Pharma Sector Expectation From Budget 2023: ભારતનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ વાર્ષિક અઢીથી ત્રણ લાખ કરોડનું ટર્નઓવર કરે છે. જેમાં ગુજરાતનો 33% હિસ્સો છે. દેશમાં સામાન્ય રીતે સંગઠિત અને અસંગઠિત મળીને 15 થી 18 હજાર એકમો છે. ભારતમાંથી વિશ્વના 100થી વધુ દેશોમાં દવાઓની નિકાસ થાય છે. બજેટમાં આ સેક્ટરની શું માંગ છે તે જાણવા વાંચો આ રિપોર્ટ.
કેતન જોષી/ અમદાવાદઃ ભારત દાયકાઓથી દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છે. ભારત પણ વિશ્વના 100 થી વધુ દેશોમાં મોટા પાયા પર દવાનો નિકાસકાર બની ગયો છે. હવે થોડા દિવસો પછી બજેટ આવવાનું છે ત્યારે આ ક્ષેત્રના દિગ્ગજને ઘણી આશાઓ છે.
ગુજરાતની લિંકન ફાર્માસ્યુટિકલ લિમિટેડના ડિરેક્ટર મુંજાલ પટેલ કહે છે કે "સરકાર ફાર્મા ઉદ્યોગ પર સારું ધ્યાન આપી રહી છે, પરંતુ ઈન્સેન્ટિવની દ્રષ્ટિએ કંઈક કરવું જોઈએ. જો કોઈ કંપની તેના પ્લાન્ટનું વિસ્તરણ કરે છે, તો તેને પ્રોત્સાહન મળવું જોઈએ. PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) છે પરંતુ તેને સરળ બનાવવું જોઈએ અને PLIનો વ્યાપ પણ વધારવો જોઈએ. અમે ચીન જેવા મજબૂત હરીફ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં PLIને વધુ સુધારવાની જરૂર છે."
દવાના કાચા માલને ફાર્માની ભાષામાં API એટલે કે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક કહેવામાં આવે છે. આપણે હજુ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા નથી. ખાસ કરીને અત્યાર સુધી આપણે ચીન પર વધુ નિર્ભર છીએ. ફાર્મા પ્રોડક્શન એક્સપર્ટ જયેશ પંચાલ કહે છે કે "સરકારે તાજેતરમાં ગુજરાતમાં API પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે, જે સારી બાબત છે, પરંતુ આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે. APIનો અભાવ ઉત્પાદનને ધીમું કરે છે. "જો APIs ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ થાય તો પછી ઉત્પાદન તેમજ નિકાસમાં વધારો થઈ શકે છે."
R&D ને વધુ પ્રોત્સાહન મળે
ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં જો કોઈ સૌથી મોટું હથિયાર હોય તો તે સંશોધન અને વિકાસ છે. જો કે સરકાર R&D પર જોર આપી રહી છે, પરંતુ નાની કંપની તેના પર વધારે પૈસા ખર્ચી શકતી નથી. જો R&D ને સામૂહિક રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તો આ કાર્ય ઓછા ખર્ચે કરી શકાય છે. R&D ફાર્મા ઉદ્યોગ અને વૈશ્વિક ખરીદદારોમાં વિશ્વાસ જગાડે છે. જો આ બજેટમાં પણ આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે તો સારું રહેશે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર