Home /News /business /Budget 2023: જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટરની કેન્દ્રીય બજેટમાં શું છે અપેક્ષાઓ?
Budget 2023: જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટરની કેન્દ્રીય બજેટમાં શું છે અપેક્ષાઓ?
દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની શું છે માગ?
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર ભારતના જીડીપીમાં 7% ફાળો આપે છે. આ સેક્ટરનું કદ US$ 78 બિલિયન છે. આ ક્ષેત્ર 50 લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. સમગ્ર ભારતમાં 1.5 લાખથી વધુ નોંધાયેલા જ્વેલર્સ છે. આગામી કેન્દ્રીય બજેટમાં પણ આ ક્ષેત્રની ઘણી માંગ છે. CNBC આવાઝના સંવાદદાતા કેતન જોશીએ જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્યો પાસેથી બજેટ અંગે તેમની શું માંગણીઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
કેતન જોશી/અમદાવાદઃ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના સભ્યો અને અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હાલની ગોલ્ડ ઉપરની 12.50% આયાત ડ્યૂટી ઘટાડી 7.50% કરવી જોઈએ. તેનાથી સોનાની દાણચોરી પર અંકુશ આવશે. એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે "સોનાની દાણચોરી સરકાર માટે એક મોટો પડકાર છે, આવા ફેરફાર ચોક્કસપણે દાણચોરી ઘટાડશે."
પાન કાર્ડ પર સોનાની ખરીદીની મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવે અમદાવાદમાં સરકાર જ્વેલર્સના માલિક અને એસોસિએશનના પ્રતિનિધિ દેવેશ સરકારે જણાવ્યું હતું કે, "આજે સોનાની કિંમતમાં ઘણો વધારો થયો છે. લગ્નમાં કોઈ 40 ગ્રામ સોનું આપે તો પણ તેની કિંમત 2 લાખ રૂપિયા ઉપર થઈ જાય છે. સોનું ખરીદતી વખતે પાન કાર્ડ જરૂરી બની જાય છે, હવે આ મર્યાદા વધારીને 5 લાખ કરવી જરૂરી છે.
અમદાવાદના જ્વેલર યશ મોટવાણી કહે છે કે "જો કોઈ જૂનું સોનું વેચે છે, તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે. જો સરકાર લોકોના ઘરમાંથી સોનું બહાર લાવવા અને સોનાની આયાત ઘટાડવા ઈચ્છતી હોય તો કેપિટલ ગેઇન ટેક્સના બદલે આકર્ષક યોજના લાવવી જોઈએ છે જેથી ફાયદો થાય .
આ સિવાય જીગર સોનીએ અન્ય એક માંગો અંગે જણાવતા કહ્યું કે "બેંકોએ ઘરેણાં ખરીદવા માટે EMIની વ્યવસ્થા કરવી જોઈએ, જેમ કે ઘર અને વાહન ખરીદવા માટે છે. ગોલ્ડ મોનેટાઈઝ્ડ સ્કીમ પર સોનાને વાર્ષિક 6% વ્યાજ મળવું જોઈએ. ક્રેડિટ પર કાર્ડની ખરીદી પર 1.50 થી 2% કમિશન જે બેંકો લે છે તેને બંધ કરવું જોઈએ જેથી ડીઝીટલ ઇન્ડિયાને વધુ વેગ મળે. અશોક ચક્રના ચિહ્ન વાળા સોનાના સિક્કા સરકાર દ્વારા જ બજારમાં લાવવા જોઈએ. જ્વેલર્સને ITR પર લોન મળવી જોઈએ, જે હાલમાં માત્ર પ્રોપર્ટી અને ગોલ્ડ સ્ટોક પર જ ઉપલબ્ધ છે.
જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર પણ દેશમાં રોજગારી વધારવામાં યોગદાન આપી રહ્યાં છે. જો સરકાર આ ક્ષેત્રની બજેટ માંગ પર ધ્યાન આપે તો રોજગાર અને અર્થતંત્રને ફાયદો થઈ શકે છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર