુજબ ચોક્કસ સમયગાળા માટે તેમના ખાતા ફ્રીઝ કરવાનો વિકલ્પ હોય છે. તે ડિમેટ ખાતામાં કોઈપણ અણધાર્યા ડેબિટ/ક્રેડિટને ટાળવા માટે કરવામાં આવે છે. ફ્રીઝિંગ વિકલ્પનો લાભ લેવા માટે, ખાતાધારકે તેના ખાતામાં ચોક્કસ પ્રમાણમાં સિક્યોરિટીઝ રાખવાની જરૂર રહે છે.

    સ્પીડ ઇ-સુવિધા


    નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ડિમેટ ખાતા ધારકો માટે વિવિધ સુવિધાઓ વિસ્તરે છે. સ્લિપના ફિઝિકલ સબમિશન બદલે, ખાતાધારક ડિપોઝિટરીને ઇલેક્ટ્રોનિક રીતે ઇન્ટરક્શન સ્લિપ મોકલી શકે છે.

    આ પણ વાંચો: ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે? લીલા, પીળા, લાલ રંગના ટાયર કેમ નથી હોતા?

    ડિમેટ એકાઉન્ટના પ્રકાર:


    1) રેગ્યુલર એકાઉન્ટ: રેગ્યુલર ડિમેટ એકાઉન્ટ એ સ્ટાન્ડર્ડ ડિમેટ ખાતું છે. જેનો ઉપયોગ ભારતીય રોકાણકારો (જેઓ ભારતમાં રહે છે) કરે છે. સેબીએ થોડા સમય પહેલા બેઝિક સર્વિસીસ ડિમેટ એકાઉન્ટ (BSDA) તરીકે ઓળખાતું સમાન ડિમેટ એકાઉન્ટ રજૂ કર્યું છે. નિયમિત ડિમેટ એકાઉન્ટ અને BSDA વચ્ચેનો એક માત્ર તફાવત મેઇન્ટેનન્સ ચાર્જ છે. જો રકમ 0થી 50,000 રૂપિયાની વચ્ચે હોય તો BSDA નો મેન્ટેનન્સ ચાર્જ શૂન્ય રહે છે અને જો રકમ 50,000થી 2,00,000 રૂપિયાની વચ્ચે હોય તો 100 રૂપિયાની ન્યૂનતમ રકમ વસૂલવામાં આવે છે. દરેક બ્રોકરે BSDA માટે સમાન મેઇન્ટેનન્સ ચાર્જનું પાલન કરવું પડશે.

    2) રિપેટ્રિએબલ એકાઉન્ટ: બિન-નિવાસી ભારતીયો આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે અને તે વિદેશમાં ફંડ ટ્રાન્સફર કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. રિપેટ્રિએબલ એકાઉન્ટને NRE બેંક ખાતા સાથે લિંક કરવાની જરૂર પડે છે. જો કે, આ બાબત યજમાન દેશ અને વિદેશી દેશના કાયદા પર આધાર રાખે છે. જે તે દેશના કાયદા મંજૂરી આપે તો ફંડનું ટ્રાન્સફર શક્ય છે.

    3) નોન-રીપેટ્રીએબલ એકાઉન્ટ: આ રીપેટ્રીએબલ એકાઉન્ટનો જ એક પ્રકાર છે અને બિન-નિવાસી ભારતીયો તેનો ઉપયોગ કરે છે. જો કે, આ ખાતા દ્વારા વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરી શકાતું નથી અને જેથી NRO બેંક ખાતાની જરૂર પડે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Demat, Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર